નડિયાદ: કઠલાલના પીઠાઈ ગામની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ છેલ્લાં છ મહિનાથી શાળાની શિક્ષિકાને ફોન ઉપર અપશબ્દ કહી હેરાન કરતો હતો. જેથી શાળાના પ્રિન્સીપાલ તેમજ શિક્ષિકાના સાસુ-સસરાં આ વિદ્યાર્થીને સમજાવવા માટે તેના ઘરે ગયાં હતાં. તે વખતે વિદ્યાર્થી અને તેના પિતાએ ભેગાં મળીને પ્રિન્સીપાલ તેમજ શિક્ષિકાના સાસુ-સસરાંને મારમારતાં મામલો પોલીસમથકે પહોંચ્યો છે.
મહેમદાવાદના શીવદીપ બંગ્લોઝમાં રહેતાં અંકિતાબેન અશોકભાઈ પટેલ કઠલાલના પીઠાઈ ગામે આવેલ પીઠેશ્વરી વિદ્યામંદિરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અશોક કનુભાઈ ડાભી (રહે.ખારીયા વિસ્તાર, પીઠાઈ) છેલ્લાં છએક મહિનાથી શિક્ષિકા અંકિતાબેનને અવારનવાર ફોન કરી, રૂપિયાની માંગણી કરી હેરાન કરી રહ્યો છે. જો શિક્ષિકા રૂપિયા આપવાની ના પાડે તો અશોક અપશબ્દો બોલતો હતો. શિક્ષિકા અશોકનો ફોન નંબર બ્લોક કરે તો, તે અન્ય નંબરો પરથી ફોન કરીને હેરાન કરતો હતો.
જેથી કંટાળેલા શિક્ષિકા અંકિતાબેને પોતાનો મોબાઈલ નંબર જ બદલી દીધો હતો. પરંતુ, અશોકે શિક્ષિકાનો નવો મોબાઈલ નંબર પણ ગમે તે રીતે મેળવી લીધો હતો અને તે નંબર ઉપર પણ ફોન કરી, હેરાન કરવા લાગ્યો હતો. જેથી શિક્ષિકાએ પતિ તેમજ પરિવારજનોને જાણ કરી હતી. આ ઉપરાંત અશોકે શિક્ષિકાના સાસુના નંબર પર વિડિયો કોલ કરવાના ચાલુ કરી દીધાં હતાં. જેથી ગત તા.31-7-23 ના રોજ શિક્ષિકાના સાસુ-સસરાં, શાળાના પ્રિન્સીપાલ ગોરધનભાઈને લઈને અશોક કનુભાઈ ડાભીને સમજાવવા માટે તેના ઘરે ગયાં હતાં. તે વખતે અશોક અને તેના પિતા કનુભાઈએ સમજાવવા આવેલા ત્રણેયને મારમાર્યાં હતાં અને તમને જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકીઓ આપી હતી. આ મામલે શિક્ષિકા અંકિતાબેન પટેલની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે અશોક ડાભી અને તેના પિતા કનુભાઈ ડાભી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.