Gujarat

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડે લીધો આ નિર્ણય, પરીક્ષા પહેલાં જાણી લેવો જરૂરી

ગાંધીનગર: કોરોના (Corona) મહામારીના લીધે છેલ્લાં બે વર્ષથી શિક્ષણ (Education) વ્યવસ્થા પડી ભાંગી છે. શાળાઓ દ્વારા ઓનલાઈન (Online) શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓને (Students) માસ પ્રમોશન (Mass promotion) આપવામાં આવ્યા હતા. આ વર્ષે પણ હજુ સુધી વ્યવસ્થિત રીતે પરીક્ષાઓ લેવામાં આવી રહી નથી, ત્યારે CBSEની જેમ ગુજરાત બોર્ડ (Gujarat Board) પણ ધો. 10 અને 12ના કોર્ષમાં કાપ મુકી વિદ્યાર્થીઓને રાહત આપશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું, પરંતુ ગુજરાત બોર્ડે અલગ જ જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા છે.

આ વર્ષે પરિસ્થિતમાં સુઘારો થતાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. CBSC દ્વારા 30 ટકા કોર્ષ (Syllabus) ઘટાડવાની ઘોષણા અગાઉ કરવામાં આવી હતી. આ ઘોષણાના કારણે GSEBમાં પણ કોર્ષમાં ઘટાડો કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે ગુજરાત બોર્ડમાં (GSEB) કોઈ પણ પ્રકારે કોર્ષ ઘટશે નહીં. ગુજરાત શિક્ષણ બોર્ડે ગત વર્ષે કોરોનાના કારણે ધોરણ 9-10 અને ધોરણ 11-12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના કોર્ષમાં 30 ટકાનો ઘટાડો કર્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્ષના અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે એટકે કે કોર્ષમાં કોઈ પણ ધટાડો કરવામાં આવશે નહિં. સાથે જ તેઓએ કહ્યું કે હાલમાં સ્કૂલો સંપૂર્ણ ચાલી રહી છે, તો કોર્ષ શા માટે ઘટાડવામાં આવે. તેઓએ જણાવ્યું કે કોર્ષ ઘટાડા અંગે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી અને કરવામાં પણ નહીં આવશે. તેઓએ જણાવ્યું કે CBSE બોર્ડની સ્કૂલો અન્ય દેશોમાં પણ આવેલી છે. જેથી અન્ય દેશોની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ કોર્ષ ઘટાડવામાં આવ્યો છે.

ગુજરાત બોર્ડની તૈયારી કરતા ધોરણ 10 અને 12ના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. જેમાંથી 7 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. ધોરણ 10 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ 21 ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરી શકાશે. ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર છે. CBSEમાં ધોરણ 10ના ફોર્મ 15 ડિસેમ્બરથી ભરાવાના શરૂ થયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

બે દિવસ અગાઉ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ અંગે ભણાવવા જાણ કરવામાં આવી છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગે ભણાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આર્થિક ફ્રોડ, સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ, અજાણ્યા લોકો સાથે ચેટિંગ, ઓનલાઇન ખરીદી માટેની ઓફર વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓ જાગ્રત રહે તેની ટ્રેનિંગ આપવામા આવશે. બાળકો પોતાની સાથે પોતાના પરિવારને પણ સાઇબર ક્રાઇમથી બચાવે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.

Most Popular

To Top