સુરત : સરથાણા જકાતનાકા પાસે પૂણા સીમાડા રોડ પર સંગના સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અંકુરભાઇ વિનુભાઇ બાગુભાઇ ગોરાસીયા એમ્બ્રોડરી (Embroidery) જોબવર્કનુ (Job Work) મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા પૂણા પોલીસ (Police) સ્ટેશનમાં ઓમકાર ફેશનના પ્રોપરાઇટર સંજુદેવી અભિજીત સિંગ (અવધ ટેક્ષટાઇલ માર્કેટ દુકાન નંબર.સી/૫૩૯ સરદાર માર્કેટ પાસે પૂણા) ની સામે છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2020 થી 7 સપ્ટેમ્બર 2022 સુધીમાં ઓમકાર ફેશનના પ્રોપરાઇટર સંજુદેવીએ અંકુરભાઈ પાસેથી કુલ 7.39 લાખનો ચણીયા ચોળીના માલ પર એમ્બ્રોડરીના જોબવર્કનું મજુરી કામ કરાવ્યું હતું.
5.19 લાખની માંગણી કરતા આજદિન સુધી નહી આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી
જેમાંથી 50 હજાર ચુકવી આપ્યા હતા. અને બીઓબીના 2.52 લાખના બે ચેક આપ્યા હતા. આ બંને ચેક બેલેંસ નહી હોવાના કારણે બેંકમાંથી પરત આવ્યા હતા. જેથી અંકુરભાઈએ એમ્બ્રોડરી જોબવર્કના મજુરીના બાકી નિકળતા રૂપિયા 5.19 લાખની માંગણી કરતા આજદિન સુધી નહી આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
ટ્રાન્સપોર્ટ વાહનની લોન નહીં ભરી ચેક રિટર્ન કરાવનાર ડ્રાઇવરને 1 વર્ષની કેદ
સુરત : પ્રાઇવેટ ફાયનાન્સ કંપનીમાંથી ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે લોન લીધા બાદ તેના હપ્તા નહીં ભરી ચેક રિટર્ન કરાવનાર આરોપીને કોર્ટે 1 વર્ષની સજા કરી હતી.આ કેસની વિગત અનુસાર સુરતની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી ભેસ્તાન સ્કુલ ફળીયામાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા મનીષ જગદીશ પટેલે ટ્રાન્સપોર્ટ વ્હીકલની લોન લીધી હતી. જેમાં કંપનીની શરતોને આધીન મનીષ પટેલને લોન આપવામાં આવી હતી. તે મુજબ મનીષ પટેલે હાઇપોથીકેશનની વાહન ખરીદ્યું હતું. જોકે લોનના હપ્તા નિયમિત નહીં ભરી શક્તા તેને નોટીસ પાઠવવામાં આવી હતી. દરમિયાન કાયદેસરના નાણા ચુકવવાની નોટીસ મનીષ પટેલને મળતા તેણે સને 2018માં સુરત નેશનલ કો.ઓ.બેંક ભેસ્તાન શાખાનો રૂ.5.20 લાખનો ચેક આપ્યો હતો. જોકે આ ચેક અપુરતા નાણાને કારણે પરત થયો હતો. જેથી કોર્ટમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના વકીલે ચેક રિટર્નનો કેસ કરવામાં આવતા કોર્ટે આરોપી મનીષ જગદીશ પટેલને 1 વર્ષની કેદ અને ચેક રિટર્ન થયો ત્યારથી 9 ટકા વાર્ષિક વ્યાજ સહિત ફરિયાદીને વળતર ચુકવી દેવા હુકમ કર્યો હતો.