સુરત(Surat) : મનપા(SMC) સંચાલિત સરથાણા(Sarthana) નેચર પાર્ક(Nature Park)માં આગામી પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સિંહબાળ(Baby Lion)નું આકર્ષણ ઉમેરાશે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને સિંહ આર્ય વચ્ચે સંવનન થયા બાદ ગત તારીખ 30 મેના રોજ વસુધાએ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. આ બચ્ચાઓની સતત સીસીટીવીથી નજર રાખવામાં આવતી હતી. હવે 31 ઓગસ્ટના રોજ વેક્સિનેશન થયા બાદ આ ત્રણેય સિંહબાળને નેચરપાર્કમાં તેના પાંજરામાં વિહરતા કરી દેવાના હોય મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તમે નેચરપાર્કમાં બાળ સિંહોને જોવા જાવ તે પહેલા જ અમે તમને આ બાળસિંહોને બતાવશું. ગુજરાતમિત્ર પશુપ્રેમીઓ માટે સિંહબાળની મસ્તીના એક્ઝિક્લુઝીવ વીડિયો લઈને આવ્યું છે.
વિડીયોમાં મસ્તી કરતા નજરે ચડ્યા બાળસિંહ
ગુજરાતમિત્રનાં આ એક્ઝિક્લુઝીવ વીડિયોમાં ત્રણેય બાળસિંહ મસ્તી કરતા નજરે ચડી રહ્યા છે. તેઓ નાના બાળકોની જેમ એક બીજા સાથે બાથ ભરીને એક બીજાની સાથે ધમાલ કરી રહ્યા છે. તો અન્ય એક વિડીયોમાં બાળસિંહો પોતાની માતા સાથે વિહાર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમ નાનું બાળક પોતાની માતા સાથે ફરવા નીકળ્યું હોય તેમ આ બાળસિંહો પોતાની માતા સાથે ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
સિંહણે પ્રસુતિ વખતે સતત આઠ કલાક ચાલ્યા બાદ બચ્ચાને જન્મ આપ્યો
આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ 8 કલાક સુધી ચાલી હતી. જેનું નેચરપાર્કના અધિકારીઓ-કર્મચારીઓએ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કર્યું હતું. હાલમાં આ બચ્ચા ખુલ્લામાં જઈ શકે તેમ હોવાથી આજે ટ્રાયલ માટે બહાર કાઢવામાં આવ્યા હતા. 31મી ના રોજ વેક્સિનેશન કામગીરી પૂરી થયા બાદ આજે આ બચ્ચાને સિંહની જોડી સાથે નેચર પાર્કમાં લોકો જોઈ શકે તે માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
સફેદ વાઘની જોડી પણ આકર્ષણની કેન્દ્ર
સંગ્રહાલયમાં આકર્ષણ જાળવી રાખવા માટે સમયાંતરે મનપા દ્વારા વિવિધ પ્રાણીઓની જોડીઓ અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવતી હોય છે. ત્યારે આ અગાઉ નેચર પાર્કમાં એક સફેદ વાઘની જોડી પણ લાવવામાં આવી છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટના પ્રદ્યુમ્ન ઝૂઓલોજિકલ પાર્કમાંથી સફેદ વાઘની જોડી મળી હતી આ બાદ હવે મનપા દ્વારા જયપુર અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયથી વુલ્ફની જોડી લાવવામાં આવશે. જે તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.