વલસાડ: (Valsad) ગુજરાત સરકારની આઉટ સોર્સિંગની નિતી સામે વિરોધ થઈ રહ્યો છે, એવા સમયમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો બે મહિનાનો પગાર નહીં થતા બળતામાં ઘી હોમાયું છે. જેના કારણે ગુજરાતના અધિકારીઓની બેદરકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉજાગર કરવા 12 જાન્યુ.એ વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે જ માસ સીએલ તેમજ આઉટ સોર્સિંગની નિતીનું બેસણું યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
- બે મહિનાનો પગાર નહીં થતા કર્મચારીઓને ગુજરાન ચલાવવાના ફાંફા
- ગુજરાતના અધિકારીઓની બેદરકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉજાગર કરવા યોજાશે બેસણું
- ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા એસ્ક્રો એકાઉન્ટ મારફતે પગાર ચુકવવા આરોગ્ય કમિશનરને દસ તારીખ સુધીનું અલ્ટીમેટમ
જે અન્વયે આરોગ્ય વિભાગના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ સફેદ વસ્ત્રો પહેરીને વલસાડ જ્લ્લા પંચાયત કચેરીમાં એક દિવસ માટે ધરણાં કરી આ શોષણભરી નિતીનો વિરોધ કરશે. ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર એસ્ક્રો એકાઉન્ટ મારફતે ચુકવવા આરોગ્ય કમિશનરને દસ તારીખ સુધીનું અલ્ટીમેટમ આપી દેવાયું છે. પ્રમુખ રજનીકાંત ભારતીયએ જણાવ્યું કે, રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર એજન્સીઓના કોન્ટ્રાક્ટ પુરા થઈ ગયા હોવાથી 6 જાન્યુઆરી સુધી તમામ એજન્સીઓના કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો અને નવેમ્બર મહિનાનો પગાર એસ્ક્રો એકાઉન્ટ મારફતે જ ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો. આ એસ્ક્રો એકાઉન્ટ ખોલવામાં માત્ર ચારથી પાંચ દિવસ લાગે એમ હોવા છતાં અધિકારીઓની બેદરકારીના કારણે હજી સુધી એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની કામગીરી પુર્ણ થઈ નથી. જેના કારણે નવેમ્બર અને ડિસેમ્બર માસનો પગાર નહીં થતા કર્મચારીઓને ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે.
ખુદ ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના પગાર સમયસર નહી ચુકવનાર હોસ્પિટલો અને સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કરાયા હોવા છતાં બે માસના પગારમાં વિલંબ બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. આમ આ આદેશો ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવા જ કરવામાં આવતા હોવાનું જણાઈ આવે છે. છતાં છેલ્લી તક રૂપે 10 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો ત્યાં સુધી તમામ કર્મચારીઓનો પગાર નહી થાય તો આગામી 12 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી સફેદ વસ્ત્રો સાથે જીલ્લા પંચાયતે ધરણાં પ્રદર્શન કરી આઉટસોર્સિંગની નિતીનું બેસણું યોજી વિરોધ નોંધાવશે.