Comments

એલોન મસ્ક ભારે બદનામ થઈને ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ છોડી રહ્યા છે

ગુજરાતીમાં કહેવત છે કે લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. સમૃદ્ધ એવી ગુજરાતી ભાષામાં જ બીજી કહેવત છે કે જે દેશનો રાજા વેપારી, તેની પ્રજા ભિખારી. આ બંને કહેવતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વેપારી મિત્ર એલોન મસ્કને લાગુ પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક વેપારીમાંથી રાજકારણી બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે ચીન અને ભારત સહિતના દેશો સામે ટ્રેડ વોરનું રણશિંગું ફૂંકી દીધું છે, જેને કારણે અમેરિકાનું અર્થતંત્ર અને તેની સાથે સાથે એલોન મસ્કનું આર્થિક સામ્રાજ્ય હચમચી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વેપારીમાંથી રાષ્ટ્રપતિ બન્યા એટલું ઓછું હોય તેમ તેમણે પોતાના સફળ વેપારી મિત્ર એલોન મસ્કને રાજકારણી બનાવ્યા અને તેમને સરકારના ખર્ચા ઘટાડવાની મહત્ત્વની પણ જોખમી જવાબદારી સોંપી.

એલોન મસ્ક તેમના કડક નિર્ણયોને કારણે સરકારના ખર્ચા ઘટાડવામાં તો સફળ રહ્યા, પણ તેને કારણે જેમની નોકરીઓ ગઈ હતી તેઓ તેમના દુશ્મન બની ગયા. પોતાની હતાશા ઠાલવવા તેમણે એલોન મસ્કની ટેસ્લા કંપનીની ઇલેક્ટ્રિક કારો જ્યાં દેખાય ત્યાં બાળવાનું શરૂ કર્યું, જેને કારણે એલોન મસ્ક ગભરાઈ ગયા કે પ્રજાના આ રોષને કારણે ક્યાંક તેમનું વેપારનું સામ્રાજ્ય ધ્વસ્ત ન થઈ જાય. ભારે હૈયે તેમણે સરકારમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. વાતનો સાર એટલો જ છે કે જેણે વેપાર કરવો હોય તેણે કદી સરકારમાં જોડાવું જોઈએ નહીં અને જેમણે સરકાર ચલાવવી હોય તેમણે કદી વેપારમાં માથું મારવું જોઈએ નહીં. આપણા મહાજનો શાણા હતા કે તેઓ રાજાને જરૂર હોય તો રૂપિયા ધીરતા, પણ રાજકારણમાં માથું મારતા નહીં.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નજીકના ભવિષ્યમાં મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં તેમના સુપર પાર્ટનર તરીકે ઉભરી આવેલા એલોન મસ્ક અને તેમની ટીમના સભ્યો તેમને છોડીને જવાના છે. એલોન મસ્ક મે મહિનાના અંત સુધીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ખાતેના તેમના પદ પરથી રાજીનામું આપે તેવી અપેક્ષા છે. તેઓ અમેરિકાની ખાધને ૧ ટ્રિલિયન ડોલર સુધી ઘટાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. DOGE ના વડા એલોન મસ્કને ૧૩૦ દિવસ માટે ખાસ સરકારી કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

DOGE ના વડા તરીકે મસ્ક દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે લોકોનો ગુસ્સો વધ્યો છે. વિરોધીઓનો આરોપ છે કે મસ્કે તેમના વિભાગ હેઠળ કામ કરતાં લોકોની સંવેદનશીલ માહિતી મેળવી છે અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનું કારણ આપીને ઘણી મહત્ત્વપૂર્ણ એજન્સીઓ બંધ કરી દીધી છે. આ નિર્ણયોને કારણે હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને લાખો લોકોને અસર થઈ છે. આનાથી લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે, જે હવે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનના સ્વરૂપમાં બહાર આવી રહ્યો છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં મસ્ક વિરુદ્ધાનાં પ્રદર્શનો વધુ તીવ્ર બન્યાં છે. શનિવારે હજારો વિરોધીઓ અમેરિકા, બ્રિટન અને જર્મનીના રસ્તાઓ પર ઊતરી આવ્યાં હતાં અને તેમણે મસ્કની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ટેસ્લા કારને પણ નિશાન બનાવવામાં આવી હતી અને ઘણાં વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

એલોન મસ્ક સામેનો ગુસ્સો એટલો વધી ગયો છે કે ટોળાંએ ટેક્સાસ, ન્યુ જર્સી, મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટ, ન્યુ યોર્ક અને મિનેસોટા જેવાં અમેરિકન રાજ્યોમાં ટેસ્લાના શો રૂમ અને ડીલરશીપ સેન્ટરો પર હુમલો કર્યો હતો. શનિવારે અમેરિકામાં ૨૭૭ ટેસ્લાના શો રૂમ અને સર્વિસ સેન્ટરો પર વિરોધીઓએ પ્રદર્શન કર્યું હતું. તેઓએ ઘણી ટેસ્લા કારમાં તોડફોડ કરી અને તેમાંથી કેટલીકને આગ પણ લગાવી દીધી હતી. વિરોધીઓ ટેસ્લાને બાળો, લોકશાહી બચાવો, મસ્કથી અમેરિકાને મુક્ત કરો અને નાઝી કાર ન ખરીદો જેવાં પોસ્ટરો પકડીને રસ્તા પર ઊભા હતા. મસ્કના નિર્ણયો માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ બ્રિટન અને જર્મની જેવા દેશોમાં પણ ગુસ્સો ફેલાવી રહ્યા છે. બ્રિટનમાં વિરોધીઓએ નાદાર એલન મસ્ક અને નાઝી કાર ન ખરીદો જેવા નારા લગાવ્યા હતા. કેટલાક વિરોધીઓએ અહીં ટેસ્લા કારને પણ આગ ચાંપી દીધી હતી.

ટેસ્લા કાર પરના હુમલા વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ઉપરના હુમલા છે. અમેરિકાનાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને કાંઈ કરી શકતા નથી માટે તેઓ પોતાની હતાશા ટેસ્લા કાર પર ઠાલવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિ અને અર્થનીતિ સામેનો આ મોટો પડકાર છે. ટેસ્લા પરના હુમલાઓથી ચિંતિત મસ્કે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. ઇન્ટરવ્યુમાં તેમણે DOGE, ટેસ્લા પરના હુમલા, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેન વિશે વાત કરી હતી.

આ ઇન્ટરવ્યૂ X પર શેર કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે DOGE સરકારનાં ધોરણો અનુસાર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. સરકારી ડેટાબેઝમાં સુધારો કરવો ખૂબ જ મુશ્કેલ છે. પેન્ટાગોન દર વર્ષે ૩૦ અબજ ડોલર ગુમાવે છે, પરંતુ કોઈ તેનો હિસાબ રાખતું નથી. અમારું લક્ષ્ય દરરોજ ૪ અબજ ડોલરનો બગાડ ઘટાડવાનું છે. અમે અઠવાડિયાના સાતેય દિવસ કામ કરીએ છીએ. જો આ કાર્યમાં અમને સફળતા નહીં મળે તો મેક અમેરિકા ગ્રેટ અગેઇનનું જહાજ ડૂબી જશે.

વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એલોન મસ્ક પાસે અંદાજિત ૩૪૦ અબજ ડોલરની સંપત્તિ છે, જેનો સૌથી મોટો હિસ્સો ટેસ્લા કંપનીના શેરમાંથી આવે છે. આવી સ્થિતિમાં મસ્કની નીતિઓ અને ટેસ્લાની કારો પ્રત્યે વધી રહેલી નારાજગી તેમના વ્યવસાય અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. હકીકતમાં, જ્યારથી તેમના નજીકના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેમની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો આપણે ફક્ત છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ તો એલોન મસ્કની સંપત્તિમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલો ઘટાડો થયો છે. ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી ઘણી મોટી બ્રાન્ડના માલિક એલોન મસ્કની કુલ સંપત્તિમાં ૯૫.૪ અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ રકમ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે.

યુરોપમાં ટેસ્લાના વેચાણમાં ૪૦%નો ઘટાડો થયો છે. જર્મનીમાં, આ સંખ્યા ૭૦% ઘટી છે, જ્યારે EV નું વેચાણ વધી રહ્યું છે. યુક્રેન પર ટ્રમ્પનો યુરોપ સાથે વિશ્વાસઘાત, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કીનું અપમાન, પુતિન (જેમને યુરોપ પોતાનો દુશ્મન માને છે) સાથે ટ્રમ્પનો સંબંધ, ફેબ્રુઆરીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં વાન્સ દ્વારા યુરોપિયન લોકશાહીની ટીકા, આ બધાએ ટેસ્લા કાર માટેની યુરોપની ભૂખ મરી ગઈ છે. ટેસ્લાની સ્વીડિશ ફેક્ટરીમાં યુનિયનના વિરોધમાં મસ્કના વિરોધથી સ્કેન્ડિનેવિયનો ગુસ્સે છે. યુનિયન અને સામુહિક સોદાબાજીમાં અવરોધોને ફક્ત મજૂર અધિકારોનું જ નહીં, પણ યુરોપિયન સંસ્કૃતિનું પણ અપમાન માનવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઉદ્યોગપતિ એલોન મસ્કે ટેસ્લાની મિલકતો પરના હુમલાઓને આતંકવાદ ગણાવ્યા છે. અમેરિકાનાં એટર્ની જનરલ પામેલા બોન્ડીએ જણાવ્યું હતું કે ટેસ્લા કાર ડીલરશીપ અને ચાર્જિંગ સ્ટેશનો પર આગ લગાડવાના હુમલાઓના સંદર્ભમાં ત્રણ લોકો પર આરોપો છે. આ હુમલાઓમાં મોલોટોવ કોકટેલ જેવા વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે ટેસ્લાનાં વાહનો અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો આ આરોપીઓ દોષિત ઠરે છે, તો તેમને ૫ થી ૨૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. બોન્ડીએ કહ્યું કે જે કોઈ ટેસ્લાની મિલકત પર હુમલો કરશે તેને જેલમાં જવું પડશે.

અબજોપતિ ઉદ્યોગપતિએ ૨૦ માર્ચે ટેસ્લાનાં કર્મચારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનો તેમની કંપનીને નુકસાન પહોંચાડી શકે નહીં અને ટેસ્લા મોડેલ વાય આ વર્ષે ફરીથી વિશ્વમાં સૌથી વધુ વેચાતી કાર બનશે. મસ્કે કહ્યું હતું કે ક્યારેક મુશ્કેલીઓ ઊભી થાય છે, પરંતુ ભવિષ્ય ઉજ્જવળ અને રોમાંચક છે. જો કે, ટેસ્લાનાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટેસ્લાના વિશ્લેષક ડેન ઇવ્સ કહે છે કે મસ્કે આ કટોકટીનો સામનો કરવો જ જોઇએ, નહીં તો ટેસ્લાની બ્રાન્ડ વેલ્યુને નુકસાન થઈ શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top