Dakshin Gujarat

કરોડોના ખર્ચ બાદ પણ તિથલ બીચ સુવિધાના નામ પર મીડું

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ ગણાતા તિથલ બીચ (Tithal Beach) પર હાલ મે વેકેશન (Vacation) પડતાની સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત ભરમાંથી ઉમટી પડે છે. અહીંના સ્વામિનારાયણ મંદિર અને સાંઈબાબાનું મંદિર પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યા છે. એ સિવાય તિથલ બીચ પર આકર્ષણના નામે માત્ર દરિયા કિનારો છે. જેના વિકાસ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા અધિકારીઓ અને પદાધિકારીઓ ચાઉં કરી ગયા અને તેમણે ડકાર પણ લીધો નથી. જેના કારણે આકર્ષક એવો તિથલ બીચ સુવિધા વિહોણો જણાઇ રહ્યો છે.

વલસાડના તિથલ બીચના વિકાસ માટે વર્ષ 2016માં રૂ. 4.32 કરોડની ગ્રાન્ટની ફાળવણી થઇ હતી. જેમાં લોકોને દિવાસ્વપ્ન બતાવી તિથલ બીચના વિકાસની વાતો થઇ હતી. આ બીચની ડિઝાઇન તૈયાર કરી જાહેર કરાઇ હતી. જેમાં દિવ્યાંગ બીચ તરીકે તેનો વિકાસ કરવાની વાત થઇ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિવ્યાંગ બીચ તરીકે વિકસી રહેલા તિથલ બીચની જાણકારી આપી હતી. જોકે, ગુજરાતના ભાજપના ભ્રષ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી તિથલ બીચના વિકાસમાં એકમાત્ર પ્રોટેક્શન વોલ બનીને રહી ગઇ છે. અહીં તે સિવાય કોઇપણ વિકાસ થઇ શક્યો નથી. જેના કારણે અહીં આવનારા લોકો માટે તિથલનો દરિયા કિનારો જ એક માત્ર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

તિથલે અનેક ઉચ્ચ અધિકારીઓથી લઇ પદાધિકારીઓને માલામાલ કરી દીધા છે. ત્યારબાદ પણ તેના વિકાસ માટે હાલના નાણામંત્રી અને વલસાડ જિલ્લાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ તિથલ બીચને બ્લ્યુ ફ્લેગ બીચનો દરજ્જો અપાવવા રૂ. 2 કરોડની ફાળવણી કરી છે. જોકે, આ ગ્રાન્ટ હજુ સુધી આવી નથી અને બીચની હાલત હજુ એવીને એવી જ જોવા મળી રહી છે.

સાધનો ગોડાઉનમાં પડ્યા પડ્યા સડી ગયા
તિથલ બીચ પર બાળકોના મનોરંજન માટે કિડ્ઝ ઝોન બનવાનો હતો. આ ઝોન બની જ શક્યો નથી. બાળકોના રમત ગમતના સાધનો મુકવા માટે ખરીદાયા પણ હતા, પરંતુ આ સાધનો જિલ્લા પંચાયતના ગોડાઉનમાં પડ્યા પડ્યા સડી ગયા હતા. જેનો લાભ કોઇને થઇ શક્યો ન હતો. નફ્ફટ તંત્ર અને ભાજપના પદાધિકારીઓ પણ આ મામલે ચૂપ રહ્યા હતા.

અહીં ચેન્જિંગ રૂમ પણ બન્યા નથી
વલસાડ તિથલ બીચ પર એક માત્ર દરિયાનું આકર્ષણ છે. હાલ ઉનાળામાં અનેક લોકો અહીં દરિયામાં નાહવાની મજા લેશે, પરંતુ મહિલાઓ માટે અહીં નાહવું મુશ્કેલ બનતું હોય છે. તિથલ બીચ પર ચેન્જિંગ રૂમ ન હોય નાહ્યા બાદ તેમની સ્થિતિ કફોડી બનતી હોય છે. બીચના વિકાસ દરમિયાન ચેન્જિંગ રૂમ બનાવવાની પણ મોટી વાતો થઇ હતી, પરંતુ જે બની શક્યા નથી.

ધારાસભ્ય ભરત પટેલ મોદીના સ્વપ્નને બચાવી ન શક્યા
વલસાડનો તિથલ બીચ ધારાસભ્ય ભરત પટેલના મત વિસ્તારમાં આવે છે. તિથલ બીચના વિકાસમાં ચાલી રહેલી લાલિયાવાડીમાં માત્ર એક વખત તેમના દ્વારા ફરિયાદ થઇ હતી. ત્યારબાદ તેમનો અવાજ સૂચક રીતે બંધ થઇ ગયો હતો. તેમણે ક્યારેય પણ તિથલના વિકાસની વાત જ કરી ન હતી. તેઓ પણ વલસાડના વિકાસની કામગીરીમાં નિષ્ફળ નિવડ્યા હોવાનું જોવા મળ્યું છે.

માત્ર પાર્કિંગ બનાવી લોકો પાસે પૈસા ઉઘરાવાય છે
વલસાડના તિથલ બીચ પર વિકાસના નામે કંઇ પણ કરાયું નથી અને માત્ર પાર્કિંગ બનાવી બીચની જાળવણી માટે લોકો પાસે વાહન પાર્ક કરવાના પૈસાની વસૂલાત થઇ રહી છે. મહિનાની આ લાખ્ખો રૂપિયાની આવક સામે બીચની સફાઇ સુદ્ધાં થતી નથી. અહીં રાત્રી દરમિયાન હાઇ મસ્ટ લાઇટ પણ ચાલુ થતી નથી. ત્યારે પાર્કિંગના આ પૈસાની વસૂલાતનો બોજ લોકો પર કેમ પાડવામાં આવે છે તેવા સવાલ ઉઠી રહ્યા છે.
-0-

Most Popular

To Top