National

અફઘાનિસ્તાનમાં તાલિબાનો પોતાની નવી સરકારની રચના કરવા સજ્જ

તાલિબાન કાબુલમાં પોતાની નવી સરકારની રચના ઇરાનીયન નેતાગીરીની લાઇન પર કરવા માટે સજ્જ છે જેમાં આ સંગઠનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ સત્તાધીશ તરીકે જાહેર કરવામાં આવી શકે છે એમ આ સંગઠનના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું.

નવી સરકાર અંગે સલાહ મસલતો લગભગ છેવટના તબક્કામાં છે, અને કેબિનેટ અંગે પણ છેવટની ચર્ચાઓ ચાલી રહી છે એમ તાલીબાનના માહિતી અને સંસ્કૃતિ પંચના એક વરિષ્ઠ અધિકારી મુફતી સમનગનીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ જૂથ આગામી ત્રણ દિવસમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી શકે છે. આ નવી સરકારની ગોઠવણમાં ૬૦ વર્ષના મુલ્લા અખુંદઝાદા તાલીબાન સરકારના સુપ્રીમ લીડર હશે, જે ઇરાનની સરકારની પેટર્ન છે. ઇરાનમાં સુપ્રીમ લીડર એ દેશના સર્વોચ્ચ રાજકીય અને ધાર્મિક સત્તાધીશ હોય છે. તેમનો દરજજો પ્રમુખ કરતા પણ ઉપર ગણાય છે અને તે લશ્કર, સરકાર અને ન્યાયપાલિકાના વડાઓની નિમણૂક કરે છે. દેશની રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતોમાં સુપ્રીમ લીડરનો અવાજ આખરી ગણાય છે.

સમનગનીએ જણાવ્યું હતું કે નવી સરકારની ગોઠવણમાં ગવર્નરો પ્રાંતોનો વહીવટ કરશે જ્યારે ડિસ્ટ્રીક્ટ ગવર્નરો તેમના પોતાના જિલ્લાઓના ઇન-ચાર્જ રહેશે. દરમ્યાન દોહા ખાતેની તાલીબાનની રાજકીય કચેરીના નાયબ નેતા મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઇએ આજે વિદેશી મીડિયા ચેનલોને જણાવ્યું હતું કે નવી સરકારમાં મહિલાઓ અને તમામ કબીલાઓના સભ્યોને સ્થાન મળશે. જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાંની સરકારોમાં જે સભ્ય રહી ચુક્યા હોય તેવા કોઇનો પણ નવી સરકારમાં સમાવેશ નહીં કરાય.

Most Popular

To Top