19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના (Election) ચોથા તબક્કા માટે આજે મતદાન થયું હતું. આ તબક્કામાં મતદારોએ 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર 1717 ઉમેદવારો માટે મતદાન (Voting) કર્યું હતું. જણાવી દઈએ કે આ તબક્કામાં અનેક કેન્દ્રીય મંત્રીઓની સાથે એક પૂર્વ મુખ્યમંત્રી અને ક્રિકેટર પણ ચૂંટણી મેદાનમાં છે. સાંજે 5 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66 ટકા જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 35.75 ટકા મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પુરું થયું હતું. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર મતદાન થયું. ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો પર, તેલંગાણામાં 17, મહારાષ્ટ્રમાં 11, મધ્યપ્રદેશમાં આઠ, પશ્ચિમ બંગાળમાં આઠ, બિહારમાં પાંચ, ઝારખંડ અને ઓડિશામાં ચાર-ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થયું હતું.
10 રાજ્યોમાં મતદાનના આંકડા
રાજ્ય બપોરે 1 સાંજે 5 વાગ્યા સુધી
આંધ્ર પ્રદેશ 55.49 68.04
બિહાર 45.23 54.14
જમ્મુ કાશ્મીર 29.93 35.75
ઝારખંડ 56.42 63.14
મધ્ય પ્રદેશ 59.63 68.01
મહારાષ્ટ્ર 42.35 52.49
ઓડિશા 52.91 62.96
તેલંગાણા 52.34 61.16
ઉત્તર પ્રદેશ 48.41 56.35
પશ્ચિમ બંગાળ 66.05 75.66
દરમિયાન તેલંગાણાના હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર માધવી લતાએ કહ્યું કે 90 ટકા બૂથમાં ગેરરીતિઓ થઈ છે. પોલીસ મહિલા કોન્સ્ટેબલોને વોટર આઈડી સાથે ચહેરો તપાસવાની સૂચના આપવા માંગતી નથી. જ્યારે મેં પોલીસ અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તે તેમની જવાબદારી નથી.
બીજી તરફ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના સાંસદ અને બેરહામપુરથી પાર્ટીના ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કેટલાક ગુંડાઓ, ટીએમસી કાર્યકર્તાઓ રસ્તાઓ પર કબજો કરીને લોકો માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં ચૂંટણી પંચને તેમને વિખેરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ટીએમસી મતદાનની ટકાવારી ઘટાડવા માંગે છે કારણ કે તેઓ જાણે છે કે મહત્તમ મતદારો ટીએમસી વિરુદ્ધ મતદાન કરશે. તેથી તેઓ મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માંગે છે. હું બહેરામપુરમાં ટીએમસીને જીતવા નહીં દઉં.
બીજી તરફ લેહ લદ્દાખના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અત્યાર સુધી જે મતદાન થયું છે તેમાં મોદી લહેર જોવા મળી રહી છે. એનડીએને 2019ની ચૂંટણી કરતાં પણ સારા પરિણામો મળશે. દેશભરમાં લહેર છે.