ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનાં ૧૩૭ વર્ષના ઇતિહાસમાં ૪૦ પ્રમુખો ચૂંટાયા છે, પણ તે માટે માત્ર ૬ વખત જ ચૂંટણી થઈ છે, જેમાંની એક ચૂંટણી વર્તમાનમાં ચાલી રહી છે. બાકીની ૩૪ ચૂંટણીઓમાં સર્વસંમતિનું નાટક કરીને પ્રમુખની ચૂંટણી નહીં પણ વરણી કરવામાં આવી હતી. ૧૯૯૮માં સોનિયા ગાંધી વગર ચૂંટણીએ સિતારામ કેશરીને હટાવીને કોંગ્રેસનાં પ્રમુખ બની ગયાં હતાં. કોંગ્રેસમાં છેલ્લી ચૂંટણી ૨૦૦૦ માં થઈ હતી, જ્યારે શ્રીમતી સોનિયા ગાંધી સામે જીતેન્દ્રપ્રસાદ લડ્યા હતા અને બૂરી રીતે હાર્યા હતા.
૨૦૦૦માં જે લોકશાહી ઢબે ચૂંટણી થઈ તેમાં સોનિયા ગાંધીને કુલ ૭,૭૦૦ પૈકી ૭,૪૪૮ મતો મળ્યા હતા, જ્યારે જીતેન્દ્રપ્રસાદને રોકડા ૯૪ મતો મળ્યા હતા. આ વખતની ચૂંટણીમાં ગાંધીપરિવાર પ્રત્યક્ષ રીતે ચૂંટણીના મેદાનમાં નથી, પણ તેમના ડમી તરીકે વફાદાર ગણાતા મલ્લિકાર્જુન ખડગેને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેને ગાંધીપરિવારે સત્તાવાર રીતે ટેકો જાહેર નથી કર્યો, પણ કોંગ્રેસના તમામ કાર્યકરો જાણે છે કે ખડગે ગાંધીપરિવારનું સમર્થન ધરાવે છે. શશી થરૂરે પક્ષમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટે ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે, પણ તેમના જીતવાના ચાન્સ બહુ ઓછા છે.
શશી થરૂરે સોમવારે જે ટ્વિટ કર્યું તેમાં તેમણે લગભગ પોતાનો પરાજય સ્વીકારી લીધો હતો. શશી થરૂર કોંગ્રેસના બળવાખોર મનાતા જી-૨૩ જૂથના સભ્ય છે, પણ તેમના જૂથના તમામ સભ્યોનો પણ તેમને ટેકો નથી. જી-૨૩ જૂથના અનેક સભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગાંધીપરિવારના જમા પાસે એ વાત સ્વીકારવી પડે કે તેઓ પોતે ચૂંટણી લડી નથી રહ્યા અને તેમણે ઔપચારિક રીતે કોઈ ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કર્યો નથી. તેમ છતાં જો મલ્લિકાર્જુન ખડગે ચૂંટાઈ આવે તો માનવું પડશે કે કોંગ્રેસમાં ગાંધીપરિવારથી મુક્ત થઈને આગળ વધવાની ક્ષમતા રહી નથી.
જો કોંગ્રેસમાં કોઈ નવા લોકપ્રિય નેતાનો ઉદય નહીં થાય તો હવે ગાંધીપરિવાર પણ કોંગ્રેસનો ઉદ્ધાર કરી શકે તેમ નથી. કોંગ્રેસમાં આજે જેવી દ્વિધા જોવા મળે છે, બરાબર તેવી જ દ્વિધા ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જોવા મળી હતી. ત્યારે ગૂંગી ગુડિયા તરીકે ઓળખાતાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને સિન્ડિકેટ તરીકે ઓળખાતા જૂના જોગીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સિન્ડિકેટમાં એસ. નિજલિંગપ્પા, કે. કામરાજ અને મોરારજી દેસાઈ જેવા નેતાઓ હતા, જેમના હાથમાં કોંગ્રેસની ધુરા હતી. ૧૯૬૭માં સિન્ડિકેટે ઇન્દિરા ગાંધીને એમ સમજીને વડાં પ્રધાન બનાવ્યાં હતાં કે તેઓ સિન્ડિકેટનાં આજ્ઞાંકિત બની રહેશે અને રિમોટ કન્ટ્રોલ તેમના જ હાથમાં રહેશે. ઇન્દિરા ગાંધી રિમોટ કન્ટ્રોલથી મુક્ત થઈ ગયાં અને સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા લાગ્યાં. તેમણે સિન્ડિકેટને પૂછ્યા વિના બેન્કોના રાષ્ટ્રીયકરણનો બહાદુરીભર્યો નિર્ણય કર્યો અને તેને જબરદસ્ત સફળતા મળી.
૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી, જેમાં સિન્ડિકેટે ઇન્દિરા ગાંધીને પૂછ્યા વિના નીલમ સંજીવ રેડ્ડીને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જાહેર કરી દીધા. જો ઇન્દિરા ગાંધી નીલમ સંજીવ રેડ્ડીને સ્વીકારી લે તો કોંગ્રેસમાં તેમનો પ્રભાવ ખતમ થઈ જાય તેમ હતો. તેમણે સિન્ડિકેટ સામે બળવો કરીને તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વી.વી. ગિરિને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા. કોંગ્રેસના સભ્યોને તેમણે ‘અંતરાત્માના અવાજ’ પ્રમાણે મતદાન કરવાનું કહ્યું. કોંગ્રેસીઓનો અંતરાત્મા ઇન્દિરા ગાંધી માટે કૂણી લાગણી ધરાવતો હતો, માટે તેમણે પક્ષના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીના બદલે ઇન્દિરા ગાંધીના બિનસત્તાવાર ઉમેદવાર વી.વી. ગિરિની તરફેણમાં મતદાન કર્યું હતું. વી.વી. ગિરિ ચૂંટણી જીતી ગયા હતા અને ભારતના રાષ્ટ્રપતિ બની ગયા હતા.
૨૦૨૨માં કોંગ્રેસના મતદારોને ફરીથી મોવડીમંડળની એકચક્રી સત્તા તોડવાની અને પરિવર્તન માટે મતદાન કરવાની તક મળી છે, પણ તેઓ યંગ તુર્ક તરીકે ઓળખાતા થિરુઅનંતપુરમના સંસદસભ્ય શશી થરૂરને બદલે ૮૦ વર્ષના પીઢ રાજકારણી મલ્લિકાર્જુન ખડગેને જ પસંદ કરશે તે નક્કી છે. શશી થરૂર યુનોમાં ભારતના રાજદૂત તરીકે રહી ચૂક્યા છે. તેઓ દુનિયાના લગભગ તમામ દેશોમાં ફર્યા છે અને ફાંકડું અંગ્રેજી બોલી શકે છે. કોંગ્રેસીઓની નવી પેઢીના તેઓ પ્રતિનિધિ છે, પણ કોંગ્રેસીઓ હજુ પરિવર્તન માટે તૈયાર નથી. કોંગ્રેસ પક્ષ દેશનાં ગરીબો, દલિતો, મુસ્લિમો, વનવાસીઓ અને મજૂરોનો પક્ષ છે. શશી થરૂર જે એલાઇટ વર્ગમાંથી આવે છે, તેનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ પક્ષ કરતો નથી. મલ્લિકાર્જુન ખડગે નાના કાર્યકરમાંથી આપબળે આગળ આવેલા નેતા છે. તેઓ જમીન સાથે જોડાયેલા છે એ તેમનું સૌથી મોટું જમા પાસું છે.
કોંગ્રેસ તેના નવા પ્રમુખની ચૂંટણી કરે તે પછી તરત જ હિમાચલ પ્રદેશ અને ગુજરાત જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. હિમાચલની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતની તારીખો ગમે ત્યારે જાહેર કરી શકે છે. ગુજરાતમાં ભાજપને કાંટાની ટક્કર આપી શકે તેવો કોઈ સૌથી મોટો પક્ષ હોય તો તે કોંગ્રેસ પક્ષ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ઘૂસવાના જોરદાર પ્રયાસો કરી રહી છે. અરવિંદ કેજરીવાલની સભાઓમાં ભીડ ઉમટે છે, પણ તે ભીડ મતોમાં ટ્રાન્સફર થશે કે નહીં? તે કોઈ જાણતું નથી. ગુજરાતનાં લોકો ભાજપના ગેરવહીવટથી કંટાળી ગયા છે, પણ કોઈ સક્ષમ વિકલ્પના અભાવમાં તેઓ ભાજપ સિવાય કોઈ પક્ષને મત આપતા નથી. કોંગ્રેસના નવા પ્રમુખ સામે સૌથી મોટો પડકાર ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણનો સંચાર કરવાનો અને તેને વિજય ભણી લઈ જવાનો છે. જો ગુજરાતમાં કોંગ્રેસ ગયા વખત કરતાં વધુ બેઠકો પર વિજય મેળવી શકે તો તે સફળતા કોંગ્રેસનો પ્રાણવાયુ બની જશે.
મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી તે પહેલાં કોંગ્રેસમાં ઘણી બધી અણધારી ઘટનાઓ બની ગઈ. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ગાંધીપરિવાર દ્વારા ઉમેદવારી નોંધાવવાનું કહેવામાં આવ્યું અને રાજસ્થાનનું મુખ્ય પ્રધાનપદ છોડવાનું કહેવામાં આવ્યું. તેમણે મુખ્ય પ્રધાનપદ છોડવાને બદલે ગાંધીપરિવાર સામે બળવો કર્યો. તેમને કોંગ્રેસના પ્રમુખપદની રેસમાંથી પાછા હટાવી લેવામાં આવ્યા, પણ તેમનું મુખ્ય પ્રધાનપદ કાયમ રહ્યું.
રાજસ્થાનના બહુમતી વિધાનસભ્યો ગેહલોતની પડખે રહ્યા હોવાથી ગાંધીપરિવારને કડવો ઘૂંટડો ગળી જવાની ફરજ પડી. હાલ તો અશોક ગેહલોતને તેમના નસીબ પર છોડી દેવામાં આવ્યા છે, પણ પ્રમુખપદની ચૂંટણી પૂરી થાય તે પછી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉમેદવારી જાહેર કરવામાં આવી તે પહેલાં પીઢ નેતા દિગ્વિજય સિંહ દ્વારા પણ ઉમેદવારી કરવાની ઇચ્છા જાહેર કરવામાં આવી હતી.
પણ દલિત નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં દિગ્વિજયસિંહે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. હવે સીધો મુકાબલો મલ્લિકાર્જુન ખડગે શશી થરૂર વચ્ચે છે. જો મલ્લિકાર્જુન ખડગે જીતશે તો નક્કી થઈ જશે કે કોંગ્રેસ પક્ષ હજુ પણ ગાંધીપરિવારના પડછાયામાંથી બહાર આવવા તૈયાર નથી. મલ્લિકાર્જુન ખડગે રબ્બર સ્ટેમ્પ જેવા પ્રમુખ બની રહેશે. જો કોંગ્રેસ પક્ષ ચૂંટણીમાં જીતશે તો તેનો યશ ગાંધીપરિવારને મળશે. જો તે હારી જશે તો હારનું ઠીકરું મલ્લિકાર્જુન ખડગેના કપાળે ફોડવામાં આવશે.