હેનરી મૂર નામના વિખ્યાત શિલ્પી તેના બે શિષ્યોની પરીક્ષા કરવા ઈચ્છતા હતા.બન્ને શિષ્યોમાં એક સરખી પ્રતિભા હતી અને મૂર જયારે જયારે કોઈને કોઈ રીતે તેમની કસોટી લેતા ત્યારે બન્ને એક સરખા સાબિત થતા. એક દિવસ હેનરી મૂરે બન્ને શિષ્યોને કંઈ પણ કહ્યા વિના કસોટી કરવાનું નક્કી કર્યું.તેમણે બન્ને શિષ્યોને બોલાવ્યા અને બે એકસરખા પથ્થર આપીને કહ્યું, ‘આ બન્ને પથ્થર એકસરખા છે. આમાંથી તમે તમારી પોતાની કલ્પના અને મરજી મુજબનું શિલ્પ બનાવો.’ બંને શિષ્યો સમાન હોશિયાર હતા, પણ પહેલો શિષ્ય જરા આળસુ હતો તેને આજે શિલ્પ બનાવવાનો જ કંટાળો આવી રહ્યો હતો.તેણે વિચાર્યું કે આજે ક્યાં કોઈ કસોટીનું કહેવામાં આવ્યું છે.ફટાફટ જેવું બને તેવું શિલ્પ બનાવી દઉં છું અને તેણે શિલ્પ બનાવવામાં વેઠ ઉતારી અને તેણે જે શિલ્પ બનાવ્યું એ સાવ બેડોળ બન્યું.તેણે તેને સુધારવાનો પ્રયત્ન પણ ન કર્યો.
આ બાજુ બીજા શિષ્યે ગુરુજીએ કામ સોંપ્યું છે એટલે કસોટી હોય કે ન હોય, મારે સરસ શિલ્પ બનાવવું છે. તેણે પથ્થરને ભીનો કર્યો અને થોડી વાર જોયા કર્યો, પછી પોતાની કલ્પના કાગળ પર ઉતારી અને પછી શિલ્પ બનાવવાનું શરૂ કર્યું અને સતત બે દિવસ સુધી દિનરાત કામ કરતો રહ્યો અને જે શિલ્પ બન્યું તે બેનમૂન હતું. હેનરી મૂરે બન્ને શિષ્યોને પોતાના શિલ્પ લઈને આવવા કહ્યું.બીજા શિષ્યનું બેનમૂન અને પોતાનું સાવ બેડોળ શિલ્પ જોઇને શરમ આવી.હેનરી મૂર બીજા શિષ્યનું શિલ્પ જોઈ બોલ્યા, ‘વાહ, શું કલ્પના છે અને વાહ શું કામ છે.આજની કસોટીમાં તું વિજયી નીવડ્યો છે.’ પહેલા શિષ્યના શિલ્પ વિષે તેમણે કંઈ જ કહ્યું નહિ.
પહેલા શિષ્યને પોતાના વેઠ ઉતારેલા કામ પર બહુ શરમ આવી છતાં ધીમેથી દલીલ કરતા પહેલા શિષ્ય હેનરી મૂરને કહ્યું, ‘તમે પહેલેથી જણાવ્યું ન હતું કે આ પણ કસોટીનો એક ભાગ છે પરીક્ષા કરી રહ્યા છો, જો એવી એની મને ખબર હોત અને તમે તમારું માર્ગદર્શન આપી સમજાવ્યું હોત કે આ પથ્થરમાંથી શ્રેષ્ઠ શિલ્પ બનાવવાનું છે, તો હું પણ બેનમૂન શિલ્પ બનાવત.’હેનરી મૂરે તેને સમજાવતાં કહ્યું, ‘મેં તમારા બે માંથી કોઈને પણ માર્ગદર્શન આપ્યું નથી અને આ પરીક્ષા છે તેની તેને પણ ખબર ન હતી.અને મેં કોઈને પણ જણાવ્યું ન હતું. આમ છતાં તેણે શ્રેષ્ઠ બનાવ્યું. કારણ કે તે કાર્યનિષ્ઠ છે અને જાણે છે કે તેને જે પણ કામ સોંપવામાં આવ્યું છે તે તેણે શ્રેષ્ઠ રીતે કરવાનું છે.કસોટીનો ભાગ હોય કે ન હોય, કોઇ પણ કાર્ય જે તમને સોંપવામાં આવે તે દરેક કામ શ્રેષ્ઠ રીતે કરવું જરૂરી છે.’ પહેલા શિષ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.