Comments

એપસ્તીન ફાઈલ : માનવજાતના ઇતિહાસનું શરમજનક પાનું આગેવાનોનું મૌન આઘાતજનક

જેફરી અપસ્તીન …દુનિયામાં ચર્ચિત આ નામ સાંભળતાં જ હવે ધૃણા ઉપજે છે. શરૂઆતમાં આ એક રાજકીય પ્રપંચ લગતી વાત જેમ જેમ ખૂલતી ગઈ તેમ તેમ તે માણસના મૂળભૂત દુર્ગુણોની દુર્ગંધ ફેલાવવા લાગી. શું ફેર છે લાખો વર્ષ પહેલાંના અને એકવીસમી સદીના આધુનિક વિકસિત ઉદ્યોગપતિઓ બૌધ્ધિકોમાં જો અન્તે તો આ જ કરવાનું હોય. ઉલટાનું ધ્યાનથી જોતાં માણસ અત્યારે વધારે ખતરનાક અને વધુ વિકૃતિઓથી ગ્રસિત જોવા મળી રહ્યો છે. પુરુષની મૂળભૂત વૃત્તિ સર્વોપરી થવાની, સર્વ સત્તાધીશ થવાની અને સ્ત્રીને એક રમકડું આત્મા વગરનું, સ્વાભિમાન વગરનું ઉપભોગ સાધન ગણવાની જ રહી.

ગુજરાતી કવિ નરસિંહ મહેતાએ લખ્યું કે ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવાં …અંતે તો હેમનું હેમ હોય.” તે આવું વૈશ્વિક સત્ય પણ સમજાવશે તે આશા ના હતી કે તાલીબાન હોય, ભારતીય રૂઢિગત કોઈ વિકૃત બાબા હોય કે અત્યંત વિકસિત અને દેશ દુનિયામાં શીર્ષ સ્થાને બિરાજેલા નેતા, ઉદ્યોગપતિ કે બિજનેસ મેન હોય, બધાની વિકૃતિઓ સરખી જ હોય છે. પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો અને આધુનિક લોકશાહીના માર્ગદર્શકો અનેક ખોટ હોવા છતાં પોતાની વ્યવસ્થાઓ દ્વારા દુનિયામાં મહાન કહેવાયા. જે કાંઈ કરો તે સિસ્ટેમેટીક કરો. લોકશાહી, ન્યાય, વહીવટ, શિક્ષણ બધું જ પદ્ધતિસરનું.  વ્યવસ્થિત અને હવે બાળકીઓનો વેપાર શારીરિક શોષણ અને હિંસા પણ વ્યવસ્થિત!

આ લોકો છે જ આવા. અન્યાય કરે તો પણ વ્યવસ્થા ગોઠવીને, હિંસા પણ કરે તો પોતે તે યોગ્ય જ કર્યું છે તેવું સાબિત કરે. ખ્રિસ્તી ચર્ચ દ્વારા વટાળ પ્રવૃત્તિ જેને મિશન કહેવામાં આવ્યું અને વટાળ પ્રવૃત્તિ કરનારા મિશનરી કહેવાયા. અંગ્રેજીમાં મિશનરી તે જ ઉર્દૂમાં જેહાદી ને? શું ફેર? દુનિયાએ વિચારવું પડશે કે જો સ્ત્રીઓ માટે બુરખા પ્રથા કે માથું ઢાંકવાની પ્રથા રૂઢિચુસ્ત અને પછાતપણાની નિશાની છે તો પોર્નોગ્રાફી એ પ્રગતિશીલતાની નિશાની છે? ઈઝરાઈલનો હમાસ પર હુમલો બદલો હોઈ શકે છે પણ અમેરિકાએ હમણાં જે કર્યું તે આતંક્વાદથી ઓછું છે?

 વાત મુસ્લિમ અત્યાચાર કે રૂઢિની તરફેણની નથી. વાત ભારતમાં હિન્દુ બાબાઓ જે કે તે બધું જ સાચું અને સ્ત્રીઓ પરનાં નિયંત્રણો વાજબી ઠેરવવાની નથી. વાત છે પશ્ચિમી વિકસિત દેશોના વ્યવસ્થાપૂર્વક થતા શોષણ, અત્યાચાર, વ્યભિચાર અને હત્યાઓ સામે અવાજ ઉઠાવવાની છે. કોઈ મુસ્લિમ યુવક દુનિયા સામે એક પ્રશ્ન મૂકે કે જો આ એપસ્તીન મુસ્લિમ હોત તો?

જર્મનીના હિટલરની હિંસાની જે રીતે ઇતિહાસે ચર્ચા કરી છે તે રીતે આ એપસ્તીનનાં કરતૂતો અને તેમાં સંકળાયેલાં લોકોની વાત થવી જોઈએ પણ નથી થતી. ભારતમાં ઘણાં રાહ જુવે છે કોઈ નેતાનું નામ આવે છે? તો અમે તલવાર કાઢીએ. અરે ભાઈ, આ કોઈ એક નેતા કે કોઈ એક ઉદ્યોગપતિને કેન્દ્રમાં રાખીને કરવાની ચર્ચાનો વિષય જ નથી. આ માનવીના મૂળભૂત દુર્ગુણોની વાત કરવાનો અને આ એક વ્યવસ્થા ઊભી કરીને પોતાની વિકૃતિઓ સંતોષવાનો અધિકાર પોતાને છે એવું માની લેનારાને શું સજા કરી શકાય તે વિચારવાનો સમય છે.

 એપસ્તીન ફાઈલ માત્ર વ્યભિચારની વાત નથી. વેશ્યા વ્યવસાય પુરુષપ્રધાન સત્તાધીશોએ સદીઓથી ચલાવ્યો છે, ચાલવા દીધો છે  પણ આ માત્ર શારીરિક ભૂખ ભાંગવાના વ્યવસાયની વાત નથી. આમાં છે દુનિયામાં ચાલતા નાની બાળકીઓના અપહરણના વ્યાપક ષડયંત્રની વાત. આમાં છે કુમળી બાળકીઓના દુરુપયોગ માટે યુવતીઓને સગર્ભા બનાવી, ફરજીયાત માતૃત્વ આપવાની વાત. આમાં છે અતિ વિકૃત રીતે હિંસાની વાત. એપસ્તીન  ફાઈલનું સત્ય માત્ર એકાદ નેતા કે ઉદ્યોગપતિની રંગલીલાની પંચાત કરી મજા કરવાનો વિષય નથી. આ ઘટના એક વ્યવસ્થિત ષડયન્ત્ર વર્ષો ચાલ્યા જ કરે છે  અને તે પણ જ્યાં ન્યાય, સુરક્ષા અને માનવમૂલ્યોની સમાનતાની વાતો થાય છે ત્યાં!

એપસ્તીન ફાઈલમાં જે નેતાઓનાં નામ છે, જે વ્યાવસાયિકોનાં નામ છે તેઓએ માત્ર વ્યભિચાર નથી કર્યો. તેઓ અત્યાર સુધી ચૂપ રહ્યા છે. “આવું ચાલે છે તે કોઈ બોલ્યું નથી” અને પછી જ્યારે પીડિત યુવતીઓએ પોતાની ફરિયાદ કરી, તપાસ પંચ બેઠા અને સાબિતીઓ ભેગી કરી ત્યારે સત્તા અને સમ્પત્તિના જોરે તેમણે આ બધું જ દબાવી દેવાનો પ્રપંચ કર્યો અને હવે વર્ષો પછી તે સત્ય ધીમે ધીમે બહાર આવી રહ્યું છે ત્યારે નામ ભલે આવે, વિડિયો ભલે ફરે પણ સજા કોઈને નહિ થાય તેની ખાસ્સી ગોઠવણ તેઓ કરી રહ્યા છે  અને દુનિયા બહારનાં લેખકો સ્વતન્ત્રતાપ્રેમીઓ સ્ત્રીસ્વન્ત્રતા અને સન્માનની વાતો કરનારાઓ આઘાતજનક મૌન સેવી રહ્યાં છે.

એકાદી જાતિવાદી હિંસા હોય, કોઈ લેખ હોય, કોઈ ટેક્સ હોય કે ભ્રમિત કરનારા વિશ્વકપના વિજય હોય, લોકોનાં ટોળેટોળાં અડધી રાત્રે  બહાર આવે અને ઉજવણી કે વિરોધ કરે પણ હજુ આ બાળકીઓની હત્યા શોષણ અને વિકૃતિઓ માટે ક્યાંય લોકો રસ્તા પર નથી આવ્યા. હા, નૈતિક કારણોથી કેટલાંકે રાજીનામાં આપ્યાં છે, ક્યાંક લેખો લખ્યા છે. સાવ નથી એવું નથી પણ જે માત્રામાં આ કંદ થયો છે તે માત્રામાં આ બહુ ઓછું છે.

એપસ્તીન ફાઈલ માનવજાતનું શ્રમજનક પ્રકરણ છે. જો આ જ પ્રગતિ છે તો સોળમી સદીનું પછાત પાનું બરાબર હતું. જો બાળકીઓ અને સતીઓ સાથે આ જ કરવાનું હોય તો મા બાપ તેને ઘરની બહાર પણ નીકળવા ન દે અને મોઢું ઢંકાવે તે યોગ્ય જ કહેવાશે. અરે, ઘણાં તો કહેશે કે અમને પુરુષપ્રધાન વ્યવસ્થાની વિકૃતિઓમાં પૂરો વિશ્વાસ હતો માટે જ દીકરીને દૂધ પીતી કરતાં હતાં. ના, આ પણ સાચું નથી થવા દેવું. દુનિયાના દેશોને સ્વતન્ત્રતા, સમાનતા અને બન્ધુત્વની ભાવના આપનારા દેશો જો ચૂપ રહેશે તો માનવજાતને નીચા જોવાપણું થશે. જો કોઈ બળાત્કારી સાથે આપણે ભૂતકાળમાં મળ્યા હોઈએ તો આપણને પણ એમ થાય છે કે આવા માણસને હું ક્યાં મળ્યો? તો વિકૃત શોષણની વ્યવસ્થામાં હરખભેર ભાગ લેનાર માટે પણ આવું થવું જોઈએ. નહીં તો આ મૌન અપરાધભાવ આપનારું થશે.

અંતે એકવીસમી સદીનાં માંડ પચ્ચીસ વર્ષ વીત્યાં અને આ સદીએ તેનું સ્વરૂપ બતાવી દીધું. માણસજાત હવે પ્રગતિના પંથે નહીં વિકૃતિના પંથે ચડી છે. કાગજ કે ફૂલનું ગીત મનમાં આવે છે. જલા દો ઉસે ફૂંક ડાલો એ દુનિયા, મેરે સામનેસે હટાલો એ દુનિયા.તુમ્હીંને બનાઈ હૈ તુમ સંભાલો એ દુનિયા …..એ દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ…
શરમ આવે છે .. કોને આપણે મોટા કર્યા ? કોને આપણે આવકાર્યા …આ હાથે કોઈ પાપ નોતું કર્યું એ હાથે હાથ મિલાવાનું પાપ કર્યું છે.  હે પ્રભુ, તું કોઈને માફ ના કરીશ કારણ તેમણે શું કર્યું તેની તેમને ખબર છે!.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top