પર્યાવરણ શબ્દ એવો છે જેને સાંભળતા જ કુદરતી વાતાવરણ માનસ પર ઉભરી આવે છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે આપણી જ કેટલીક કુટેવોને લીધે પર્યાવરણ સામે જોખમ ઊભું થયું છે. જેથી લોકોને શુધ્ધ હવા મળવી પણ મુશ્કેલ બની છે. ત્યારે કેટલાંક લોકો એવા છે જે પર્યાવરણને કે આપણી કુદરતી સંપત્તિને થઇ રહેલા નુકસાનથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યાાં છે તો આજે આપણે આવાજ કેટલાંક પર્યાવરણ પ્રેમીઓ સાથે મુલાકાત કરીશું કે જેમને પર્યાવરણની રક્ષા માટે ક્યારેક પરિવારજનો સાથે તો ક્યારેક બહાર પણ ઝઘડો વ્હોરી લીધો હોય, તો ક્યારેક હાંસીને પાત્ર પણ બન્યા હોય.
ઘણીવાર પરિવારના સભ્યો સાથે પણ શાબ્દિક ટપાટપી થઇ જાય છે: ચિરાગભાઇ ટોપીવાલા
શહેરના લંબેહનુમાન રોડ વિસ્તારમાં રહેતાં 31 વર્ષિય ચિરાગભાઇ ટોપીવાલા તો એવા પર્યાવરણપ્રેમી છે કે જેઓ ઘરમાં કોઇ પર્યાવરણને નુકસાન કરે એવા કામ કરતું હોય તો એમની જોડે પણ ઝઘડી પડે છે. ચિરાગભાઇ કહે છે કે પર્યાવરણ એ ભગવાને આપેલી અમૂલ્ય વસ્તુ છે અને આપણે જ એને બગાડીએ અને જેના કારણે વાતાવરણ અને લોકોને નુકશાન પહોંચે ત્યારે દોષનો ટોપલો બીજા પર ઢોળી દઇએ તે કેમ ચાલે. આજે જયારે પીવાના પાણીની આટલી તકલીફનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે મારા ઘરનું કોઇ સભ્ય પાણીનો નળ બિનજરૂરી ખુલ્લો રાખીને તેનો વેડફાટ કરતું હોય ત્યારે મારે કયારેક શાબ્દિક ટપાટપી થઇ જાય છે. એટલું જ નહિ અમે એકવાર બહાર ગયા હતા અને કોઇએ કચરો રસ્તા પર નાંખ્યો હતો ત્યારે મેં તેમને કચરો લઇ લેવાનું કહેતા તેઓ માન્યા નહિ અને જેને કારણે મારે પયાંવરણ જાળવણી અંગે ખાસ્સું એવું પ્રવચન આપવું પડયું હતું.
વિજળી બચાવવા માટે ઘરના લોકોનો ક્લાસ લઇ લઉં છું : રચના પહાડિયાવાળા
રચના બહેન કહે છે કે મારી ઓફિસમાં કે ઘરે હું બિનજરૂરી વિજળીનો વપરાશ થતો હોય તો એના તરફ પણ બધાનું ધ્યાન દોરતી રહું છું અને ખાસ કરીને જ્યારે કોઈ વૃક્ષોને નુકસાન પહોંચાડે ત્યારે હું સહન જ નથી કરી શકતી અને તેથી જ કાગળ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન થતું હોવાથી હું શક્ય એટલું પેપરવર્ક પણ ટાળું છું. ઘણી વારતો એવું થાય કે ઘરમાં જરૂર ન હોય ત્યારે પણ જો કોઈ પંખો કે લાઈટ ચાલું હોય તો હું જવાબદાર વ્યકિતની કલાસ લઈ નાંખતા પણ અચકાતી નથી.
જાહેરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલો જોઇને પર્યાવરણ માટે દુ:ખ થાય : ધ્રુવ પટેલ
આજે તો જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યા પર પ્લાસ્ટિકની જ બોલબાલા છે. આ શબ્દો છે ધ્રુવ પટેલના અડાજણ વિસ્તારમાં રહેતા ધ્રુવ જણાવે છે કે પ્લાસ્ટિક એ પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરતી વસ્તુ છે પણ લોકો તેનો બેફામ ઉપયોગ પણ કરે છે અને ગમે ત્યાં ફેંકે પણ છે. જેથી તેનો યોગ્ય નિકાલ થતો નથી. તે જોઇ મને ગુસ્સો આવી જાય. એકવાર હું પરિવાર સાથે ગાર્ડનમાં ગયો હતો અને કોઇકે પ્લાસ્ટિકની બોટલ જાહેરમાં ફેંકી દીધી. જોકે ડસ્ટબીન હોવા છતાં લોકો આવું કેમ કરે છે એ જ મને સમજાતું નથી. મેં એ વ્યક્તિની દેખતાં જ એ બોટલ ઉંચકીને ડસ્ટબીનમાં નાખી જેથી પેલી વ્યક્તિએ પણ શરમવશ મને સોરી કહ્યું. એટલે જ નહીં એકવાર તો એક હોટલના સ્ટાફને પ્લાસ્ટિકની જગ્યા પર કાચનો ગ્લાસ લાવવા પર સ્ટાફ જોડે થોડી બોલાચાલી થઇ થઇ છે. ત્યારે હું એટલું જ કહેવા માંગુ કે પર્યાવરણ આપનુ઼ જ છે એની જાળવણી આપણે જ કરવાની છે તો તમામ તેમાં સહકાર આપે એ જરૂરી છે.
તુલસીના બી ભેગા કરી પર્યાવરણ તથા સંસ્કૃતિ બચાવવાનું કામ કરું છું: સૂર્યકાન્ત અગ્રવાલ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરભરમાં કાર્યક્રમો યોજાશે જયારે કેટલાક લોકો એવા પણ છે જેઓ પર્યાવરણ દિવસની રાહ જોયા વગર પર્યાવરણને ધબકતું રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના અલથાણ વિસ્તારમાં રહેતું આવું જ એક દંપતી છે સૂર્યકાન્ત અગ્રવાલ અને તેમના પત્ની ઉર્મિલાદેવી. 70 વર્ષની ઉંમરે પહોંચેલા સૂર્યકાન્તભાઈ તેમની પત્ની સાથે તુલસીના બી ભેગા કરીને તેને ઉછેરીને લોકોને તથા કોર્પોરેશનને પહોંચાડવાનું કામ કરે છે અને તે પણ નિઃશુલ્ક. સૂર્યકાન્તભાઈ કહે છે કે ‘હું અને મારી પત્ની એકવાર અમારી સોસાયટીમાં નીચે બેઠા હતા તે દરમિયાન અમે જોયું કે ચોમાસુ હોવાથી પાર્કિંગમાં કેટલાક તુલસીના નાના નાના છોડ ઉગી નીકળ્યા હતા.કારણ કે મોટાભાગના ઘરોની બાલ્કનીમાંથી તુલસીના બી નીચે પડતા અને ઉગી નીકળતા. જેથી તે કોઈના પગ નીચે આવીને દબાઈ ન જાય એ માટે અમે તેને સાઈડમાં રોપી દીધા અને આમ શરુ થયું અમારું કામ. છેલ્લા 4-5 વર્ષથી અમે આખું વર્ષ તુલસીના બી ભેગા કરીએ છીએ અને પછી અલથાણ થી ભીમરાડ સુધીની 70 જેટલી સોસાયટીઓમાં જઈને ઉગાડી આવતા.હવે તો smcમાં પણ અમે બી આપીએ છીએ.આ માટે 5 જૂનથી ચાલુ કરીને ઓક્ટોબર સુધી અમારી કામગીરી ચાલુ રહે છે. આ કામગીરી બદલ મને વન વિભાગ અને કોર્પોરેશનના ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફથી પ્રશસ્તિ પત્ર પણ મળી ચૂક્યું છે.’