સુરત : મિત્રની સગાઇમાં (Engagement) હાજરી આપી મોપેડ ઉપર ત્રણ સવારી ઘરે જતા સમયે શિક્ષીકા (Teacher) તેની બહેન અને માતાને ટેન્કર (Tanker) ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં (Accident) માતાનું મોત (Death) નિપજ્યું હતું. જ્યારે શિક્ષીકા અને તેની બહેનને ઇજાઓ પહોંચી હતી. આ મામલે સચિન પોલીસ મથકે (Police Station) અજાણ્યા ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ડિંડોલી આંગણ રેસીડેન્સી સિટી વોક રોડ ખાતે રહેતા બબીતાબેન જ્ઞાનચંદ યાદવ ગોડાદરાની મારતીયા આફતીક પ્રાથમિક શાળામાં શિક્ષીકા છે. ગત 14 ઓગષ્ટે બબીતાબેન તેની બહેન અનીતા યાદવના મિત્ર અરબાઝ પઠાણની સગાઇ હોય લાજપોર ખાતે ગયા હતા. સાથે માતા શિલાબેન યાદવ (ઉ. વર્ષ 52) પણ સગાઇમાં ગયા હતા. સગાઇનો પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્રણેય માતા-પુત્રી એક્ટિવા નં. જીજે.5.કેવાય.8231 ઉપર સવાર થઇ પરત ઘરે ફરી રહ્યા હતા. દરમિયાન સચિન ગોગા મહારાજ મંદીર વાળા રોડ ઉપર રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા ટેન્કર ચાલકે બેફામ હંકારી લાવી એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં શિલાબેન નીચે પટકાતા ટેન્કરનું વ્હીલ તેમના ઉપર ફરી ગયું હતું. ગંભીર ઇજાને પગલે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે બંને પુત્રીઓને હાથ અને પગના ભાગે ઇજા થઇ હતી. બનાવ અંગે સચિન પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
નવી પારડી પાસે પિતાને ટિફિન આપવા જતાં બાઇકસવાર બે મિત્રના ટ્રક અડફેટે મોત
કામરેજ: નવી પારડી પાસે નહેરના ક્રોસિંગમાં મોટરસાઈકલને ટ્રકચાલકે ટક્કર મારી અડફેટે લેતાં પિતાને ટિફિન આપવા જતાં બંને મિત્રનું મોત નીપજ્યું હતું. કામરેજના નવી પારડી ગામે ચોર્યાસી ફળિયામાં રહેતા બળવંત કાલીદાસ વસાવા સોમવારે પીપોદરા ખાતે આવેલા મત્સ્ય ઉદ્યોગમાં મજૂરીકામ કરવા માટે ગયા હતા. બપોરે જમવાનું ટિફિન લઈ મોટો પુત્ર પીયૂષ (ઉં.વ.20) સવારે 11.30 કલાકે ગામમાં જ રહેતા મિત્ર રાજેશ રામુ વસાવા (ઉં.વ.16) સાથે મોટરસાઈકલ નં.(જીજે 05 કેટી 2429) લઈ જઈ રહ્યો હતો. ત્યારે નવી પારડી ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેરની પાસે હાઈવે ક્રોસિંગમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર શિવશક્તિ પેટ્રોલ પંપની સામે ટ્રક નં.(આરજે 49 જીએ 1605)ના ચાલકે મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી મોટરસાઈકલ સવાર બંને મિત્રને અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજા થતાં 108માં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જતાં પીયૂષને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે રાજેશને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા ટ્રકનો ચાલક ઘટના સ્થળથી થોડે દૂર મૂકીને નાસી છૂટ્યો હતો. જે અંગે મરનાર પીયૂષના પિતાએ ટ્રકચાલક સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.