SURAT

સુરત: દબાણ કરનારાને દંડ કરો, પણ દબાણ કરાવનારાને પાસે ડબલ દંડ વસૂલો

સુરત: (Surat) શહેરમાં દબાણની (Encroachment) સમસ્યા દૂર કરવા માટે દબાણ કરનાર સાથે દબાણ કરાવનાર દુકાનદારોને પણ દંડ કરવામાં આવે તો સમસ્યાનો ઝડપી ઉકેલ આવી શકે છે. આથી આવા દુકાનદારો (Shop keepers) સામે પણ કાર્યવાહી કરવા સ્થાયી સમિતિની મીટિંગ દરમિયાન સભ્ય ચીમન પટેલે રજૂઆત કરી હતી. અનેક વિસ્તારમાં જ્યાં દબાણની સૌથી વધુ સમસ્યા છે તેવા વિસ્તારમાં દુકાનદારો પોતાની દુકાન આગળ દબાણ કરનારા પાસે ભાડું વસૂલે છે. આથી દબાણને પ્રોત્સાહન મળે છે. જેથી દબાણ માટે પ્રોત્સાહન આપનાર પાસે ડબલ દંડ વસૂલવા માટે માંગ કરવામાં આવી છે.

ચૌટા બજાર, કતારગામ, બરોડા પ્રિસ્ટેજ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં દુકાનોની આગળ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દબાણ કરવા પાછળ જેટલા જવાબદાર દબાણ કરનારા છે તેના કરતાં વધુ જવાબદાર દુકાનદારો છે. દુકાનદારો પાલિકાની ફૂટપાથ પર કે રોડ પર દબાણ કરાવે છે અને તેની પાસે તગડું ભાડું વસૂલે છે. જેના કારણે આ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આથી ચીમન પટેલે રજૂઆત કરી હતી કે, કેટલાક દુકાનદારો પોતાની દુકાન આગળ પાલિકાની ફૂટપાથ કે રોડ પર દબાણ કરનારાઓને ઊભા રાખે છે અને તેમની પાસે તગડું ભાડું વસૂલે છે તેવા દુકાનદારો પાસે દબાણ કરનારા કરતાં ડબલ દંડ વસૂલ કરવો જોઈએ.

આવા પ્રકારની કામગીરી સતત કરવામાં આવે અને જે દુકાનદારો દબાણ કરાવવા માટે જવાબદાર છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો દબાણની સમસ્યાનો ઝડપથી અને સરળ નિરાકરણ થઈ શકે છે. પાલિકાએ એક નીતિ બનાવીને જે વિસ્તારોમાં દબાણ થાય છે તે દુકાનદારોને નોટિસ આપવી જોઈએ. અને ત્યાર પછી પણ દબાણ થાય તો દુકાનદારને દંડ વસૂલીને પાલિકાએ દબાણ દૂર કરવા માટે દાખલો બેસાડવો જોઈએ.

Most Popular

To Top