પ્રિયંકા ચોપરા હિન્દી ફિલ્મોને કાયમ માટે બાય બાય કહી દેશે? હવે તો દિપીકા પાદુકોણે પણ હોલીવુડમાં કામ કરવા માંડી છે તો શું હવે હિન્દી ફિલ્મોમાં પ્રતિભાશાળી અભિનેત્રીઓ ગાયબ થવા માંડશે?- ના, ના સાવ એવું નથી. પ્રિયંકા ફરહાન અખ્તરની ‘ઝી લે જરા’માં કામ કરી રહી છે. તેની સાથે તેના જેવી જ ટોપ સ્ટાર કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે. ફરહાનનું એવું છે કે તે અભિનેતા કેન્દ્રી ફિલ્મ બનાવે તો તેમાંય ત્રણેક હીરો તો હોય જ. ‘દિલ ચાહતા હે’ અને ‘ઝિંદગી ના મીલે દોબારા’ તેનું ઉદાહરણ છે એટલે હવે અભિનેત્રી કેન્દ્રી ફિલ્મમાં પણ પ્રિયંકા સાથે કેટરીના, આલિયા છે. જો કે એવું જ શકુન બત્રા પણ તેના લેવલે કરી રહયો છે ને તેની ફિલ્મમાં દિપીકા પાદુકોણ, અનન્યા પાંડે છે. ફરહાનની ફિલ્મ સ્વયં ફરહાને તેની બેન ઝોયા અખ્તર અને રીમા કાગતી સાથે મળીને લખી છે.
પ્રિયંકાની છેલ્લી હિન્દી ફિલ્મ ‘જય ગંગાજલ’ હતી અને તેના પહેલાં ‘બાજીરાવ મસ્તાની’ રજૂ થયેલી. ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ આવી હતી પણ તે પ્રેક્ષકના જૂદા વર્ગ માટે હતી. એ ફિલ્મમાં તેણે ફરહાન અખ્તર સાથે કામ કરેલું અને હવે ફરહાન જ તેનો દિગ્દર્શક બનશે. પ્રિયંકાની ‘કવોન્ટિકો’, ‘ઇઝન્ટ ઇટ રોમાન્ટિક’, ‘વી કેન બી હીરોઝ’ કે ‘ધ વ્હાઇટ ટાઇગર’ અંગ્રેજીના પ્રેક્ષક માટે હતી. હમણાં ‘ધ મેટ્રિક રિસ્યોરેકશન્સ’, ‘ટેકસ્ટ ફોર યુ’, ‘શીલા’ અને ‘કાઉબોય નિન્જાવાઇકિંગ’ પણ અંગ્રેજી ઓડિયન્સ માટે જ બની રહી છે ને ‘સતાદલ’ ટી.વી. શ્રેણીમાંય વ્યસ્ત છે.
પણ ભારતીય પ્રેક્ષકથી તે જે દૂર થઇ હતી તે હવે ફરી પાછી દેખાશે. ફરહાન પહેલાં તે ઝોયા અખ્તરના દિગ્દર્શનમાં ‘દિલ ધડકને દો’માં કામ કરી ચુકી છે. એમ કહી શકો કે તેને સંજય લીલા ભણસાલી અને ફરહાન અખ્તર સાથે વધારે ફાવે છે. ભણસાલી તો હમણાં આલિયા ભટ્ટ સાથે ફિલ્મો બનાવી રહયા છે પણ પ્રિયંકા એવી સ્ટાર છે કે કોઇએ પણ મોટા પ્રોજેકટ પર કામ કરવું હોય તો તે યાદ આવશે. પ્રિયંકાએ પોતાની ટેલેન્ટને સતત નિખારી છે. ‘ફેશન’ માટે નેશનલ એવોર્ડ પણ મેળવી ચુકી છે. આજે તે અમથી જ ગ્લોબલ બોલીવુડ સ્ટાર નથી બની. અત્યારે સૌથી વધુ ફી લેતી ઇન્ડિયન સેલિબ્રિટી તરીકેની તેની ઓળખ છે.
તેણે નિક જોનાસ સાથેનું લગ્ન જીવન પણ સરસ સંભાળ્યું છે અને તે પહેલાના પ્રેમ પ્રસંગોને ભુલાવી દીધા છે. પ્રિયંકા એક જ કામમાં ય પોતાને રોકી રાખતી નથી. આ વર્ષે જ તેણે ન્યૂયોર્કના મેનહટનમાં ‘સોના’ નામની રેસ્ટોરાં શરૂ કર્યું છે જેમાં ભારતીય વાનગીઓ પીરસે છે. ફિલ્મ નિર્માત્રી તરીકે તો તે કામ કરે જ છે અને હિન્દી જ નહિ પ્રાદેશિક ભાષામાં ય ફિલ્મ બનાવે છે. તે એકદમ યોજનાબધ્ધ રીતે કામ કરે છે. ‘જી લે ઝરા’ 2023માં રજૂ થવાની છે પણ તે પહેલાં તેની અંગ્રેજી ફિલ્મો આવી જશે. તમે હવે તેને મોટી ફિલ્મો માટે જ વિચારી શકો. તે જેમાં હોય એ ફિલ્મ નાની ન હોય શકે.