Comments

નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે બુધવારે જયપુરમાં કહ્યું હતું કે ૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો જોતાં પ્રશ્ન થાય છે કે શું આપણે લોકતાંત્રિક નથી? ગયા અઠવાડિયે આપણે જોયું એમ કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતની ૧૩ ન્યાયમૂર્તિઓની બેન્ચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ ચુકાદો આવ્યો હતો કે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે પણ બંધારણના મૂળભૂત માળખામાં (બેઝિક સ્ટ્રકચર) ફેરફાર કરવાનો અધિકાર નથી. મૂળભૂત માળખામાં શું આવે છે તે પણ એ શ્રેણીમાં જણાવવામાં આવ્યું હતું. લોકશાહી દેશમાં અંતિમ પ્રભુસત્તા (સોવરેન્ટી) નાગરિક ધરાવે છે અને નાગરિક જેને પોતાનો બહુમૂલ્ય મત આપીને બહુમતી સાથે પસંદ કરે એ લોકપ્રતિનિધિઓ તેમ જ શાસકો આપોઆપ નાગરિકોની પ્રભુસત્તાના અધિકારી બને છે. જગદીપ ધનખરની દલીલ આ છે. જો લોકોના પ્રતિનિધિઓ લોકોએ આપેલા કૉલનું પાલન ન કરી શકે તો એ લોક્શાહી કહેવાય? જયદીપ ધનખર સવાલ કરે છે.

હવે ધનખર સાહેબને તો જાણ છે, પણ તમને કદાચ જાણ નહીં હોય કે 1970ના દાયકામાં ઈન્દિરા ગાંધી અને તેમના ધનખરો બરાબર આ જ દલીલ કરતા હતા જે આજે કરવામાં આવી રહી છે પણ ત્યારે બીજેપીના પૂર્વાવતાર ભારતીય જનસંઘે તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ તેનો વિરોધ કર્યો હતો. ખાતરી કરવી હોય તો જનસંઘના એ સમયના ઠરાવો અને સંઘના મુખપત્રોમાં છપાયેલા સંપાદકીયો અને લેખો જોઈ જાવ. સંઘ અને જનસંઘના નેતાઓએ ત્યારે કોંગ્રેસના ધનખરોને સમર્થન આપવું જોઈતું હતું, પણ નહોતું આપ્યું. સાચા લોક્શાહીવાદી છો ને? હજુ એક હકીકત તરફ ધ્યાન ખેંચું? એ સમયે સંઘ પરિવારના નેતાઓ બંધારણના બેઝીક સ્ટ્રક્ચરની વ્યાખ્યા કરનારા ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાને માથે લઈને નાચતા હતા. લોકશાહી દેશોમાં હંમેશા ફાસીવાદી સરમુખત્યાર શાસકો લોક્શાહી માર્ગે સત્તા સુધી પહોંચે છે અને પછી લોક્શાહીનું ગળું પીસી નાંખે છે કે જેથી તેમને કોઈ પડકારી ન શકે અને સત્તા પરથી હટાવવાની તો કોઈ જગ્યા જ ન બચે. જર્મનીમાં હિટલર આ રીતે લોક્શાહી માર્ગે જ સત્તા સુધી પહોંચ્યો હતો અને પછી તેણે શું કર્યું એ ઇતિહાસ છે. હિટલર પણ પોતાને સાચો અને સવાયો લોક્શાહી પ્રેમી અને લોક્શાહીનો રક્ષક ગણાવતો હતો.

ધનખર સાહેબ જેને બંધારણના મૂળભૂત માળખામાં પણ સુધારા કરવાનો અધિકાર આપવા માગે છે એ લોકપ્રતિનધિઓ દેશનાં અને પ્રજાનાં હિતોને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ બંધારણને સમજતા હોય અને તેને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ સત્તાકીય લાભ માટે પક્ષના શક્તિશાળી નેતાઓની ગુલામી કરતાં હોય છે એ તો આપણને રોજ જોવા મળે છે. એકાદ દસકામાં એકાદ લોકપ્રતિનિધિ માંડ મળશે જેણે અંતરાત્માને વફાદાર રહીને મોઢું ખોલ્યું હોય અને પક્ષના નેતાઓ સામે અસંમતિ જાહેર કરી હોય. મોટા ભાગે તો ગામના ઉતાર જેવા લોકો રાજકારણમાં જાય છે અને ખોટા માર્ગે એકઠું કરેલું ધન ખરચીને તેમ જ પક્ષના નેતાઓની ખુશામત કરીને ટિકિટ મેળવે છે અને લોકપ્રતિનિધિ બને છે. જે પોતાના અંતરાત્માને વફાદાર નથી એ દેશના અંતરાત્માની રખેવાળી કરે? અને જેની બૌધ્ધિક ક્ષમતા દેશના સરેરાશ નાગરિકની સરેરાશ બૌધ્ધિક ક્ષમતા કરતાં પણ ઓછી છે એ શું લાંબું જોઈ શકાવાનો! આવા ભ્રષ્ટ અને અલ્પબુદ્ધિ નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય.

માટે સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસમાં કહ્યું હતું કે લોકપ્રતિનિધિઓને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર ખરો, પણ બંધારણના મૂળભૂત માળખાની બાબતે નહીં. લોકો દ્વારા ચુંટાઈને લોકપ્રતનિધિ બન્યો એનો અર્થ એવો નથી કે એ આખા દેશનો અવાજ છે. અને અવાજ છે તો એ એક અવાજ છે અને તેની સામે બીજા ઘણા અવાજો છે. જો એ લોકોનો અવાજ છે તો એ આજનો અવાજ છે, સર્વકાલીન અવાજ નથી. માટે આ લખનારે ઈન્દિરા ગાંધીના વખતમાં પણ લોકપ્રતિનિધિના અબાધિત અધિકારની દલીલનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. હા, કેટલાંક ગોદી ગલૂડિયાંઓએ ૧૯૭૦ના દાયકાને ભૂલી જઇને આજે સૂર બદલ્યો છે અથવા ચૂપ રહે છે. જ્યાં બૌદ્ધિકોને ખરીદવામાં આવતા હોય અને જ્યાં બૌદ્ધિકો વેચાતા હોય ત્યાં લોકતંત્રની સલામતી કેટલી?

અહીં એક પ્રસંગની યાદ અપાવવી યોગ્ય રહેશે. ૧૯૫૯-૬૦ના વરસમાં નાણાવટી ખૂન કેસ બહુ ગાજ્યો હતો. એ કેસ ગાજ્યો એનું કારણ જ્યુરી હતું. એ જમાનામાં અદાલતને મદદરૂપ થવા ખટલાની સુનાવણી વખતે આમ નાગરિકોની બનેલી જયુરીને બેસાડવામાં આવતી. જ્યુરીના સભ્યો જજની સાથે સાથે સુનાવણી વખતે બન્ને પક્ષની દલીલો સાંભળતા અને પછી પોતપોતાનો અભિપ્રાય જજને આપતા. હેતુ એવો હતો કે એક કરતાં વધુ કાન સાંભળતા હોય અને એક કરતાં વધુ ચિત્ત છણાવટ કરતાં હોય તો ન્યાયદાનની પવિત્ર ભૂમિમાં નિર્દોષને અન્યાય ન થાય. પણ નાણાવટી ખૂન કેસમાં કેવો અનુભવ થયો? ખૂનના આરોપી કમાન્ડર કે. એમ. નાણાવટીનું મોહક વ્યક્તિત્વ અને તેમના વકીલ કાર્લ ખંડાલાવાલાની હાવભાવયુક્ત નાટ્યપૂર્ણ (થિયેટ્રિકલ) અસ્ખલિત અને ધુંવાધાર દલીલો સાંભળીને અદાલતની જ્યુરીના સભ્યો અને અદાલતમાં ઉપસ્થિત લોકો મેસ્મેરાઈઝ્ડ થઈ ગયા.

એમાં પાછી આરોપી સ્ત્રી હોય અને ઉપરથી બેવફા પત્ની હોય તો પૂછવું જ શું? અદાલતમાં પ્રેક્ષકોને ભાવવિભોર કરી મૂકે એવું નાટક ભજવાયું અને ખૂનીની જગ્યાએ બેવફા સ્ત્રી વિરુદ્ધ અને તેના પ્રેમી વિરુદ્ધ જયુરીનો મત બન્યો. બાય ધ વે વાચકોને હું ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની ફિલ્મ જોવાની ભલામણ કરું છું. જ્યુરીના સભ્યો એરે ગેરે નથુ ખેરે નહોતા. સમાજમાં થોડી ઘણી પ્રતિષ્ઠા ધરાવનારા લોકો હતા. કાયદાનું ભલે ઊંડું નહીં, પણ પ્રાથમિક જ્ઞાન ધરાવતા હતા. તેમની પાસે દોરવાયા વિના નીરક્ષીર વિવેકની અપેક્ષા હતી પણ તેઓ ભાન ભૂલી ગયા અને કાંઠો છોડીને વહી ગયા. એ ખટલા પછી જયુરીની સિસ્ટમ ખતમ કરી નાખવામાં આવી. જો જયુરીના સભ્યો ભાન ભૂલી જાય તો સામાન્ય નાગરિક ભાન ભૂલે એમાં કોઈ નવાઈ ખરી! ઘણી વાર કોઈ નેતાની પાછળ લોકો ભાન ભૂલી જતાં હોય છે. ઍડૉલ્ફ હિટલરે તેની આત્મકથામાં લખ્યું છે કે પ્રજામાં સ્ત્રીનાં લક્ષણો હોય છે એટલે તેની અંદર કોઇને વરવાની એક પ્રકારની તડપ હોય છે. નેતાને માત્ર પ્રજાની અંદર તેના પ્રતિ વરવા માટેની તડપ પેદા કરતાં આવડવું જોઇએ. પછી જુઓ શું થાય છે! નેતા એ પછી પ્રજાનાં સમર્થન દ્વારા ધારે એવી મનમાની કરી શકે છે.

પ્રજાનો સાથ અને પ્રજાનો અવાજ એ જ લોકતંત્ર એવો એક ખોટો ખ્યાલ લોકોમાં તો શું, વિદ્વાનોમાં પણ પ્રવર્તે છે. ૧૯૬૭માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણમાં મૂળભૂત અધિકારોની બાબતે સુધારા કરવાનો સંસદને અધિકાર નથી એવો ચુકાદો આપ્યો ત્યારે સમાજવાદી સંસદસભ્ય બેરિસ્ટર (પ્લીઝ નોટ બેરિસ્ટર) નાથ પૈ એ લોકસભામાં ખરડો રજૂ કર્યો હતો. ખરડામાં એવી જોગવાઈ હતી કે બંધારણમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના સંસદના અધિકારને રોકવાના સર્વોચ્ચ અદાલતના અધિકારને મર્યાદિત કરવો જોઇએ. કારણ? કારણ કે લોકસભાના સભ્યોને લોકોએ ચૂંટ્યા છે. તેઓ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેને વાચા આપે છે વગેરે. પ્રજાના અને દેશના હિતમાં કઈ નીતિ અપનાવવી એ શાસકોએ નક્કી કરવાનું છે અને એમાં અદાલત અવરોધ પેદા ન કરી શકે. એ નીતિ માટે પ્રજાની સંમતિ મળી ગઈ એટલે પત્યું. એ સમયે બીજા એક સમાજવાદી નેતા અને સંસદસભ્ય મધુ લિમયેએ નાથ પૈને ટોણો મારતાં કહ્યું હતું કે તમે જો કાયદા સાથે ઇતિહાસનો પણ અભ્યાસ કર્યો હોત તો સારું થાત.

જો નાથ પૈં જેવો માણસ મુગ્ધતામાં વહી જાય તો ભારતીય રાજ્યને કોના ભરોસે મૂકવું? ભારતીય રાજ્યને બંધારણને ભરોસે જ મુકાય, કારણ કે રાજ્યની કલ્પના બંધારણમાં છે અને બંધારણે દરેક પક્ષકારોને વિવેકની મર્યાદામાં બાંધ્યા છે. ટકાઉ સંતુલન રચીને આપ્યું છે અને એ સંતુલનને ખેરવવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો અવાજ, પ્રજાની સર્વોપરિતા વગેરે વાતો છેતરામણી છે. પોતાના પક્ષે સંતુલન ખોરવવાની રમત છે. ઇન્દિરા ગાંધીનો હેતુ સમાજવાદી ભારતના નિર્માણનો હતો. એમાં વિચારધારા ઉપરાંત રાજકારણ પણ હતું. પોતાની ગરીબ તરફી ઈમેજ વિકસાવવાનો ઈરાદો હતો અને તેમાં ન્યાયતંત્ર આડું આવતું હતું. અત્યારના શાસકોનો ઈરાદો હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો છે અને તેમાં ન્યાયતંત્ર આડું આવી શકે છે. આ જે ઉધામા છે એ હિંદુ રાષ્ટ્ર માટે બંધારણ પર ધાડ પાડવા માટેના છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top