GANDHINAGAR : રાજયમાં જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હવે બે તબક્કામાં યોજાનાર છે. જેના માટે આજે ગાંધીનગરમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાન અને મત ગણતરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત, ભાવનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને વડોદરા સિહતની મનપાની ચૂંટણી માટે તા.21મી ફેબ્રુઆરીના રોજ મતદાન અને તા.23મી ફેબ્રુઆરીના મત ગણતરી હાથ ધરાશે. જયારે તે પછી તા.28મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા- તાલુકા અને નગરપાલિકા માટે મતદાન અને તા.2જી માર્ચના રોજ મત ગણતરી હાથ ધરાશે.
ગાંધીનગરમાં આજે સાંજે રાજય ચૂંટણી આયોગના વડા સંજય પ્રસાદે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેર કરતાં કહ્યું હતું કે, રાજયમાં 21મી ફેબ્રુઆરીના છ મહાપાલિકા માટે મતદાન યોજાશે. જયારે તા.23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરાશે. જયારે તા.28મી ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતો (ખેડા જિલ્લા પંચાયત સિવાય) , 231 તાલુકા પંચાયત અને 82 નગરપાલિકાઓ માટે તા.28મી ફેબ્રુઆરીના રોજ મતદાન અને મત ગણતરી તા.2જી માર્ચના રોજ હાથ ધરાશે.રાજયમાં આજથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
રાજયમાં મહાપાલિકા માટે 144 વોર્ડ અને 576 બેઠકો, 81 નગરપાલિકા માટે 680 વોર્ડ અને 2720 બેઠકો , 31 જિલ્લા પંચાયતો માટે 980 બેઠકો . 231 તાલુકા પંચાયતો માટે 4773 બેઠકો સહિત કુલ 6577 વોર્ડ માટે 9049 બેઠકોનો સમાવેશ થાય છે.મનપા માટે 1.12 કરોડ મતદારો સહિત સમગ્ર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે 4.09 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે 860 ચૂંટણી અધિકારીઓ ફરજમાં જોડાશે. રાજયમાં 47,695 મતદાન મથકો પર ચૂંટણી યજાશે, જે પૈકી સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 11694 અને 6147 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ છે.ચૂંટણી દરમ્યાન લોખંડી સલામતી વચ્ચે મતદાન યોજાશે.