સુરત શહેરમાં ૨૧ ફેબ્રુઆરીથી ખાનગી લકઝરી બસોની એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે.શહેરમાં ટ્રાફિક સમસ્યાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.એક રીતે સારો નિર્ણય કહી શકાય પરંતુ શું આ નિર્ણયથી ટ્રાફિક સમસ્યા સાચેજ હલ થશે?સામાન્ય રીતે લકઝરી બસોની એન્ટ્રી રાત્રે ૧૦ વાગ્યે અને વહેલી સવારે ૬ વાગ્યે સુધી હોય તો સામાન્ય માણસને લકઝરી બસોની એન્ટ્રીથી થતા ટ્રાફિકને કારણે કોઈ મોટી સમસ્યા નડતી નથી.લોકો ખાનગી બસોની સેવા જ એટલા માટે પસંદ કરે છે કે તેમને નજીકના વિસ્તારથી પીકઅપ અને ડ્રોપની સુવિધાઓ મળી રહે છે.હવે લોકોને સુરતથી પોતાના વતનમાં જવાની ટિકિટ કરતાં તો સુરત પોતાના ઘરેથી પીકઅપ સ્ટેન્ડ સુધી જવાનો ખરચો વધી જવાનો.એમાં પણ જે લોકો પોતાના વતનથી વહેલી સવારે ૪ કે ૫ વાગ્યે સુરત આવતા હોય તો તેમને શહેરમાં દુરના વિસ્તારમાં જવા માટે મોટી સમસ્યા થવાની.બહેનો ને માટે તો એકલા મુસાફરી જ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થશે. આમ લોકો માટે લેવાયેલ આ નિર્ણય લોકોની સમસ્યામાં વધારો જ કરશે. આ નિર્ણય ટ્રાફિકની કેટલી સમસ્યા ઉકેલશે એ તો સમય જ બતાવશે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગ્લેંડર રોગમાં દયા મૃત્યુ પામેલા અશ્વનું વળતર વધારો
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઘોડાઓ પૈકી 8 અશ્વોમાં ગ્લેંડર નામનો જીવલેણ રોગ જોવા મળ્યો આથી અશ્વોના માલિકે દયા મૃત્યુ પામીને છ અશ્વોને દફનાવી દીધા હતા. ત્યાર પછી પશુ ચિકિત્સક તબીબોએ સેમ્પલ લઇને કાર્યવાહી હાથ ધરી હતી. સરકારે દયા મૃત્યુ પામેલા અશ્વો માટે રૂા.25000ની સહાય જાહેર કરી છે. તે અપૂરતી છે. આથી સહાયની રકમ વધારવી જોઇએ તેવી અશ્વ પ્રેમીઓની માંગ છે. કારણ કે બધા પ્રાણીઓમાં ઘોડો એ વફાદાર પ્રાણી છે અને ઘોડો પાળવો એ રજવાડી શોખ છે. અશ્વના જુદા જુદા ઉપયોગ થાય છે.
જેમકે લડાઇ સંગ્રામમાં, લગ્ન પ્રસંગે ઘોડાની સજાવટ કરીને વરઘોડામાં ઉપયોગ થાય છે. ઘોડાઓની રેસ પણ રાખવામાં આવે છે. ઘોડાના શોખીનો 3 થી 4 લાખ રૂપિયાનો ઘોડો રાખે છે. ઇલે. મોટરમાં જે હોર્સ પાવર શબ્દ છે તે ઘોડાની તાકાત દર્શાવે છે. ફિલ્મ કલાકારો સુનિલ દત્ત, ફિરોઝ ખાન, વિનોદ ખન્ના, સની દેઓલ, ધર્મેન્દ્ર, નરેશ કનોડિયા અશ્વોના ભારે શોખીન હતા. આમ ઘોડાની અનેરી વિશિષ્ટતા છે. અગાઉ સુરતમાં ઘોડાની રેસ યોજાતી હતી. તે વિસ્તાર આજે ઘોડદોડ રોડ તરીકે જાણીતો છે. સુરત બાદ નવસારી, વલસાડમાં ગ્લેંડર રોગની ચકાસણી માટે સેમ્પલો લેવાયા હતા. સરકારે ગ્લેંડર રોગ સંપૂર્ણ નાબુદ થાય તે માટે ત્વરીત પગલા ભરવા જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.