Business

EPFO સહિત દેશમાં 1 એપ્રિલથી લાગુ થશે આ 6 મોટા ફેરફારો, જાણો વિગતો

નવી દિલ્હી: આજે 1 એપ્રિલ 2024 થી નવું નાણાકીય વર્ષ (New financial year) શરૂ થયું છે અને તેની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો (Changes) પણ લાગુ કરવામાં આવ્યા છે. જેનો સીધો સંબંધ દેશના નાગરીકોની નાણાકીય નીતિ સાથે છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત (LPG cylinder), ક્રેડિટ કાર્ડ (Credit card) અને એનપીએસ સહિત ઘણા નિયમો બદલાયા છે.

પ્રથમ ફેરફાર: એલપીજી ગેસની કિંમત
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજીના ભાવમાં સુધારો કરે છે. એપ્રિલ મહિનાના પહેલા દિવસે પણ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. જોકે, આ ફેરફાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં નહીં પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2024થી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ ગઈ છે.

બીજો ફેરફારઃ EPFOનો નવો નિયમ
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 1 એપ્રિલથી નવા નિયમના અમલ વિશે માહિતી આપી હતી. જે આજથી લાગુ થઈ ગયો છે. આ નવા નિયમ હેઠળ EPF ખાતાધારક નોકરી બદલતાની સાથે જ તેનું જૂનું PF બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આનો ફાયદો એ થશે કે નોકરી બદલ્યા પછી તમારે તમારા જૂના પીએફ બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે, તે આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

ત્રીજો ફેરફાર: NPS નિયમ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત દ્વિ-પગલાની પ્રમાણીકરણ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ એનપીએસ યુઝર્સ માટે હશે. જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. 15 માર્ચે PFRDAએ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

ચોથો ફેરફાર: ફાસ્ટટેગ કેવાયસી
જો તમે 31 માર્ચ, 2024 સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો, તો તમને 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે NHAI એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે.

પાંચમો ફેરફાર: વીમા પૉલિસીનું ડિજિટલાઇઝેશન
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ વીમા પોલિસીઓ માટે ડિજિટલાઈઝેશન ફરજિયાત બનાવ્યું છે, જે 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. આ સૂચના હેઠળ, જીવન, આરોગ્ય અને સામાન્ય વીમા સહિત વિવિધ શ્રેણીઓની તમામ વીમા પૉલિસીઓ ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે. ઈ-વીમામાં, વીમા યોજનાઓનું સંચાલન સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે, જેને ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ (EIA) તરીકે ઓળખવામાં આવે છે.

છઠ્ઠો ફેરફાર: SBI ક્રેડિટ કાર્ડમાં ફેરફાર
SBI કાર્ડ્સે પહેલાથી જ જાહેરાત કરી હતી કે કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચુકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું કલેક્શન 1 એપ્રિલ, 2024થી બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પલ્સ અને SimplyClick SBI કાર્ડનો સમાવેશ થાય છે.

Most Popular

To Top