શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ‘EPFO’ એ આધાર કાર્ડને (Adhar Card) લઈને મોટો નિર્ણય લીધો છે. હવે EPFOમાં કોઈપણ કામ માટે જન્મ તારીખના (Birth Certificate) પુરાવા તરીકે આધાર કાર્ડની માન્યતા બંધ કરી દેવામાં આવી છે. મતલબ કે હવે ‘આધાર કાર્ડ’નો ઉપયોગ જન્મ તારીખ (Birth Date) અપડેટ કરવા કે તેમાં કોઈ ભૂલ સુધારવા માટે થઈ શકશે નહીં. EPFOએ તેના માન્ય દસ્તાવેજોની યાદીમાંથી આધાર કાર્ડ કાઢી નાખ્યું છે.
16 જાન્યુઆરીના રોજ ‘કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન’ દ્વારા આ સંબંધમાં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ‘UIDAI’ને આધાર કાર્ડ અંગે ઉપરોક્ત સૂચનાઓ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ EPFOએ જન્મ તારીખમાં ફેરફાર માટે આધાર કાર્ડની માન્યતા રોકવાનો નિર્ણય લીધો છે. આ પછી આધાર કાર્ડને EPFOના માન્ય દસ્તાવેજોની સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
આ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવશે
EPFO અનુસાર જન્મતારીખના પુરાવા તરીકે 10મા ધોરણના પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ માર્કશીટનો પણ આ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. શાળા છોડવાના પ્રમાણપત્ર અને ટ્રાન્સફર પ્રમાણપત્ર દ્વારા પણ જન્મ તારીખ બદલી શકાશે. એટલું જ નહીં જો સિવિલ સર્જને એવું કોઈ મેડિકલ સર્ટિફિકેટ જારી કર્યું છે જેમાં જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો EPFO તેને પણ માન્યતા આપશે. આ ઉપરાંત પાસપોર્ટ, પાન નંબર, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને પેન્શન દસ્તાવેજને પણ માન્યતા આપવામાં આવી છે. આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ અને રહેઠાણના પુરાવા તરીકે કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો
2018માં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે અને ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેંક ખાતા અને મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી. UGC, CBSE, NIFT વગેરે જેવી કોલેજો અને સંસ્થાઓ આધાર કાર્ડ પર લખેલા નંબરની માંગ કરી શકતી નથી.
શાળામાં પ્રવેશ માટે આધાર નંબરનો ઉપયોગ જરૂરી રહેશે નહીં. બાળકનું આધાર અપડેટ થયેલું નથી એ હકીકતનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ નકારવાના કારણ તરીકે કરી શકાતો નથી. ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગણી કરી શકશે નહીં. તે સમયે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. ભૂષણે કહ્યું હતું કે આ એક એવો નિર્ણય છે જે સામાન્ય માણસને રાહત આપે છે. ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે બેંકો અને ટેલિકોમમાં આધાર કાર્ડને ગેરબંધારણીય જાહેર કર્યું છે.