ગાંધીનગર,સુરત: કેન્દ્ર સરકારની (Central Government) ઉડાન (Udan) યોજનાની તર્જ પર ગુજરાતની (Gujarat) VGF યોજના હેઠળ નાના શહેરોને અમદાવાદ (Ahmedabad) – વડોદરાથી (Vadodara) હવાઈ સેવાથી જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારની એવિએશન કંપની ગુજસેલ દ્વારા એરલાઈન્સ (Airlines) કંપનીઓ માટે ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યું છે.
- સુરતનો કમ સે કમ ટેન્ડરમાં સમાવેશ થવો જોઈતો હતો, તો ખ્યાલ આવતે કે કંપનીઓને કયા રૂટમાં રસ વધુ છે
- ગુજરાતની VGF યોજના અંતર્ગત નાના શહેરોને અમદાવાદ – વડોદરા સાથે હવાઈ સેવાથી જોડાશે
- ગુજરાત સરકારની એવિએશન કંપની ગુજસેલે 11 રૂટના ટેન્ડર ઈશ્યુ કર્યા, સુરત એકપણ રૂટ માટે લાયક નહીં!
ગુજરાત સરકારનો સાવકો દીકરો હોય એમ સુરતને ઇન્ટ્રાસ્ટેટ એરકનેક્ટિવિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ અમદાવાદ અને વડોદરાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સુરતથી વેંચુરા એરકનેક્ટિવિટીની સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલીની વિમાન સેવાઓ ચાલી રહી હોવાથી VGF યોજનામાં સુરતની બાદબાકી કરવામાં આવી હોય એવી ચર્ચા છે.
જો રાજ્યની અંદર થ્રિ ટાયર સિટીની એરકનેક્ટિવિટી માટે જો સુરતને સ્થાન આપવામાં આવ્યું હોત તો 11 રૂટ પૈકી ભુજ, પોરબંદર, કેશોદ, રાજકોટ, અંબાજી, અમરેલી રૂટ માટે એરલાઈન્સ કંપનીઓએ ચોક્કસ રસ લીધો હોત. સુરતથી સૌરાષ્ટ્ર અને કચ્છનાં ભુજ એરપોર્ટ માટે એરલાઈન્સ કંપનીઓની પસંદ સુરત ન બની જાય એવા બદઇરાદે સુરતનો સમાવેશ નહીં કરવામાં આવ્યો હોઈ શકે છે.
ગુજરાત સરકારમાં બે મંત્રીઓ હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સુરતનાં છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર. પાટીલ પણ સુરતનાં છે. તો કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી સુરતનાં સાંસદ છે. ગુજરાતની સત્તાનું કેન્દ્રબિંદુ સુરતમાં હોવાની વાતો થતી હોય અને સુરતને રાજ્યની અંદરની વિમાન સેવાઓ માટે પણ ટેન્ડર પ્રોસીઝરમાં સ્થાન ન મળતું હોય તો સુરતનાં નેતૃત્વના વિઝનમાં ઓછપ અને એમની નબળાઈ છતી થતી હોય એવું જણાય છે.
આ રૂટ માટે સુરતનો કમ સે કમ ટેન્ડરમાં તો સમાવેશ થવો જોઇતો હતો, જેથી ખ્યાલ આવી શકત કે એરલાઈન્સ કંપનીઓને કયા રૂટમાં વધારે રસ હતો. ગુજરાતના નાના શહેરોને અમદાવાદ અને વડોદરાથી હવાઈ સેવાથી જોડવામાં આવનાર છે.
અમદાવાદ-કેશોદ, અમદાવાદ- પોરબંદર, અમદાવાદ -અમરેલી, અમદાવાદ -રાજકોટ, વડોદરા- ભુજ વડોદરા- પોરબંદર વડોદરા- કેશોદ, વડોદરા-રાજકોટ અને અમદાવાદ ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ- અંબાજી અને અમદાવાદ -સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા નવા ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અમદાવાદ અને વડોદરાને જોડતા નાના શહેરો સાથે ફ્લાઈટ સર્વિસ શરૂ થાય તેવા સંજોગો ઊભા થયા છે.
રાજ્ય સરકારની VGF યોજના હેઠળ નવા VGF રૂટની ફ્લાઇટનાં ઓપરેશન શરૂ કરવા માટે ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે. તા.02/09/2023 સુધી એરલાઈન્સ કંપનીઓ ટેન્ડર ભરી શકશે. આ સેવા માટે એરલાઈન્સ કંપનીઓ કોઈ પણ એરક્રાફ્ટનો ઉપયોગ કરી શકશે, પરંતુ ડીજીસીએના નિયમોઓનું પાલન કરવાનું રહેશે.
ઓછામાં ઓછા સપ્તાહમાં 2 દિવસ જે રૂટની બીડ લાગે એ રૂટ પર ફ્લાઈટ ઓપરેટ કરવી પડશે. સેક્ટર ઓપરેટરે ઉપયોગ કરેલ એરક્રાફ્ટની બેઠક ક્ષમતાનું 50 % GFનું ચુકવણું કરવામાં આવશે. આ સેવાનો સમય ગાળો બે વર્ષ માટેનો રહેશે. આ સેવામાં હેલિકોપ્ટર રૂટની જોગવાઈ પણ કરવામાં આવી છે જેમાં અમદાવાદથી અંબાજી અને કેવડિયાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદ-વડોદરાને ગુજરાતના આ નાના શહેરો સાથે એર કનેક્ટિવિટીથી જોડવામાં આવશે
- અમદાવાદ-કેશોદ
- અમદાવાદ-પોરબંદર ૩. અમદાવાદ-અમરેલી
- અમદાવાદ-રાજકોટ
- વડોદરા- ભુજ
- વડોદરા-પોરબંદર
- વડોદરા-કેશોદ
- વડોદરા-રાજકોટ
- અમદાવાદ-અંબાજી
- અમદાવાદ- સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા)
- અમદાવાદ- ભાવનગર