નડિયાદ: નડિયાદ શહેરના બસમથકમાં છેલ્લાં ઘણાં સમયથી મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. જોખમી ખાડાઓને પગલે મુસાફરો તેમજ બસચાલકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. તેમછતાં તંત્ર દ્વારા આ જોખમી ખાડા પુરવાની તસ્દી લેવામાં આવતી નથી. ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરનાં બસમથકમાં છેલ્લાં ઘણાં વર્ષોથી રસ્તો બનાવવામાં આવ્યો જ નથી. જેને પગલે દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન બસમથકમાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય છે. જો ઉગ્ર રજુઆતો થાય તો તંત્ર દ્વારા ખાડા પુરવામાં આવે છે.
નહીં તો જે તે સ્થિતીમાં જ આખું ચોમાસું વીતી જાય છે. ચોમાસા બાદ નવો રસ્તો બનાવવાને બદલે તંત્ર દ્વારા માત્ર ખાડાઓ પુરી સંતોષ માનવામાં આવે છે. જેને પગલે ફરી ચોમાસાની સિઝન આવે એટલે પુન: એ જ ઘટનાક્રમ ચાલે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી આવતો આ ઘટનાક્રમ ચાલુ વર્ષે પણ જોવા મળ્યો હતો. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ બસમથકમાં વિશાળ કદના જોખમી ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મુસાફરોને બસમાં ચઢવા-ઉતરવાની તકલીફ પડી રહી છે.
તદુપરાંત બસની અવરજવરથી ખાડા ભરાઈ રહેલું ગંદુ પાણી છેક પ્લેટફોર્મ સુધી ઉડતું હોવાથી મુસાફરોના કપડાં પણ બગડી રહ્યાં છે. તેમજ ખાડામાંથી પસાર થતી વખતે બસમાં થતી ઉછળકુદને પગલે તેમાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હોવાના કિસ્સા પણ સામે આવ્યાં છે. આટઆટલી દેખીતી સમસ્યાં હોવાછતાં નઘરોળ તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી કરવામાં આવતી નથી. જેને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.