National

ભારત આર્કટિક મુદ્દાઓ પર રશિયા સાથે ભાગીદારીને મજબૂત કરવા આતુર છેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે કહ્યું હતું કે ભારત આર્કટિક મુદ્દાઓ પર રશિયા (Russia) સાથે ભાગીદારીને મજબૂત કરવા આતુર છે. તેમણે એમ પણ કહ્યું કે ઉર્જા ક્ષેત્રે (Energy Sector) બંને દેશો વચ્ચે સહયોગની ઘણી સંભાવનાઓ છે. વડા પ્રધાને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના તમામ શાંતિપૂર્ણ પ્રયાસોને તેમના સંપૂર્ણ સમર્થનનો પણ ફરી વ્યક્ત કર્યો હતો.

રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના પ્લેનરી સેશનને ‘ઓનલાઈન’ સંબોધતા મોદીએ કહ્યું કે ભારત અને યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ કૂટનીતિ અને સંવાદનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેમણે કહ્યું કે અમે સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ શાંતિપૂર્ણ પ્રયાસોને સમર્થન આપીએ છીએ. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર હતા.

વડા પ્રધાને જણાવ્યું હતું કે કોકિંગ કોલસાના સપ્લાય દ્વારા રશિયા ભારતના સ્ટીલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે. પ્રતિભાઓના એક બીજાના દેશમાં આવવા-જવા માટે વધુ સારા સહયોગનો અવકાશ છે. તેમણે કહ્યું કે ભારતીય પ્રતિભાએ વિશ્વના ઘણા વિકસિત પ્રદેશોના વિકાસમાં યોગદાન આપ્યું છે. મને વિશ્વાસ છે કે ભારતીયોની પ્રતિભા અને વ્યાવસાયિકતા રશિયાના દૂર પૂર્વમાં ઝડપી વિકાસ લાવી શકે છે.

‘વસુધૈવ કુટુંબકમ’નો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે તેણે આપણને વિશ્વને એક પરિવાર તરીકે જોવાનું શીખવ્યું છે અને આજના વૈશ્વિકીકરણની દુનિયામાં વિશ્વના એક ભાગમાં બનતી ઘટનાઓ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. યુક્રેન યુદ્ધ અને કોવિડ રોગચાળાએ વૈશ્વિક પુરવઠા પ્રણાલી પર ભારે પ્રતિકૂળ અસર કરી છે. વિકાસશીલ દેશો માટે ખોરાક, ખાતર અને બળતણની અછત મુખ્ય ચિંતાનો વિષય છે. યુક્રેન યુદ્ધની શરૂઆતથી અમે રાજદ્વારી અને સંવાદના માર્ગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2019 માં ફોરમ સમિટમાં તેમની હાજરીને યાદ કરી અને કહ્યું કે ભારતે તે સમયે તેની ‘એક્ટ ફોર-ઈસ્ટ’ નીતિની જાહેરાત કરી હતી અને પરિણામે ભારતનો રશિયાના દૂર-પૂર્વ ક્ષેત્ર સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધ્યો છે. આ નીતિ હવે ભારત અને રશિયા વચ્ચે ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી’નો મુખ્ય ભાગ બની ગઈ છે. તેમણે કહ્યું કે આ મહિને વ્લાદિવોસ્તોકમાં ભારતીય કોન્સ્યુલેટની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ શહેરમાં કોન્સ્યુલેટ ખોલનાર ભારત પહેલો દેશ હતો. ત્યારથી આ શહેર અમારા સંબંધોમાં ઘણી મોટી સિદ્ધિઓનું સાક્ષી રહ્યું છે. તેમણે કહ્યું કે 2015માં સ્થપાયેલ ફોરમ રશિયન ફોર ઇસ્ટમાં વિકાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેનું એક મુખ્ય વૈશ્વિક મંચ બની ગયું છે. વડા પ્રધાને કહ્યું કે હું પુતિનને આ પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે તેમના વિઝનની પ્રશંસા કરું છું અને અભિનંદન આપું છું.

ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ કોરિડોર…
ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક સી કોરિડોરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે કનેક્ટિવિટી સુવિધા ભવિષ્યમાં અમારા સંબંધોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત આર્કટિક વિષયો પર રશિયા સાથે ભાગીદારીને મજબૂત કરવા આતુર છે. ઉર્જા ક્ષેત્રે પણ સહકારની ઘણી સંભાવનાઓ છે. ઉર્જા સાથે ભારતે દૂર પૂર્વ ક્ષેત્રમાં દવા અને હીરામાં ભારે રોકાણ કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને 2015માં આ પ્લેટફોર્મની સ્થાપના કરી હતી. તેનો હેતુ રશિયાના દૂર પૂર્વના આર્થિક વિકાસને ટેકો આપવા અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે.

Most Popular

To Top