Charchapatra

સહનશકિત ઘટવા લાગી છે

આમ જોવા જાઓ તો આપઘાત, હત્યા, ચોરી, લૂંટફાટ, ઠગાઇ, છૂટાછેડા બનાવટ વગેરેના બનાવો દિવસે દિવસે વધવા લાગ્યા. ન્યુઝ પેપરમાં વધારે ને વધારે આવા જ સમાચાર જોવા મળે છે. પરીક્ષામાં પેપર ખરાબ જાય, રીઝલ્ટ ખરાબ આવે, પતિ-પત્નીને એકબીજા જોડે નથી ફાવતું, પ્રેમી સાથે મળીને પતિની અથવા પત્નીની હત્યા. મોબાઇલ દ્વારા ડીજીટલ પૈસાની ઠગાઇ બનાવટ. આવી ઘણી બાબતોથી આત્મહત્યાના કેસ વધવા લાગ્યા છે. કેમકે કોઇનામાં આજકાલ સહનશકિત જ નથી. નાની નાની વાતોમાં અથવા થોડું જ દુ:ખ આવી જાય એટલે આવાં મોટાં પગલાં ભરી દેવાં, આ કેવું? કોઇને એટલું બધું શું કામ મહત્ત્વ આપો કે એને લીધે આપણે આપણું જીવન ટુંકાવી દેવાનું.

બધા જ પ્રકારનાં સુખ હોવા છતાં પણ ઘણાં પોતાના મનથી જ દુ:ખી જોવા મળે છે અને ડીપ્રેશનનો ભોગ બને છે. બાકી આમ જોવા જાવ તો પહેલાંના જમાનામાં હાલમાં જે સુખી છે તેમાંનું જ ન હોવા છતાં જિંદગી જીવી જાણતાં હતાં. હવે તો બધી જ સગવડ પણ સહનશકિત ઓછી હોવાથી ગમે તેવાં પગલાં લઇ લે. જેથી માતા પિતા પોતાનાં છોકરાંઓને પણ કંઇ સમજાવતાં ગભરાય છે અને શિક્ષક પણ વિદ્યાર્થીઓને કહેતાં અચકાય છે. બધી જ સગવડ પહેલાંથી મળતાં તેના આદિ બની જતાં બાળકો થોડી પણ તકલીફ સહન નથી કરી શકતાં.
સુરત              – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભ્રષ્ટાચાર સામે લેવાતાં પગલાં આશા જગાડે છે
દેશમાં થઇ રહેલા ભ્રષ્ટાચારો સામે કેન્દ્ર સરકાર દ્વારા અતિ ઉચ્ચ અધિકારીઓ પર લેવાયેલ નીચેનાં નોંધપાત્ર કડક પગલાંઓ આવકાર્ય હોઇ અભિનંદનને પાત્ર છે. હવે તો સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પણ ચુકાદો આપતાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કોઇ સરકારી કર્મચારીને દોષિત ઠેરવવા માટે લાંચ માંગવાના સીધા પુરાવાની જરૂર નથી અને આવી માંગને પરિસ્થિતિજન્ય પુરાવાઓથી પુરવાર કરી શકાય છે.

1. સીબીઆઈએ 3250 કરોડ રૂપિયાની વિક્રમ રકમના લોન કૌભાંડમાં વિડીયોકોન કંપનીના વેણુગોપાલની ધરપકડ કરેલ છે. આ લોન કૌભાંડમાં આઇસીઆઇસી બેન્કના પ્રભાવી ભૂતપૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. 2. સીબીઆઇએ દેશના ભૂ.પૂ. નાણાં સચિવ અરવિંદ માયારામને ત્યાં દરોડા પાડીને કેસ નોંધેલ છે. દેશની ચલણી નોટના સિકયોરીટી થ્રેડમાં કલર શિહરીગના છાપકામને લઇને કરવામાં આવેલ ભ્રષ્ટાચારના સંદર્ભમાં આ કેસ કરવામાં આવેલ છે.

3. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને દસ લાખ રૂપિયાની લાંચમાં સીબીઆઇએ ઝડપેલ હતા. આ કેસમાં સીબીઆઇએ મિશ્રાનાં પત્ની અને પુત્રી વિરુધ્ધ પણ ગુનો નોંધેલ છે. 4. રેલવે તંત્રના ભુવનેશ્વર ખાતેના પૂર્વ પ્રિન્સીપાલ મુખ્ય કમર્શીયલ મેમ્બર પ્રમોદકુમાર જેનોન ત્યાંથી સીબીઆઇએ વિક્રમ એવી 15.7 કરોડ રૂપિયાની રોકડ અને અધધ કહી શકાય તેવુ 17 કિલોગ્રામ સોનું ઝડપીને ગુનો નોંધેલ છે. 5. સીબીઆઇએ 50 લાખ રૂપિયાની લાંચ લેવા માટે ગૌહાતીમાં ભારતીય રેલવેના એડીઆરએમ જીતેન્દ્ર પાલ અને અન્યોને ઝડપીને કેસ નોંધેલ છે.

દેશમાં ભ્રષ્ટાચારો રોકવા માટે દેશના સેન્ટ્રલ વિજીલન્સ કમિશને જાહેર ક્ષેત્રની બેન્કો, વિમા કંપનીઓ અને કેન્દ્ર સરકારના વિભાગોને ભ્રષ્ટાચારના કેસોની તપાસમાં નિવૃત્ત કર્મચારીઓને સામેલ નહીં કરવા આપેલ આદેશ અભિનંદનીય છે. નિવૃત્ત કર્મીઓ પર શિસ્ત ભંગના નિયમો લાગુ પડતા નહીં હોવાથી આવો આદેશ આપેલ છે જે કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર સામેની લડાઇની પ્રતિબધ્ધતા સાબિત કરે છે. કેન્દ્ર સરકારની જેમ રાજય સરકારોએ પણ ભ્રષ્ટાચારો સામે ત્વરિત કડક પગલાંઓ લેવાની પણ હવે જરૂર બનેલ છે.
અમદાવાદ                  – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top