Business

ઘટનાની ગાંઠ અને સંસ્કારની વઢ

જલપાઈગુડી જિલ્લાના ધુપગુડી ગામમાં નારાયણ સરકાર નામે બાઉલનો આશ્રમ છે.અમે ત્યાં ગયા ત્યારે નારાયણ બાઉલ પાસે રાધુ, કાશીરામ અને જતીનદાસ નામે ત્રણ દિક્ષીત શિષ્યો હતાં. મને નારાયણ બાઉલના આશ્રમે મારા મિત્ર યતીન્દ્ર બર્મન લઇ ગયા હતા. તેણે બાઉલને મારો પરિચય આપ્યા પછી કહ્યું, ‘બાઉલ ! મારા મિત્રને તારા ત્રણ શિષ્યની વાત કર!’ જવાબમાં નારાયણ બાઉલ થોડા મરક્યા અને બોલ્યા, ‘હા, યતીન્દ્ર સાથે ત્રણે શિષ્યની સાધનાને, તેના વિકાસને ચકાસવા માટેની બાઉલી રીતભાતના એક પ્રસંગની વાત થયેલી’

એમ કહી તેમણે તે પ્રસંગ રજુ કર્યો,‘ખરો બાઉલ ગુરુ તો શિષ્યને પ્રતિ પળ સજ્જ કરતો હોય છે,પણ દિક્ષીત કરતા પહેલા બાઉલને અસંખ્ય વખત ચકાસવામાં આવે છે. આવી એક કસોટી મેં થોડા વર્ષ પહેલા કરેલી, તેની વાત કરું.મારો આ ધુપગુડીનો આશ્રમ એકદમ હરિયાળો છે અને ત્યારે પણ આવો જ હતો.આશ્રમનો ઝાંપો ખુલ્લો મુકતાની સાથે જ હરાયા ઢોર અંદર ઘુસી આવે.મેં પ્રયોગરૂપે એક સવારે બહારથી આવતા, આશ્રમનો ઝાંપો અધખુલ્લો રાખ્યો. આ મોકો મળતા જ એક ગાય આશ્રમમાં પ્રવેશી ગઈ! થોડે દૂર, મારો સૌથી નાનો શિષ્ય રાધુ આશ્રમના આંગણામાં, કામ કરતો હતો. ગાયને ભગાવવા માટે તેણે વાંસની એક પરોણી લઇ, ગાયને મારી,ભગાવી દીધી. ઝાંપો બંધ કરી દીધો.તેને માલુમ ન પડે તે રીતે મેં આ આખું દૃશ્ય જોઈ લીધું.

બે કલાક પછી, દસેક વાગ્યે મેં ફરી આશ્રમનો ઝાંપો અધખુલ્લો મૂકી દીધો.ફરી ગાય આશ્રમમાં ઘુસી! ત્યારે વચેટ શિષ્ય કાશીરામ આશ્રમના બગીચામાં ફૂલછોડ વચ્ચે કામ કરતો હતો. તેણે જોયું કે ગાય ફૂલને વેડશે, તેથી બાજુમાં જ ભરેલ જળકુંડમાંથી તુંબડીમાં પાણી ભરી,ગાય તરફ ધસ્યો.ગાયનાં શરીર પર પાણી છાંટ્યું.ગાયને શરીર પર પાણીનાં છાંટા ઉડે તે ન ગમે. તેથી તે ભાગી, ઝાંપામાંથી નીકળી આશ્રમની બહાર નીકળી ગઈ.ફરીથી એક કલાક બાદ અગિયાર વાગે મે બહાનું કાઢી ઝાંપો ખુલ્લો મૂકી દીધો. તે સમયે આશ્રમના પ્રાંગણમાં સૌથી મોટો શિષ્ય જતીનદાસ હતો. તેણે જોયું કે ગાય આશ્રમમાં ઘુસી ગઈ છે.

ફૂલઝાડને નુકસાન કરશે, તરત તેમણે દોટ મૂકી, કુટીરમાં ગયો, એક વાસણમાં, અરહી (ભિક્ષા)માંથી મળેલ થોડા ચોખા લઇ, ગાયને દેખાડતો દેખાડતો આશ્રમની બહાર ગયો, ગાય પણ ફૂલછોડને મૂકી, ચોખા ખાવા માટે તેને અનુસરી, જેવી ગાય આશ્રમની બહાર આવી તેવો જ તેણે જમીન પર ચોખાનો ઢગલો કરી દીધો! ગાય ચોખા ખાવામાં પ્રવૃત થઈ ગઈ અને જતીનદાસ ઝાંપો બંધ કરી આશ્રમમાં પરત આવી ગયા. સાંજે મેં ત્રણે શિષ્યને પાસે બેસાડી આ ઘટનાનું વિગતે વર્ણન કર્યું અને કહ્યું કે આ જીવનરૂપ આશ્રમમાં ગાયના ઘુસી જવા જેવી અનિચ્છનીય ઘટનાઓ તો બનવાની જ છે. જીવનમાં કૈંક અનિચ્છનીય બને છે તે જ તેમ બતાવે છે કે જીવન લીલુંછમ અને જીવંત છે.જો આશ્રમ કે જીવન સુક્કુંભઠ્ઠ હોય તો ત્યાં કોઈ આક્રાન્તા થોડો આવે?

આપણા પર આવનાર અનિચ્છનીય વિપત્તિનું તમે શમન કઈ રીતે કરો છો? તેનાં આધારે જ તમારી વૃતિ અને વિકાસને પારખી શકાય.જો તમારામાં તમોગુણની પ્રધાનતા હશે તો તમે ગાયને રાધુની જેમ સોટીથી ફટકારીને દૂર કરશો. જો તમારામાં રજોગુણ વિશેષ હશે તો તમે ગાયને ફટકારશો નહી, પણ કોઈ યુક્તિ પ્રયુક્તિ દ્વારા પોતાને કોઈપણ નુકસાન ન થાય તે રીતે, ગાયને કાશીરામની જેમ પાણી છાંટીને ભગાડશો! તે વહેવારમાં, સામેના જીવ પ્રત્યે, દયા કે કરુણા નહી, વ્યવહાર જગતનો નર્યો ચબરાકીયો રજોગુણી સ્પર્શ દેખાશે. તમારા ચિત્તમાં જો સત્વગુણ પ્રગટ્યો હશે તો આવેલ પ્રશ્નને કરુણા અને દયાપૂર્વક ઉકેલવામાં મન લાગી જશે! આશ્રમમાં આવેલ ગાયની જેમ જીવનમાં આવેલ આપત્તિને, તમોગુણી સોટી મારીને કે રજોગુણીની જેમ પાણી છાંટવાની યુક્તિ રચીને નહીં , પણ જતીનદાસની જેમ થોડા ચોખા આપી, કરુણાપૂર્વક વિદાય કરશો. ત્રણે કિસ્સામાં વિપત્તિ, આપત્તિ કે માથે પડેલ સમસ્યા તો ટળી જાય છે, પણ તમારા ચિત્તમાં એક સંસ્કારનાં વઢને દૃઢ કરતી જાય છે.

આપણા પૂર્ણિયા દાસ બાઉલે ગાયું છે ને :
જેમોન ચિતે ઝુરા પ્રીમપ્રે પારલે
ઓ પ્રીમપ્રે નોસ્તે ચોરતે પારે ના
(જેમ ગાંઠ છૂટે તોય વઢ પઢી લ્યે .
એ વઢ તો સહેજેય ખસે ના )
સાચો બાઉલ તે કહેવાય કે જે પ્રશ્નને ટાળે અને સ્વભાવની, સંસ્કારની વઢને પણ દૃઢ બનતી ખાળે. સ્વભાવની દોરી પર પડતી રજ, તમ, સત્વની ગાંઠની વઢની વાત હું મૌન બની મમળાવતો રહ્યો.           

Most Popular

To Top