અમેરિકન પત્રકાર ગાર્ડીનર હેરિસે ખ્યાતનામ કંપની ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ દ્વારા જાણી જોઈને ગ્રાહકોના જીવને શી રીતે જોખમમાં મૂક્યા અને હકીકત છુપાવી એની વિગતો પોતાના પુસ્તક ‘ધ ડાર્ક સિક્રેટ્સ ઑફ જ્હોન્સન એન્ડ જ્હોન્સન’માં સીલસીલાવાર આપી છે. આ પુસ્તક વર્તમાન વર્ષ (2025)માં પ્રકાશિત થયું તો બીજી તરફ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના પત્રકાર કોનેન શેરીફ દ્વારા લખાયેલા, તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક ‘ધ જ્હોન્સન એન્ડ જ્હોન્સન ફાઈલ્સ: ધ ઈન્ડિયન સિક્રેટ્સ ઑફ અ ગ્લોબલ જાયન્ટ’માં આ જ કંપનીએ આપણા દેશમાં આચરેલી વિવિધ ગેરરીતિઓને ઉઘાડી પાડી છે. અલબત્ત, અહીં મુખ્ય વિષય છે આ કંપની દ્વારા ઉત્પાદિત ક્ષતિપૂર્ણ ‘હીપ ઈમ્પ્લાન્ટ’ ઉપકરણોનો.
‘હીપ ઈમ્પ્લાન્ટ’ને સરળ રીતે સમજવું હોય તો કહી શકાય કે થાપાના સાંધાનું પુન:આરોપણ. વિવિધ કારણોસર હલનચલનમાં મુશ્કેલી પડે ત્યારે તેના ઈલાજ તરીકે આ કૃત્રિમ ઉપકરણ બેસાડવામાં આવે છે. ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ કંપની દ્વારા ઉત્પાદિત ભારતમાં ઉપલબ્ધ આ ઉપકરણ બેસાડ્યા પછી અનેક દર્દીઓને વિવિધ તકલીફ પડવા લાગી હતી. પહેલી વાર આવા કિસ્સાની જાણ થયા પછી શેરીફે રીતસર તપાસ આરંભી ત્યારે તેમને આવા અઢળક કિસ્સા જાણવા મળ્યા. તેનાથી એ તારણ નીકળ્યું કે આવા કિસ્સા અપવાદરૂપ નથી, બલ્કે તે લગભગ નિયમ જેવા છે. કારણ એટલું કે આ ઉપકરણની ડિઝાઈનમાં રહેલી મૂળભૂત ક્ષતિને સુધારવાની દરકાર કંપનીએ લીધી નથી.
‘આર્ટિક્યુલર સરફેસ રિપ્લેસમેન્ટ’ (એ.એસ.આર.) તરીકે ઓળખાતા હીપ ઈમ્પ્લાન્ટના આ ઉપકરણને બેસાડ્યા પછી ભારતનાં દર્દીઓએ કેવી શારીરિક, માનસિક અને આર્થિક બેહાલી વેઠવાની આવી છે તેનો વિગતવાર અહેવાલ શેરીફે પુસ્તકમાં આલેખ્યો છે. આવી શસ્ત્રક્રિયા કરાવી હોય એવાં અનેકાનેક દર્દીઓને મળીને તેમણે વિગતો એકઠી કરી છે. એવું નથી કે કંપનીનું આ ક્ષતિગ્રસ્ત સાધન કેવળ ભારતમાં જ ક્ષતિગ્રસ્ત હતું. અમેરિકામાં પણ તે ક્ષતિગ્રસ્ત હોવાનું જાણમાં આવેલું અને કંપનીએ અમેરિકન બજારમાંથી તેને વેળાસર પાછું ખેંચી લીધેલું. છતાં ભારતના બજારમાં તે સુલભ બનીને ઉપયોગમાં લેવાતું રહ્યું.
વક્રતા એ છે કે ભારત ‘મેડીકલ ટુરિઝમ’ના હબ તરીકે વિકસવાને કારણે અનેક વિદેશી નાગરિકો ભારત આવીને આની શસ્ત્રક્રિયા કરાવતાં હતાં, જેમાં અન્ય દેશો ઉપરાંત અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. આ સાધનમાંથી નીકળતા કોબાલ્ટ અને ક્રોમિયમને કારણે શસ્ત્રક્રિયા કરાવેલાં દર્દીના લોહીમાં આ બન્ને તત્ત્વોનું પ્રમાણ અત્યંત જોખમકારક રીતે ઊંચું હોવાનું જણાતું. બીજી એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે આ કંપનીના આ સાધનનો ઉપયોગ મુખ્યત્વે ખાનગી ક્ષેત્રની હોસ્પિટલમાં કરવામાં આવતો. તેના ડૉક્ટરો અને ખુદ હોસ્પિટલનાં સત્તાવાળાઓ દર્દીને આ ક્ષતિયુક્ત સાધન બાબતે અંધારામાં રાખતાં. પોતાના નાણાંકીય લાભ ખાતર દર્દીઓના જીવન સાથે આવો ખેલ ખેલાતો રહ્યો. નૈતિકતા, ઉત્તરદાયિત્ત્વ, પ્રામાણિકતા જેવા શબ્દો કેવળ કાગળ પર રહી ગયા.
ગાર્ડીનર હેરિસે કરેલી તપાસમાં આ કંપનીના ટેલ્કમ પાઉડરને કારણે અમેરિકામાં કેટલાં મૃત્યુ થયાં એની વિગતો હતી, તો શેરીફની તપાસમાં આ કંપનીના આ સાધને કેટલાં લોકોની જિંદગીને જીવતેજીવ દોજખ બનાવી તેની વિગતો છે.
આ કામ બહુવિધ સ્તરે થતું રહ્યું. એક તો સંબંધિત તંત્રના નિયામકો અંધારામાં રહ્યાં યા તેમણે આંખ આડા કાન કર્યા કે તેઓ આ બધું ચકાસી શકે એટલા સાધનસજ્જ ન હતા. બીજું કે અન્ય સલામત વિકલ્પો હોવા છતાં હોસ્પિટલોએ આ કંપનીનાં ઉત્પાદનોનો ઉપયોગ ચાલુ રાખ્યો. ઉપરાંત કેટલાંક ડૉક્ટરોએ અમુક મહત્ત્વની અને ગંભીર હકીકતો દર્દીઓથી છુપાવી.
કંપની દ્વારા અપાયેલી ખોટી કે ગેરમાર્ગે દોરતી વિગતોએ બાકીનું કામ પૂરું કર્યું. જેમ કે, આ સાધનનો ઉપયોગ કરનાર ઘણાં ડૉક્ટરો એવા ભ્રમમાં હતાં કે તેની ગુણવત્તા ઉત્તમ કક્ષાની છે. દર્દીઓ તરફથી ગંભીર ફરિયાદ આવ્યા પછી કેટલાંક ડૉક્ટરોએ રજૂઆત કરી તો તેમને હતોત્સાહ કરીને કંપનીના પ્રતિનિધિઓએ એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે મૂળ તકલીફ ખુદ ડૉક્ટરના કૌશલમાં છે, નહીં કે સાધનમાં. પણ દર્દીઓના દર્દમાં થતો વધારો અને આવાં દર્દીઓની સંખ્યામાં સતત થતી રહેતી વૃદ્ધિને કારણે છેવટે હકીકત સામે આવી ખરી.
કેવળ ‘હીપ ઈમ્પ્લાન્ટ’ જ નહીં, હૃદય સાથે સંકળાયેલાં સ્ટેન્ટ અને પેસમેકર બાબતે પણ આપણા દેશમાં યોગ્ય નિયમનનો કેવો અભાવ છે એ શેરીફે જણાવ્યું છે. આને કારણે આ સાધનોની ઉત્પાદક કંપનીઓ ખાસ કશી ચકાસણી વિના, જોશપૂર્વક પોતાનાં ઉત્પાદનો હોસ્પિટલો કે ડૉક્ટરોને વેચે છે. આ આખા મામલે સૌથી જોખમગ્રસ્ત હોય તો એ છે દર્દી. તેની પાસે નાણાં ઊભા કરવાની સમસ્યા એવી હોય છે કે સાધનની ગુણવત્તા વિશે જાણકારી મેળવવાની પસંદગી રહેતી જ નથી.
આથી ડૉક્ટર કે હોસ્પિટલ દ્વારા થતી સાધનની પસંદગીનો મુખ્ય આધાર તેની સલામતિ કે કાર્યક્ષમતા નહીં, પણ તેની ખરીદી પર મળતું આકર્ષક વળતર બની રહે છે. દર્દીમાં એક વાર આ સાધન બેસાડી દેવાયા પછી તે ઉત્પાદકના દાવા અનુસાર કામ આપે છે કે કેમ એની ચકાસણીની કશી જોગવાઈ નથી. આને કારણે ક્ષતિયુક્ત સાધનો વરસોવરસ, કશી ચકાસણી કે ઉત્તરદાયિત્વ વિના ઉપયોગમાં લેવાતાં રહે છે. આવી સારવારનો ખર્ચ કોઈ પણ કક્ષાના દર્દી માટે એવો અણધાર્યો અને અઢળક બની રહે છે કે નથી તે એમાંથી બચી શકતો કે નથી એ બાબતે કશો સવાલ પૂછી શકતો.
ગાર્ડીનર હેરિસ તેમજ શેરીફનાં પુસ્તક ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’નાં કરતૂતોને ખુલ્લાં પાડે છે. પણ આવું કરનાર આ એક જ કંપની ઓછી છે? અનેક કંપનીઓ આવાં કાળાં કામ કરી રહી છે. અમેરિકા જેવા દેશમાં તેઓ કાયદાને ચકમો ખવડાવે છે, તો આપણા જેવા દેશમાં નિયમનતંત્ર જ એટલું સબળ નથી કે તેની પર ખાસ કશાં પગલાં લઈ શકાય. આવાં પુસ્તક પ્રકાશિત થાય ત્યારે ચોરને પકડ્યાનો આનંદ અવશ્ય થાય, પણ એનાથી આપણી ગયેલી મત્તા પાછી આવવાની નથી કે રહેલી મત્તાને નુકસાન નહીં થાય એની કોઈ ખાતરી નથી મળવાની. નાગરિકે બધી બાજુથી લૂંટાવાનું, રહેંસાવાનું છે.
(માહિતી સહયોગ: જગદીશ પટેલ)
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.