રઘુવીર યાદવ આપણા સારા અભિનેતા પૈકીનો એક છે પણ તે અોમપુરી જેવો સામાન્ય ચહેરો ધરાવે છે. ઓમ પુરી તો જો કે પૂરી તાકાતથી ફિલ્મોમાં સ્થપાય ગયા હતા પણ રઘુવીરનું એવું નથી થયું. ‘મેસી સાહેબ’ ફિલ્મ ૧૯૮૫ માં આવેલી અને પછી ‘સલામ બોમ્બે’, ‘કસબા’, ‘ધારાવી’, ‘રૂદાલી’, ‘માયા મેમસાહબ’, ‘સુરજ કા સાતવાં ઘોડા’, ‘બેન્ડિટ કિવન’ સહિતની ફિલ્મોમાં દેખાયો. તે લોકપ્રિય, મનોરંજક ફિલ્મોમાં ગોઠવાય શકે તેમ જ નહોતો. સારા વિષયની ગંભીર ફિલ્મમાં તે વધારે કમ્ફર્ટ દેખાતો હતો. અલબત્ત ‘દિલ સે’, ‘૧૯૪૨: એ લવસ્ટોરી’, ‘ખામોશી: ધ મ્યુઝિકલ’, જેવી મણી રત્નમ, વિદુ વિનોદ ચોપરા, સંજય ભણસાલીની ફિલ્મોમાં કામ મળ્યું. એમાં એક ‘લગાન’ પણ છે છતાં તેઓ ઓમ પુરી જેવી સ્વીકૃતિ મેળવી ન શકયા. આમીરખાનની ‘પિપલી લાઇવ’ યા સુજીત સરકારની ‘પિકુ’ મળી તો પણ એ વાત ન જ બની. રઘુવીર યાદવને આજે પણ ફિલ્મો મળે છે. લોકપ્રિયતા ચુકી ગયા છે. ‘પગલૈત’, ‘સંદીપ ઔર પિંકી ફરાર’, ‘ચેહરે’ ફિલ્મમાં તેઓ ગયા વર્ષે દેખાયેલા પણ લાગે છે કે તેમના માટે વેબસિરીઝ હવે વધુ સારી રહેશે.
૨૦૨૦ માં તેમની ‘પંચાયત’ વેબ સિરીઝ આવી હતી. એમેઝોન પ્રાઇમ વિડીયો પર રજૂ થયેલી એ શ્રેણીમાં તે બ્રીજભુષણ દૂબેના પાત્રમાં હતા. સાથે નીના ગુપ્તા પણ હતી. ગયા વર્ષે સત્યજીત રે ની વાર્તા આધારીત ‘રે’ માં તેઓ હકીમ સાહેબના પાત્રમાં હતા. હવે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ માં ગાંધી તરીકે દેખાશે. જબલપુર – મધ્યપ્રદેશના રઘુવીર પાસે અત્યારે ‘ધ બ્રેવ ચાઇલ્ડ’, ‘અનામ’, ‘મનોહર પાંડે’ જેવી ફિલ્મો છે અને ‘કૌન બનેગી શીખરવતી’નાં સિરીઝમાં પણ તેઓ કામ કરી રહ્યા છે.
રઘુવીર યાદવ સારા ગાયક પણ છે ‘માયા મેમસાબ’, ‘મેસી સાહેબ’, ‘રૂદાલી’, ‘ઓ ડાર્લિગ યે હે ઇન્ડિયા’, ‘સમર’, ‘દિલ્હી-૬’ જેવી ફિલ્મોમાં ગાયું પણ છે અને ‘પીપલી લાઇવ’નું ‘મહેંગાઇ દાયન’ તો ખૂબ પ્રચલિત બનેલું. રઘુવીર યાદવ ટેલેન્ટથી ભરપૂર છે પણ નસીબની રેખા ભરપૂર નથી. બાકી ‘મુલ્લા નસરુદ્દીન’ ટી.વી. શ્રેણીમાં હાજી નસરુદ્દીનની ભૂમિકા ખૂબ લોકપ્રિય બનેલી અને ‘ચાચા ચૌધરી’ પણ તેમની જાણીતી ભૂમિકા છે. અંગત જિંદગીમાં તેને પ્રશ્નો આવ્યા. પ્રથમ પત્ની પૂર્ણિમા સાથે છૂટાછેડા થયા અને હવે રોશની અચરેજા સાથે જીવન વીતી રહ્યું છે. ખેર, તે તો કહે છે કે મારું સમગ્ર ધ્યાન ઉત્તમ અભિનય પર જ છે. તેનું કામ જોતાં લાગશે કે હા, એમ જ છે. તેની છ ફિલ્મો ઓસ્કારમાં દર્શાવવામાં આવી છે તે પણ તેનું પ્રમાણ છે.