અનાદિકાળથી કુદરતી ઘટનાક્રમ ચાલે છે. પૃથ્વી પર સૂર્યના તાપ-તડકાની અસર થતી રહે છે, મહાસાગર, નદીઓ તથા અન્ય જળાશયો તેનાથી પ્રભાવિત થાય છે અને તેમાંના જળનું બાષ્પીભવન થતાં ઊંચે આકાશમાં વાદળો બંધાય છે અને જયારે તે ઠંડાં પડે છે ત્યારે વર્ષા થાય છે. પૃથ્વી પર પાણી પડે છે. આમ કુદરત દ્વારા પાણીનું આદાનપ્રદાન થાય છે. બાષ્પીભવન એ સૂકામણાની પ્રક્રિયા છે. નદી અને જળાશયો સૂકાઇ શકે છે, મહાસાગરો સૂકાતા નથી. બાષ્પીભવનને બીજા અનેક અર્થોમાં પણ જોઇ શકાય. કાળક્રમે સુખ સમૃધ્ધિનું બાષ્પીભવન થતાં કંગાળિયતની પરિસ્થિતિ જન્મે છે. યૌવનનું બાષ્પીભવન થતાં કાયા ઘડપણમાં ધકેલાઈ જાય છે. વસંત ઋતુમાં પૂરબહાર ખીલેલાં વૃક્ષો, વનસ્પતિને પાનખર જેવું બાષ્પીભવન આભડી જાય છે. વર્ષોના ઇતિહાસમાં પાણીના બાષ્પીભવનના પ્રમાણમાં વધઘટ થતી રહી છે. ઉકાઇ ડેમ તદ્દન સૂકાઇ જાય તેમ આ ડેમ અંગે શકયતા નથી છતાં દર વર્ષે ઉકાઇ ડેમમાંથી બસો એમ.સી.એમ. પાણીનું બાષ્પીભવન થતું હોવાનો અંદાજ છે. હવામાં ભેજ જેટલો ઓછો એટલું વધારે પાણીનું બાષ્પીભવન થાય. બાષ્પીભવનની ક્રિયા નિરંતર ચાલતી રહે છે, જેમ તાપમાનનો પારો ઉંચે ચડે તેમ બાષ્પીભવનનું પ્રમાણ પણ વધતું જાય છે. નદીમાંથી રોજ વહી જતા પાણી કરતાં પણ ગરમીથી ઊડી જતા પાણીનું પ્રમાણ વિશેષ છે. કેટલાંક રાજયોમાં તો પાણીનું બાષ્પીભવન રોકવા વિવિધ પ્રયોગો પણ થયા છે. સ્વકેન્દ્રી બનતો જતો માનવ હવે પ્રેમાળ ઓછો થતો જાય છે. ત્યારે લાગે છે કે માનવસંબંધો પર પણ કોઇક પ્રકારનું બાષ્પીભવન થઇ રહ્યું છે. સ્નેહભીના માનવસમાજ માટે એવી જ પ્રાર્થના કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અમ હૃદયમાં વહ્યા કરે. સૌના સ્નેહભીના હૃદય કદી ન સૂકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બાષ્પીભવન પાણીનું અને માનવસંબંધોનું
By
Posted on