Business

જીવનની અધૂરપનીપણ મધુરપ માણો…!

િબંદુબેન કચરા

18-19 વર્ષની મુગ્ધ તરુણી અને 23-24 વર્ષનો એક ઉમંગી, સોહામણો તેજસ્વી યુવાન. બંનેને કોલેજકાળ દરમિયાન પરિચય થાય છે. બંને અવારનવાર મળે છે. પરિચયમાંથી પ્રણય સંબંધ પાંગરે છે. પ્રારંભકાળનો સંબંધ પણ કેવો હોય છે? ઝાકળભીનો, લીલી કૂંપણ જેવો નાજુક કોમળ એ સંબંધ, યુવકયુવતી બંને કયારેક હાથમાં હાથ ઝાલી સમુદ્રતીરે ઊછળતાં મોજાં નિહાળવાં બેસે છે, તો કયારેક કોઇ એકાંત સ્થળે બેઠાં બેઠાં પ્રણયગોષ્ઠિ કરે છે. બંને એકબીજાને સાંભળે છે. એમના સંબંધમાં મૈત્રી છે. સહાનુભૂતિ છે, સાદગી છે. બંને વચ્ચે એક દુનિયા નિર્માણ થાય છે. ભવિષ્યનાં સોણલાં સેવાય છે. આરંભકાળનો આ સંબંધ ઘણો સુંદર હોય છે. બસ, પ્રેમના સરવાળા. એમાં વાસંતી પ્રભાતની આહલાદકતા હોય છે. નવજાત શિશુની સુકોમળતા હોય છે. બંનેને થાય છે, પ્રણયનો વસંતકાળ લંબાઈ જાય. બસ આ તો પ્રેમ છે, પ્રેમ છે. પ્રેમ છે એવો જ રહે તો કેવું સારું! આવી ઉત્કટતા, મિલનનો આનંદ અને તન્મયતા જીવનમાં કાયમ રહે તો કેવું સારું…!
સમય જતાં બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. બંને એક જ્ઞાતિના હોવાથી વાંધો ન આવ્યો.
લગ્ન થયા એટલે પહેલી વાત હનીમૂનની આવે, ‘‘લગ્ન પછી તમે કયાં ફરવા જવાના છો?’’ અરિહાને તેની સખી શિખાએ પૂછયું.


‘‘અરે ભાઈ ! મારો વર તો બહુ રોમેન્ટિક છે. એણે એ વિશે તો મને જરાય ખબર પડવા જ નથી દીધી. કદાચ એ મને સરપ્રાઈઝ આપવા માગતો હશે. ગમે ત્યાં લઇ તો જશે જ ને? આપણે તો એનો હાથ પકડીને જવાનું છે. મેં તો કેટલું બધું મનમાં વિચારી રાખ્યું છે. ફોટા પડાવતાં કેવો પોઝ આપીશ, કેવી સ્ટાઈલો મારીશ?’’ ઉત્સાહથી છલકાતાં અરિહાએ કહ્યું.
લગ્ન થયા પછી વર અને મોજમસ્તી સિવાય બીજી કોઇ વાત અરીહાને મોઢે નહોતી ‘‘બસ, મને તો ફરવા જવામાં જ રસ છે. એકાંત પહાડીઓ, પગદંડી વગરનાં જંગલો અને સૂના સમુદ્ર કિનારે હાથમાં હાથ પરોવીને બસ ફર્યા જ કરીશું. બસ ગીતો ગાઈશું, વાતો કરીશું બસ હું ને મારો વર’’ અરીહા સ્વપ્નામાં વિહરતી હતી.
લગ્ન પછી એક દિવસ ગયો, બીજો દિવસ ઊગ્યો પણ કયાંય જવાના કોઇ એંધાણ વરતાતાં નથી. લગ્નમાં તો કેટલી ધામધૂમ કરી તો અમારો ફરવા જવાનો પ્રોગ્રામ તો કેવો ધમાકેદાર અને પ્લેનમાં ઊડવાનો જ હશે! હવે અરીહાની ધીરજ ખૂટી તે બોલી ઊઠી, ‘‘અર્હમ્ આપણે કયારે ફરવા જવાનું છે?’’ અરીહાના આ સવાલ સાથે અર્હમ્ ધ્રૂજી ઊઠયો. એ ગભરાઈ ગયો. અરીહાને શી રીતે કહું કે અમારા કુટુંબમાં હનીમૂન જેવો શબ્દ ઉચ્ચારાય એમ જ નથી. એકલા બહાર જવું છે એવી ઇચ્છા વ્યક્ત કરવામાં ય મર્યાદાભંગ લાગે. અમારા કુટુંબમાં બહરાથી બધી ઝાકમઝોળ છે પણ અંદરથી સાવ જુનવાણી છે. અરીહા, તું માંગે છે એવી જીવનશૈલી અમારે ત્યાં નથી. તારાં અરમાન સમજે એવા લાગણીશીલ મારાં માબાપ નથી. આપણે બીજી કોઇ વાર ફરવા જઇશું.
અરીહા રડમસ અવાજે બોલી – ‘‘અર્હમ્ મેં તો કેટકેટલાં સ્વપ્નો જોયાં હતાં, હવામાં ઊડવાનાં તે તો મને સાવ નીચે પટકી દીધી.’’ અર્હમને પણ પારાવાર દુ:ખ થયું પણ જુનવાણી, જડ સ્વભાવનાં માબાપને કંઇ કહેવાની એની હિંમત નથી.
‘‘અરે, તું હિંમત કરીને મમ્મીપપ્પાને કહે તો ખરો, ફકત ચાર દિવસ આપણે નજીકના કોઇ સ્થળે જઇએ.’’
અર્હમ્ બોલ્યો – ‘‘મમ્મીપપ્પાને કહી શકાય એટલું બધું મેં કહ્યું, હવે વધારે કહેવું એટલે ઝઘડો થાય, બોલ અરીહા, જીવનના આરંભમાં તને ઝઘડો ગમશે? આપણી આવી એક ઇચ્છા ખાતર મા-બાપ સાથે કાયમનો કકળાટ વહોરવો તને પસંદ છે?’’
અરીહા હવે વાસ્તવિકતા સમજી ગઇ. વિચારવા લાગી કે હવે હું વધુ પડતો આગ્રહ રાખીશ તો અમારા બે વચ્ચે ઝઘડો થશે. બંને વાતને ભૂલી જઇ આનંદથી રહેવા લાગ્યાં-અરીહાએ મનોમન નક્કી કરી લીધું જીવનમાં આવતી આવી અધૂરપની પણ મધુરપ માણવી જોઈએ. પોતાના મન પર સંયમ રાખી, પળવારમાં મનની નિરાશા, ઉદાસી બહાર ફગાવી અને બોલી ‘‘અર્હમ્, ભૂલી જા આખી વાત. આપણાં જીવનની દરેક ક્ષણ અનન્ય હશે, જિંદગીભર એકમેકના બાહુમાં પ્રેમથી રહીએ એ જ આપણું હનીમૂન!’’
દિવસો પસાર થઇ રહ્યા છે. ઘરમાં એની નણંદ પરીતા ભાઈભાભીની ઇચ્છઆને, લાગણીને સમજે છે. તે કોલેજના છેલ્લા વર્ષમાં છે. કોલેજમાં બધા ડે ઉજવાય છે. એ હોંશે હોંશે બધાની સાથે મોજમસ્તી કરે છે. એક દિવસ તે બહાનું કાઢી મિત્રો સાથે પાર્ટીમાં ગઇ, મોડું થયું – માબાપ ખૂબ જ ખીજાયાં. અરીહાએ એમને સમજાવ્યાં કે કોઇ દિવસ તો આનંદ કરે ને, તેમાં વાંધો શું? ઘરમાં હવે થોડી છૂટછાટ શરૂ થઇ-અરીહાના પ્રેમભર્યા સ્વભાવથી બધાં મુકતપણે વાતો કરતાં થયાં. એક દિવસ જયારે નણંદ પરીતાએ પ્રેમ સાથે લગ્ન કરવાની વાત કરી તો ઘરમાં ઘમસાણ મચ્યું.પરીતાને માતાપિતાએ બહુ સમજાવી પણ એકની બે ન થઇ અને કહેવા લાગી, ‘‘તમને પ્રેમની તડપ, વિરહની વેદના અને સહવાસના સૌંદર્યની કયાં ખબર છે? તમે તો અમારા પર હુકમો જ ચલાવ્યા છે, પાનખરની પીડા અને ફળફૂલનો વૈભવ બાવળિયો કયાંથી જાણે? પ્રેમ પ્રેમ જ હોય છે. ભાઈભાભીને પણ તમે કોઇ સ્વતંત્રતા આપી નથી. આધુનિક જમાનામાં દીકરાદીકરીની ખુશી શેમાં છે તે સમજવાની ઉદારતા કેળવવી પડે. નવા નવા પરણેલાં ભાભીને હનીમૂન પર જવાની કેટલી હોંશ, તમે શું કર્યું? અરે! તેઓનાં હસતાંકૂદતાં પ્રેમ પર કાતર મૂકી દીધી. તમારી ધનદોલતની છોળોને શું કરવાનું? બીજાં ઘરોમાં તો મા-બાપ કે વડીલો સામેથી બહાર ફરવા જવાની ટિકિટ લગ્નની પહેલી રાત્રે ભેટમાં આપે.
આપણી ખુશી માટે પ્રસંગે જે પૈસા કામ નહીં આવે તેનો અર્થ શું? દરેક બાબતમાં ભાઈભાભીને હંમેશ મન મારીને રહેવું પડે છે. એ તો ભાભી સારાં છે કે ભાઈને માવડિયો કહી પિયર નથી ચાલ્યાં ગયાં. કેટલી કુશળતા અને નાજુકાઈથી એમણે જિંદગીની બધી અધૂરપોને સહન કરી છે. તમારા કડકાઈભર્યા વલણથી હું પણ મારા પ્રેમી સાથે ભાગીને જ લગ્ન કરવાની હતી પણ મારા સમજુ ભાભીએ મને સમજાવીને આપ સૌની ઈજ્જત બચાવી. આ બધું કયારે શકય બને સમજણ અને પ્રેમ પરિવારમાં હોય તો…! પ્રેમ લેવાનું નહીં આપવાનું નામ છે..!
તો વાચકમિત્રો! પ્રેમ થવો સહેલો છે, નિભાવવો બહુ અઘરો છે.
બધા જ નવપરિણીતોને પરણે ત્યારે એમ જ હોય છે ‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં. ઇસ દુનિયા સે નહીં ડરેંગે હમ દોનોં.’ દુનિયાની વાત તો ઘેર ગઇ ઘરના વડીલોથી જ પહેલાં તો ડરવાનું છે. જીભાજોડી કરવાની છે. કેટલાક વડીલો ખૂબ જ પ્રેમાળ, સરળ હોય છે જયારે કેટલાક વડીલો પોતાના આગ્રહને જ પકડી રાખે પણ એવા વડીલો સામે પોતાના બધા શોખના આગ્રહને કેવો ચૂપચાપ છોડી દેતી અરિહા જેવી વહુ આજે સમાજમાં કયાં છે? પોતે સમજી ગઇ કે મારો અઢળક પ્રેમ અકબંધ રાખવો હોય તો મારાં સ્વપ્નાં ભીતરમાં દાટી દઇ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. તો મિત્રો, જીવનમાં અધૂરપતા હોવાની જ. એ અધૂરપની મધુરપ માણો. યાદ રાખો- જીવનસાથીમાં માફ કરવાની અને ભૂલી જવાની ક્ષમતા હોય તો જીવનમાં કયારેય સમસ્યા ન ઉદ્દભવે.
સુવર્ણરજ:
પ્રેમ જ સંસારની સમરસતાનો પાયો છે.

Most Popular

To Top