Comments

આપણે રોજ મંદિર અને મસ્જીદમાં જઈએ છીએ તો પણ આપણી સમસ્યાનો અંત કેમ આવતો નથી?

મથાળું વાંચે ઈશ્વરમાં ભરોસો નહીં કરનાર મારા મિત્રોનાં નાકનાં ટેરવાં ઊંચાં થઈ શકે છે, પણ અહિંયા તે મિત્રોની વાત કરવી નથી, પરંતુ જેઓ ઈશ્વર અથવા કુદરતના એવા કોઈ સંચાલકમાં ભરોસો કરે છે તેવા મિત્રોની  સાથે વાત કરવી છે. ઘણાં એવું માને છે ઈશ્વરનો ડર જ આપણને સારો માણસ રહેવાની ફરજ પાડે છે. હું કહું છું અહિંયા ડરની પણ વાત કરવી નથી.મંદિરમાં આપણે આંખો બંધ કરીને ઊભા રહીએ ત્યારે સામાન્ય રીતે આપણે સમસ્યા, આપણી લાગણી અને માગણીની જ વાત ઈશ્વર  સાથે કરતા હોઈએ છીએ. ઈશ્વર હોવાનો આપણને ભરોસો છે તેવું આપણે અનેકો વખત બોલચાલમાં કહીએ છીએ. આપણે જે બોલીએ છીએ કદાચ આપણને તેની ઉપર જ ભરોસો નથી. ઈશ્વર છે કે નહીં તેવું મનના કોઈક ખૂણામાં આપણને લાગે છે, છતાં ઈશ્વર નથી તેવું આપણે ખોંખારીને માનવા પણ તૈયાર નથી. આવી અવઢવભરી જિંદગીઓ અને પેઢીઓ પસાર થઈ જાય છે, પણ એક તબકકે માની લઈએ કે ઈશ્વર છે તો આપણી સમસ્યાનો કેમ અંત આવતો નથી. આપણી પ્રાર્થનાઓ કેમ મંદિર ગુંબજ અને મસ્જીદની છતને  અથડાઈ પાછી આવે છે.

વર્ષો પહેલાં મેં કોઈક પાસે સાંભળેલી વાત આ વખતે યાદ આવી. એક મજૂર માણસ પાસે પારાવાર પરેશાનીઓ હતી. એક દિવસ તે એક વજનદાર થેલો માથા ઉપર મૂકી કાચા રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. તેના માથા ઉપર એટલો ભાર હતો કે ભારને કારણે તે કમરમાંથી વળી ગયો હતો. આ માણસ ઉપર ઈશ્વરની નજર પડી. ઈશ્વરે તેને મદદ કરવાનો નિર્ણય કર્યો. ઈશ્વરે એક બળદગાડાવાળાનો વેશ ધારણ કર્યો અને અને માણસ ચાલી રહ્યો હતો તે રસ્તે ઈશ્વર બળદગાડાવાળો બની નીકળ્યો, જયારે ઈશ્વર પેલા ભાર ઊંચકી ચાલી રહેલા માણસ પાસે આવ્યો ત્યારે ઈશ્વરે પેલા માણસને કહ્યું, ભાઈ હું પણ આગળના ગામ જાઉં છું. મારા ગાડામાં બેસી જા, પેલો માણસ ગાડામાં બેસી ગયો, ઈશ્વરના મનમાં પેલા માણસને મદદ કરવાનો આનંદ હતો, ગાડું આગળના ગામ પહોંચ્યું, જયાં પેલા માણસને જવાનું હતું. ઈશ્વરે પેલા માણસને તારું ગામ આવી ગયું તે કહેવા પાછા વળી જોયું તો પેલો માણસ ઈશ્વરના ગાડામાં તો બેઠો હતો, પણ તેના માથા ઉપર મૂકેલો ભારે થેલો તેણે પોતાના માથા ઉપર જ રાખ્યો હતો. આમ ઈશ્વરના ગાડામાં બેઠા પછી તેણે પોતાનો ભાર પોતાની પાસે જ રાખ્યો હતો.

આપણે મોટા ભાગનાં લોકો પેલો ભાર ઊંચકી ફરતા માણસ જેવી જ જિંદગી જીવીએ છીએ, આપણે શિવના મંદિરમાં દૂધ પાણી ચઢાવીએ છીએ, ગાયને  રોટલી ખવડાવીએ છીએ, અઠ્ઠઈ કરીએ છીએ, રોઝા રાખીએ છીએ,ઈશુ વધસ્તંભે ચઢયો તેને યાદ કરી ઉપવાસ કરીએ છીએ, આ બધું કરવા પાછળ આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ હોય તો સારી બાબત છે. પણ ખરેખર તેવું ભાગ્યે જ હોય છે. ઈશ્વર આપણને કંઈક આપશે અને આપણી સમસ્યાનો અંત આવશે તેવી જ અપેક્ષા હોય છે. ઈશ્વર પાસે અપેક્ષા રાખવી અને માગણી કરવી તેમાં પણ ખોટું નથી, કારણ ઈશ્વર આપણો પાલક છે અને પાલક પાસે માંગવું અને આપણી સમસ્યા તેની સામે મૂકવી તેમાં પણ ખોટું નથી, પણ માંગવાનું અને સમસ્યા તેની પાસે છોડી દેવાનું કામ પણ આપણે પૂરી શ્રધ્ધાથી કરતા નથી, પેલા મજૂર માણસની જેમ  આપણે એક હાથમાં આપણી પરેશાનીનો થેલો  અને બીજા હાથમાં માગણીનો કટોરો લઈ ઈશ્વરના દરબારમાં હાજર તો થઈએ છીએ, પરંતુ જયારે તેના દરબારમાંથી બહાર નીકળીએ ત્યારે પેલા મજૂર માણસે ભૂલ કરી તેવી જ કરીએ છીએ. આપણી ચિંતા અને પરેશાનીનો થેલો ઈશ્વર પાસે છોડી દેવાને બદલે બહાર નીકળતી વખતે તે થેલો પણ સાથે પાછો લેતાં આવીએ છીએ.

તેવી જ રીતે જે માગણીનો કટોરો હોય છે તે પણ એટલા માટે ખાલી હોય છે, માગણીના કટોરામાં પહેલાંથી એટલો છલોછલ ભરેલો હોય છે, ઈશ્વર તેમાં કંઈક મૂકે તો કેવી રીતે મૂકે તેવી ઈશ્વરને પણ સમસ્યા થાય છે. 1971 માં ભારત-પાકિસ્તાનનું યુધ્ધ શરૂ થયું, યુધ્ધની શરૂઆત કાશ્મીર સરહદેથી થઈ હતી એટલે ભારતની બીજી સીમા ઉપર રહેલા સૈન્યને ખસેડી કાશ્મીર મોકલી આપવામાં આવ્યું હતું. ગુજરાતના બનાસકાંઠાની જમીની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે, સુઈ ગામ પાસે નડાબેટ નામનો વિસ્તાર છે, ત્યાંથી પાકિસ્તાન માત્ર 30 કિલોમીટર છે, નડાબેટ રહેલા સૈન્યને પણ કાશ્મીર મોકલી આપવામાં આવ્યું હતું. સરહદ રેઢી તો મૂકી શકાય નહીં, એટલે ગુજરાત સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સની અમદાવાદની કંપની જેમાં એકસો જવાનો હતો તેમને નડાબેટ તૈનાત કરવામાં આવ્યા. તેમની પાસે હથિયારમાં બીજા વિશ્વ યુધ્ધમાં ઉપયોગમાં લેવામાં આવી જૂની પુરાણી 303 રાયફલો હતી. નડાબેટ સરહદ ઉપર કંઈ થશે નહીં તેવી ધારણા હતી, પરંતુ એસઆરપીના જવાનો નડાબેટ તૈનાત હતા. તેમણે જોયું તો પાકિસ્તાન સરહદ તરફથી પાકિસ્તાન રેંજરો ભારત તરફ આવી રહ્યા હતા.

એસઆરપીને સરહદી લડાઈની તાલીમ હોતી ન્હોતી, એટલે તેમણે તત્કાલ સરકારને જાણ કરી કે ભારત તરફ પાકિસ્તાની રેંજર આવી રહ્યા છે, સૈન્યને મોકલી આપો, તો સરકારે જવાબ આપ્યો  કાશ્મીર સરહદેથી સૈન્યને નડાબેટ પહોંચતાં 24 કલાક લાગશે ત્યાં સુધી તમે મોરચો સંભાળી રાખો. એક તરફ આધુનિક હથિયાર સાથે પાકિસ્તાન રેંજર હતા, બીજી તરફ આપણી પાસે 303 રાયફલ સાથે એસઆરપી જવાનો હતા, જવાનો પાસે બે જ વિકલ્પ હતો. પહેલો લડવું અને બીજો સરહદ મૂકી ભાગી જવું, એસઆરપીના જવાનોએ પહેલો વિકલ્પ નક્કી કર્યો. નડાબેટ ખાતે નડાદેવીની એક નાનકડી દેરી હતી, જવાનો નડાદેવીની દેરી સામે આવી ઊભા, એક જવાને દેરીમાં દીવો કર્યો અને કહ્યું, મા, અમારા ભાગ્યમાં લડવાનું આવ્યું છે, અમારી લડવાની હેસિયત નથી, પણ તું અમારી સાથે રહેજે, અમને મારવા હોય તો મારજે અને તારવા હોય તો તારજે. આપણી પ્રાર્થના અને ભરોસો એસઆરપી જવાનો જેવો હોતો નથી, એટલે ઈશ્વરને આપણી સમસ્યા સોંપ્યા પછી પણ તેનો થેલો આપણી સાથે લઈ ફરીએ છીએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top