નડિયાદ: માત્ર છ મહિનાના ટુંકા ગાળામાં જ ખેડા પંથકમાં ભારે લોકચાહના મેળવનાર ખેડા ટાઉન પોલીસમથકના સેવાભાવી પી.આઈ આર.એન.ખાંટની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જે દરમિયાન સમગ્ર સ્ટાફ ઉપરાંત ખેડા પંથકના રહીશો ભાવવિભોર બન્યાં હતાં. ખેડા ટાઉન પોલીસમથકમાં છ મહિના અગાઉ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આર.એન.ખાંટને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ છ મહિના દરમિયાન તેઓએ દાયરામાં આવતાં કામો ઉપરાંત અનેક સેવાકીય તેમજ જનહિતના કામો પણ કર્યાં હતાં.
જેને પગલે માત્ર છ મહિનાના ટુંકા ગાળામાં જ પી.આઈએ ભારે લોકચાહના મેળવી લીધી હતી. એવામાં એકાએક તેઓની બદલી કરી દેવામાં આવતાં સૌ કોઈમાં નારાજગી વ્યાપી હતી. અનેક લોકોએ પીઆઈની બદલી રોકવા માંગ પણ કરી હતી. જોકે, સરકારી નોકરીઓમાં બદલી થવી એ સિસ્ટમનો એક ભાગ છે અને તેમાંથી દરેક અધિકારી, કર્મચારીઓએ ફરજીયાત પસાર થવું જ પડે છે. જેને શિરોમાન્ય રાખી શુક્રવારના રોજ પી.આઈ આર.એન.ખાંટનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસમથકમાંથી વિદાય લઈ રહેલાં પી.આઈ આર.એન.ખાંટ ઉપર પોલીસકર્મીઓ, ટી.આર.બી જવાનો તેમજ હોમગાર્ડ જવાનોએ ફુલોની પાંખડીઓ વરસાવી, ભાવભીની વિદાય આપી હતી. પોલીસમથકેથી ખુલ્લી જીપમાં પી.આઈનો રોડ-શો પણ યોજવામાં આવ્યો હતો.
જે સરદારચોક, મહારાણાપ્રતાપ સર્કલે થઈ એક ખાનગી હોટલે પહોંચ્યો હતો. જ્યાં હોટલના હોલમાં વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. ખેડાના મામલતદાર અગરસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલાં આ કાર્યક્રમમાં ખેડાના સેકન્ડ પી.એસ.આઈ કટારા પોતાના આંસુ રોકી શક્યાં ન હતાં. તેઓએ પી.આઈ આર.એન.ખાંટ સાથે કરેલાં કામોના સંસ્મરણો વાગોળ્યાં હતાં અને તેમની કામગીરીને યાદ કરી હતી. જે બાદ પી.આઈ અને પી.એસ.આઈ એકબીજાને ભેટીને રીતસરના રડી પડ્યાં હતાં. આ દ્દશ્ય જોઈ હોલમાં હાજર તમામ લોકોની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં.
છ મહિનાના દરમિયાન સાથ-સહકાર આપવા બદલ પી.આઈ આર.એન.ખાંટે ખેડા ટાઉન પોલીસમથકના સ્ટાફ તેમજ ખેડાપંથકની પ્રજાનો આભાર માન્યો હતો. તેમજ સુખમાં યાદ ના કરશો તો ચાલશે પણ દુખમાં મને ચોક્કસ યાદ કરજો, હું તમારી પડખે આવીને ઉભો રહીશ અને તમામ મદદ કરીશ તેવી ખાત્રી પણ આપી હતી.