ધૂમ ફિલ્મ આવી ત્યારે લોકોને તેને જોવાની મજા આવી હતી. ફિલ્મમાં ખૂબ ઝડપથી દોડાવતી બાઈકને જોઈને દર્શકો ખુશ થઈ ગયા હતા. આ ફિલ્મ હતી પરંતુ હવે એવી સ્થિતિ થઈ છે કે 150થી 200ની ઝડપે બાઈક દોડાવવી સામાન્ય થઈ ગઈ છે. હવે રસ્તાઓ પણ મોટા થઈ ગયા છે. ટ્રાફિક જામ નહીં થાય તે માટે રસ્તાઓને પહોળા કરવામાં આવ્યા પરંતુ તેનો ગેરલાભ નબીરાઓ ઉઠાવી રહ્યા છે.
બાઈકની સાથે કારને પણ 150થીની સ્પીડે દોડાવવી હવે જાણે ફેશન થઈ ગઈ છે. બગડેલા બાપની ઔલાદો દ્વારા રાત્રે આઉટિંગ માટે નીકળવું અને 150થી 200ની સ્પીડે કાર દોડાવવી તે સામાન્ય થઈ રહ્યું છે. સુરતમાં ભૂતકાળમાં ડુમસ રોડ પર એક મુસ્લિમ નબીરાએ 100ની ઝડપે ઈનોવા કાર દોડાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. સદ્દભાગ્યે તે સમયે માત્ર ચાલકને જ ઈજા થઈ હતી પરંતુ અમદાવાદની ઘટનામાં તથ્ય પટેલ નામના નબીરાએ 160ની ઝડપે જગુઆર કાર દોડાવીને 9ની હત્યા કરી તે દેશના તંત્ર માટે નામોશીભરી ઘટના છે.
ગુજરાતમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટેની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ પાસે ખાસ ટ્રાફિક પોલીસ નામની અલગ શાખા પણ છે. આ શાખામાં કોન્સ્ટેબલથી માંડીને છેક અધિક પો.કમિ. સુધીના કર્મચારી તેમજ અધિકારીઓ છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં સ્પીડને કંટ્રોલ કરવાની સાથે સાથે જે તે ચાલક દ્વારા ટ્રાફિકના નિયમોના થતાં ભંગ બદલ દંડ કરવા માટે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ હકીકત એ છે કે પોલીસને ટ્રાફિક નિયમની કામગીરી કરવી જ નથી. એકાદ શહેરને બાદ કરતાં સુરત સહિતના શહેરોની સ્થિતિ એવી છે કે રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દેખાતી જ હોતી નથી. એકાદ-બે સર્કલ પર પોલીસ ઉભી હોય પરંતુ તે માત્ર હેલ્મેટ કે સીટ બેલ્ટ નહીં હોય તો દંડ ઉઘરાવી લે છે.
માત્ર ઉઘરાણા માટે જ પોલીસ પોતાની કામગીરી બજાવે છે અને ટાર્ગેટ પુરા કરે છે. ઉઘરાણાની રકમ સરકારમાં જમા થાય છે કે પછી પોલીસના ખિસ્સામાં તે અલગ વિષય છે પરંતુ ટ્રાફિક પોલીસ નામ હોવા છતાં પણ ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવતી જ નથી. ટ્રાફિક પોલીસને સર્કલ પર ઊભા રહીને ટ્રાફિકનું નિયમન કરવામાં જાણે નાનમ આવતી હોય તેમ સાઈડમાં ઊભા રહીને માત્ર મોબાઈલ જોતા રહેવું ગમે છે. મોટાભાગના ટ્રાફિક કોન્સ્ટેબલની આ હાલત છે અને ઉપરી અધિકારીઓને પોતાની એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવાની ફુરસત નથી. ગુજરાત પોલીસમાં એવી હાલત છે કે જેને સજા કરવી હોય તેને જ ટ્રાફિક પોલીસમાં મોકલવામાં આવે છે. હવે જેને સજા જ કરવામાં આવી હોય તે ટ્રાફિકના નિયમનની સારી કામગીરી કરશે તેવી આશા રાખવી જ ખોટી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ-ચલણ મોકલવાની શરૂઆત કરવામાં આવી. ઈ-ચલણથી ટ્રાફિકનું નિયમન થવાને બદલે જાણે ટ્રાફિક પોલીસને મજા પડી ગઈ છે.
ઘણી વખત એવું થાય છે કે મહાપાલિકા કે પાલિકા દ્વારા સિગ્નલો લગાડવામાં આવ્યા હોય પણ પોલીસે જાતે જ સિગ્નલોનું ટાઈમર બદલી નાખે અથવા તો બંધ કરી દે. જેને કારણે જ્યારે લાલ લાઈટ હોય ત્યારે વાહનો ઊભા રહેવાને બદલે દોડતા દેખાય છે અને સિગ્નલ મુકવાનો મૂળ હેતુ જ મરી જાય છે. હવે તો ટ્રાફિક પોલીસ નવું જ શીખી છે. જ્યાં પણ ચાર રસ્તા ભેગા થતાં હોય ત્યાં ટ્રાફિક નિયમન કરવાને બદલે બેરિકેડ સ્પોન્સર કરાવીને તેને ચાર રસ્તા પર લગાડી દઈ ટ્રાફિકને ડાઈવર્ટ કરી દેવામાં આવે છે.
ટ્રાફિક ડાઈવર્ટ કરીને ટ્રાફિક પોલીસના જવાનો બાજુમાં મોબાઈલ રમવા બેસી જાય છે અને વાહનચાલકોએ લાંબા રાઉન્ડ મારવા પડી રહ્યા છે. આ તો વાત થઈ ટ્રાફિકના નિયમનની પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂરઝડપે બાઈકે કાર ચલાવતા નબીરાઓ સામે પોલીસ જાણે નમાલી જ સાબિત થવા પામી છે. સરકારે પોલીસને સ્પીડ ગન આપી કે જે લોકો ફાસ્ટ વાહનો ચલાવતા હોય તેમને પકડો પરંતુ આ સ્પીડ ગન પણ જાણે શોભાના ગાંઠિયા જ છે. સ્પીડ ગનથી પૂરઝડપે વાહનો ચલાવનારા પકડાતા નથી અને અંતે અમદાવાદ જેવી હોનારત બને છે.
ટ્રાફિક પોલીસ વિભાગ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે પછી સરકારનું ઓરમાયું વર્તન જ છે. લોકો સાથે સીધી રીતે અને રોજ સંકળાયેલું જો કોઈ સરકારી ખાતું હોય તો તે ટ્રાફિક પોલીસ વિભાગ છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસને સજાની પોસ્ટિંગ અથવા તો ઉઘરાણા માટેનું સાધન જ બનાવી દીધું છે. જો ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગનનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોત, સીસીટીવી દ્વારા સ્પીડમાં વાહનો ચલાવતા ચાલકોને પકડવામાં આવ્યા હોત અમદાવાદ જેવી ઘટના બની જ નહી હોત. હજુ પણ સમય છે. સરકાર જાગે.
ટ્રાફિક પોલીસ વિભાગને આખા રાજ્યમાં અલગ પાડીને તેમાં સીધી ભરતી કરે તો બની શકે કે ટ્રાફિક પોલીસના જવાનો તેમજ અધિકારીઓ પોતાની જવાબદારી સમજે અને આવી રીતે નિર્દોષ લોકોના મોત થતાં અટકે. અમદાવાદની ઘટનામાં ખુદ પોલીસ વિભાગના જ બે કર્મીઓ મોતને ભેટ્યા છે ત્યારે હવે તો ટ્રાફિક પોલીસનું તંત્ર જાગે તે જરૂરી છે, નહીં તો નબીરાઓ નિર્દોષોનો ભોગ લેતા જ રહેશે તે નક્કી છે.