આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ, પૂર્વજો દુરંદેશી હતા. તેમણે ઋતુ ઋતુ પ્રમાણે તહેવારોનું સુંદર આયોજન કર્યું હતું. દિવાસા પછી બધા તહેવારો શરૂ જ થઇ જાય છે. હમણાં સોળ દિવસ શ્રાદ્ધના ચાલી રહ્યા છે. આપણા દિવંગત સ્વજનો જે તે તિથિએ ગુજરી ગયાં હોય તે દિવસે તેમને મનગમતું પકવાન – ભોજન – ખીર બનાવી કાગડાને ખવડાવવામાં આવે છે. એની પાછળ પણ શુભ હેતુ – રહસ્ય રહેલાં જ છે. કદાચ નવી પેઢીના થોડાકને અને આ અંધશ્રદ્ધા છે એમ માનનાર નાનો વર્ગ શ્રાદ્ધમાં માનતો નથી. પણ આપણાં પાંચ ઋણ, દેવ ઋણ, ઋષિ ઋણ, ભૂત ઋણ, મનુષ્ય ઋણ, પિતૃ ઋણ એવો પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે. રામાયણ, મહાભારત, વેદ કાળમાં શ્રાધ્ધ થતાં હતાં. નિત્ય, નૈમિત્તિક, કાવ્ય, વૃધ્ધિ અને પાર્વણ શ્રાધ્ધ પણ થતાં જોવા મળે છે. એવી માન્યતા છે કે આ ઋણ ચુકવવાથી પૃથ્વીવાસીઓને દીર્ઘાયુ, ધન – ધાન્ય, સંપત્તિ, પુત્ર, પુત્રી, સુખ, શાંતિ મળે છે. આ થકી માનસિક શાંતિ તો મળે જ છે.
પરશુરામ, કપિલ મુનિ, રામ ભગવાન વગેરેએ પણ શ્રાદ્ધ કર્યાનું વાંચવા મળે છે. ગુજરાત જ નહિ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, આંધ્ર વગેરે રાજયોમાં પણ શ્રાધ્ધ થાય છે. દક્ષિણ ભારતનું કાશી ગણાતું નર્મદા તીરે આવેલ ચાંદોદમાં પણ મહાદેવોનાં મંદિરોમાં શ્રાધ્ધ કરવા લોકો ઉમટે છે. સિધ્ધપુર પણ જાણીતું છે. આ સમયમાં સૌભાગ્યશાળી બહેનો, બટુકો, ભૂદેવોને ભોજન કરાવવામાં આવે છે. શ્રાધ્ધ વિશ્વાસથી કરીએ. સાથે જીવતાં માતા-પિતા સ્વજનોની પણ સારી સરભરા કરીએ. એમની પાસે થોડી વાર બેસીએ. એમની વાતો સાંભળીએ તો શ્રાધ્ધ સાર્થક થશે. તો જ સદ્ગત આત્માઓ તૃપ્ત થશે.
સુરત – ભગુભાઇ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.