Sports

રોનાલ્ડોની પોર્ટુગલને હરાવી વિશ્વની નંબર વન બેલ્જિયમે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

સેવિલે : વિશ્વની નંબર વન ફૂટબોલ ટીમ (World no.1 football team) બેલ્જિયમે (Belgium) ડિફેન્ડીંગ ચેમ્પિયન પોર્ટુગલ (Portugal)ને હરાવવા માટે એક અલગ જ વ્યુહરચના અપનાવીને સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Ronaldo)ને એક છેડ વ્યસ્ત રાખીને બીજા છેડે આક્રમક વલણ અપનાવીને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી જીત મેળવીને યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 (Euro-2020)ની ક્વાર્ટર ફાઇનલ (Quarter final)માં પ્રવેશ કરી લીધો હતો અને તેમની જીતની સાથે જ ડિફેન્ડીંગ ચેમ્પિયન પોર્ટુગલ સ્પર્ધામાંથી આઉટ થઇ ગયું હતું.

બેલ્જિયમ વતી થોર્ગન હેઝાર્ડે 42મી મિનીટમાં કરેલો ગોલ નિર્ણાયક સાબિત થયો હતો. બેલ્જિયમ હવે ક્વાર્ટર ફાઇનલમાં શુક્રવારે ઇટલી સામે મ્યુનિચમાં બાથ ભીડશે. મેચ દરમિયાન પોર્ટુગલ પાસે બેલ્જિયમની બરોબરી કરી લેવાની ઘણી તક આવી હતી. જેમાં રૂબેન ડાયેલના એક હેડરને બેલ્જિયમના ગોલકીપર થિબોટ કર્ટોઇસે સારી રીતે બચાવી લીધો હતો. આ પરાજયની સાથે જ સતત બીજીવાર યુરો કપ ટાઇટલ જીતવાનું પોર્ટુગલનું સપનુ તૂટી ગયું હતું. આ તરફ બેલ્જિયમે પોતાનું પહેલું યુરો કપ ટાઇટલ જીતવા વધુ એક ડગલુ આગળ ભરી દીધું છે. બેલ્જિયમની ટીમે યુરો 2020મા પોતાની ચારેય મેચ જીતી છે અને ટૂર્નામેન્ટ માટેની તમામ 10 ક્વોલિફાયર પણ જીતી હતી અને તેના આ ફોર્મને જોતા તે ચેમ્પિયન બનવા દાવેદાર લાગી રહ્યું છે.

આ મેચમાં ગોલ કરવા માટે બેલ્જિયમના ફોરવર્ડ કેવિન ડિ બ્રુએન, એડેન હેઝાર્ડ અને રોમેલુ લુકાકુ જેવા સ્ટારે પણ મથામણ કરવી પડી હતી, જો કે થોર્ગન હેઝાર્ડે પોર્ટુગલના સર્કલની બહારથી ફટકારેલો એક શોટ સીધો ગોલ પોસ્ટમાં ઘુસી ગયો હતો અને એ એક જ ગોલ નિર્ણાયક બની ગયો હતો. બેલ્જિયમે બીજા હાફમાં ઘુંટીમાં ઇજાગ્રસ્ત થયેલા ડિ બ્રુએન વિના રમવું પડ્યું હતું.

પરાજય પછી રોનાલ્ડો કેપ્ટનનો આર્મ બેન્ડ ફેંકીને નિરાશ વદને મેદાનમાંથી બહાર ગયો
સેવિલે, તા. 28 : પોર્ટુગલનો દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો રવિવારે રાત્રે અહીં યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020ની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે 1-0થી પરાજય મળ્યા પછી નિરાશ વદને બહાર નીકળ્યો હતો. મેચની અંતિમ વ્હીસલ વાગી ત્યારે તેણે પોતાનો કેપ્ટનનો આર્મ બેન્ડ ઉતારીને ફેંકી દીધો હતો. બેલ્જિયમની ટીમે તેને એક છેડે વ્યસ્ત રાખીને બીજા છેડે આક્રમકતા અપનાવીને આ જીત મેળવી હતી.

સર્વાઘિક ઇન્ટરનેશનલ ગોલ કરવાનો રેકોર્ડ રચવાથી રોનાલ્ડો વંચિત રહ્યો
આ મેચમાં રોનાલ્ડો પાસે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સર્વાધિક ગોલ કરવાના ઇરાનના અલી દેઇનો રેકોર્ડ તોડીને આગળ નીકળવાની તક હતી પણ તે એકપણ ગોલ કરી ન શકતા આ તક હાલ પુરતી હાથમાંથી સરી ગઇ હતી. હાલ રોનાલ્ડો અને અલી દેઇ બંને 109 ઇન્ટરનેશનલ ગોલ સાથે બરોબરી પર છે.

Most Popular

To Top