સુરત(Surat): રાજ્યની અન્ય બેઠકોની સાથે દ.ગુ.ની (SouthGujarat) સુરત, ભરૂચ(Bharuch), નવસારી (Navsari), બારડોલી (Bardoli) તેમજ વલસાડ (Valsad) લોકસભાની (Loksabha) બેઠક માટે પણ ચૂંટણીનું (Election) જાહેરનામું (Notification) આજે બહાર પાડવામાં આવશે.
જાહેરનામું બહાર પડતાની સાથે જ ચૂંટણીનો માહોલ ગરમ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જોકે, ઉમેદવારો ચૂંટણીનું ફોર્મ ભરવા માટે ભૂતકાળની જેમ સરઘસ કાઢીને નહીં જઈ શકે. માત્ર 3 જ વાહનો લઈ જવાની પરવાનગી ચૂંટણી પંચ (Election Commission) દ્વારા આપવામાં આવી છે. કચેરી સ્થળે પણ ઉમેદવારો રેલી, સરઘસ કે પછી સભા કરી શકશે નહીં.
- ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણી માટે ઉમેદવારી કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવશે
- ઉમેદવારો સાથે માત્ર 3 જ વાહન લાવવાની છૂટ, કચેરીમાં રેલી-સરઘસ કે સભા પર પ્રતિબંધ
સુરત બેઠક માટે સુરત જિલ્લા કલેક્ટરેટ દ્વારા આજે તા.૧૨-૦૪-૨૦૨૪ના રોજ સુરત અને બારડોલી લોકસભા મતવિસ્તારની ચૂંટણી અંગેની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ નોટિસમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનું સ્થળ – સરનામું, ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખ અને સમય, ઉમેદવારી પત્ર જે અધિકારીને રૂબરૂમાં રજુ કરવાનું છે, તે અધિકારીનું નામ અને કચેરીની વિગત વિગેરે દર્શાવવામાં આવી હશે. જે નોટિસ બોર્ડ ઉપર તેમજ અન્ય નિશ્ચિત કરેલા જાહેર સ્થળે પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવાર પોતે અથવા દરખાસ્ત કરનાર પૈકી કોઈ એક ઉમેદવારી પત્ર મોડામાં મોડું તારીખ ૧૯-૦૪-૨૦૨૪ના રોજ બપોરના ત્રણ વાગ્યા પહેલા રજૂ કરી શકશે.
ઉમેદવારના ટેકેદારો જે તે લોકસભા બેઠકના મતદારો હોવા જોઈએ
જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ જ્યારે કોઈ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા આવે ત્યારે પોતાની સાથે વધુમાં વધુ ચાર વ્યક્તિને જ સાથે લાવી શકે. આ કચેરીના ૧૦૦ મીટર ની ત્રિજ્યામાં ૩ કરતા વધુ વાહનો ઉમેદવાર લાવી શકતા નથી. માન્ય રાજકીય પક્ષ માટે એક જ ટેકેદારની જરૂર છે. માન્ય રાજકીય પક્ષ એટલે કે રાષ્ટ્રીય પક્ષો માંથી એક અથવા સંબંધિત રાજ્યના માન્ય રાજ્ય પક્ષોમાંથી એક આ સિવાયના ઉમેદવારો માટે ૧૦ ટેકેદારો ફરજિયાત છે અને આ તમામ ટેકોદારો ઉમેદવાર જે લોકસભા મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવે છે તે જ મતવિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલા હોવા જરૂરી છે. અન્ય રાજ્યોમાં માન્ય રાજકીય પક્ષ હોય તો પણ અન્ય રાજ્યમાં માન્ય પક્ષો દ્વારા ઊભા રાખેલા ઉમેદવાર અનામત પ્રતિકનો ઉપયોગ કરવા રાહત આપી હોવા છતાં ૧૦ ટેકેદારોનું સમર્થન જરૂરી છે.
ઉમેદવારોને ફોર્મ ભરવામાં મદદ માટે પાંચ પ્રકારના હેલ્પડેસ્ક પણ તૈયાર કરાશે
ઉમેદવારને ફોર્મ ભરવાનું સંપૂર્ણ માર્ગદર્શક મળી રહે તેમ જ કાયદાકીય જોગવાઈની જાણકારી મળી રહે, તે માટેનું તમામ સાહિત્ય પૂરું પાડવામાં આવશે સાથે સાથે ઉમેદવારી પત્ર સાથે રજુ કરવાના થતા બીડાણ ના પુરાવા-પ્રમાણપત્ર-શપથ-સોગંદનામાં સહિતની એક યાદી ચેકલિસ્ટના સ્વરૂપમાં આપવામાં આવશે, જેથી કરીને ઉમેદવાર સરળતાથી કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર ઉમેદવારી પત્ર ભરી શકે અને જરૂરી પુરાવા કે પ્રમાણપત્ર ઉમેદવારી એટલે કે નામાંકન પત્ર સાથે જોડી શકે.
ઉમેદવારને જરૂરી એવા તમામ પ્રકારના ફોર્મ કે અન્ય નમૂના ના ફોર્મ, જરૂરી રજીસ્ટરો, ચૂંટણી અધિકારી સાથે નિયત નમુનામાં કરવાના થતા જાણકારી ના પત્ર વ્યવહાર, જરૂરી ફોર્મ્સના નમૂના વિગેરેની અલગ ફાઇલ જે માત્ર માર્ગદર્શનના રૂપમાં ઉમેદવારી પત્ર સાથે આપવામાં આવશે.
ઉમેદવાર જ્યારે ઉમેદવારી પત્ર એટલે કે નામાંકન પત્ર રજૂ કરવા આવે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પાંચ અલગ અલગ પ્રકારના હેલ્પ ડેસ્ક એટલે કે મદદનીશ કાઉન્ટર ગોઠવેલા હશે.
ઉમેદવારોને શું શું લેખિતમાં અપાશે?
ઉમેદવાર સૌથી પહેલા જ્યારે કોરું ઉમેદવારી પત્ર લેવા આવ્યા હશે ત્યારે તેને તમામ પ્રકારની માર્ગદર્શન સામગ્રી, અન્ય ચૂંટણી સાહિત્ય આપેલું હશે. તે મુજબ ફોર્મની પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર સ્વીકાર્યા બદલ ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્ર ની પહોંચ આપવામાં આવશે,જે કે નોટિસમાં ઉમેદવાર/દરખાસ્ત કરનારની સહીઓ લેવામાં આવશે. તેની સાથે સિક્યુરિટી ડિપોઝિટ ભર્યાની પહોંચ.
ચૂંટણી ખર્ચ બાબતે ઉમેદવારને તાલીમ લેવાની જાણ કરતો પત્ર. ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ સ્થળ અને સમય. ઉમેદવારને પ્રતિક ફાળવણી બાબતની તારીખ, સ્થળ અને સમયની જાણ કરતો પત્ર. જો કોઈ ઉમેદવારી પત્રમાં કોઈ પ્રમાણપત્ર કે પુરાવા ઘટતા હશે તો તેની જાણ કરતો પત્ર વિગેરે રૂબરૂમાં આપી ચૂંટણી અધિકારી રૂબરૂ તમામ પત્રો/નોટિસ કે પહોંચ પર ઉમેદવાર/દરખાસ્ત કરનાર રૂબરૂ મળ્યા બદલ ની સહી લેવામાં આવશે.
ઉમેદવારીપત્ર પોસ્ટ કે અન્ય કોઇ માધ્યમથી નહીં ફક્ત રૂબરૂ જ ભરી શકાશે
ઉમેદવારી પત્ર માત્ર ઉમેદવાર અથવા તો તેમના ટેકેદાર રૂબરૂમાં પ્રત્યક્ષ રીતે જ રજૂ કરી શકશે. પોસ્ટ કે અન્ય કોઈ માધ્યમથી ઉમેદવારી પત્ર રજૂ કરી શકાતું નથી, ઉમેદવારી પત્ર કે નામાંકન પત્ર રૂબરૂ જ આપવું એવી કાયદાકીય જોગવાઈ છે.ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર ભરવામાં આવતું ઓનલાઇન ઉમેદવારી પત્ર એ માત્ર ફોર્મેટ એટલે કે ઉમેદવારી પત્રનો નમુનો પ્રિન્ટ કરવા પૂરતું જ છે, જે પ્રિન્ટ કર્યા બાદ રૂબરૂ આપવું ફરજિયાત છે. ઉમેદવારી પત્ર પર ઉમેદવારની સહી ફરજિયાત છે, તેમજ દરખાસ્ત કરનાર ની નિશ્ચિત સંખ્યા હોવી જોઈએ તેમજ દરખાસ્ત કરનાર ના નામ જે તે લોકસભા મત વિસ્તારમાં હોવા જોઈએ. માન્ય રાજકીય કે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો માટે એકેદાર ની સંખ્યા એક હોવી જોઈએ જ્યારે અપક્ષ ઉમેદવારો માટે ટેકેદારોની સંખ્યા ૧૦ નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારીના એક દિવસ પહેલા ઉમેદવારે બેન્ક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે
ચૂંટણી ખર્ચનો હિસાબ કિતાબ રાખવા માટે બેન્ક એકાઉન્ટ ઉમેદવારીના એક દિવસ પહેલા ખોલાવવું જરૂરી છે. ઉમેદવાર પોતે અથવા તો પોતાના ચૂંટણી એજન્ટના નામે કે સંયુક્ત નામે ખોલાવી શકાય છે.
ચૂંટણી લડતા ઉમેદવાર પોતાના સગા સંબંધીઓ ના નામે બેન્ક એકાઉન્ટ ખોલી શકતા નથી. ઉમેદવારી પત્ર રજૂ કરવાની સાથે ઉમેદવારી ચૂંટણી ખર્ચ માટે ખોલાવેલું અલગ બેન્ક એકાઉન્ટની પાસબુક ની નકલ ચૂંટણી ખર્ચે હિસાબ માટે આપવાની હોય છે. ચૂંટણીનો તમામ ખર્ચ આ નવા ખોલાવેલા બેંક એકાઉન્ટ મારફતે કરવાનો થાય છે. ઉમેદવારે કરેલ રોજે રોજના ખર્ચનો હિસાબ અને રોજમેળ નિભાવવાનો હોય છે. (જે માટે અત્રેની કચેરીથી અલગથી ચૂંટણી ખર્ચ રજીસ્ટર ફાળવવામાં આવશે.)
લોકસભા ચૂંટણીનું સમયપત્રક
- 16-03-2024 ચૂંટણી આચારસંહિતાનો અમલ
- 12-04-2024 ચૂંટણીનું નોટિફિકેશન ઇશ્યુ
- 19-04-2024 ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ મુદત
- 20-04-2024 ઉમેદવારીપત્રોની ચકાસણી
- 22-04-2024 ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત
- 07-05-2024 મતદાન
- 04-06-2024 મતગણતરી
- 06-06-2024 ચૂંટણી સમાપ્તિની સત્તાવાર જાહેરાત