સુરતઃ આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાઓની ચૂંટણીની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આજરોજ સુરત સરકીટ હાઉસ ખાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી, ડાયરેક્ટર (એકસપેન્ડીચર) પંકજ શ્રીવાસ્તવ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય(ગાંધીનગર)એ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંગે થયેલી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેકટરો અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હીરદેશકુમારે મતદાન જાગૃતિ, સ્ટાફ મેનેજમેન્ટ, લોજિસ્ટીક મેનેજમેન્ટ, મોક પોલ નિદર્શન, સ્ટાફ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, ડેમોસ્ટ્રેશન પર માર્ગદર્શન આપી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ઈનોવેશન મતદાનમથકો ઉભા કરવા અંગે જરૂરી સૂચન કર્યા હતા. વધુમાં તેમણે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં 10મી ઓક્ટોબરની તારીખ સ્થિતિએ 4739201 મતદારો નોંધાયા છે. તે પૈકી દિવ્યાંગ મતદારો 23859 તથા 4623 મતદાન મથકો છે. સુરત જિલ્લામાં વિશેષ અભિયાનના ભાગરૂપે 112 મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા મતદાન મથકો, 16 વિધાનસભા દીઠ એક- એક દિવ્યાંગ મતદાન મથકો તથા એક-એક મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના વિધાનસભા વિસ્તારો વિષે હાલની સ્થિતિએ જોઈએ તો, સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં 4739201 મતદારો તથા 4623 પોલિંગ સ્ટેશનો, 23859 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના 62037 વયોવૃધ્ધ મતદારો નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં ચાર વિધાનસભા વિસ્તારમાં 1078260 મતદારો તથા 1147 પોલિંગ સ્ટેશન, 11113 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના 23862 મતદારો, વલસાડ જિલ્લાની ૫ વિધાનસભા વિસ્તારમાં 1326592 મતદારો તથા 1392 પોલિંગ સ્ટેશન, 9623 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના 27106 મતદારો નોંધાયેલા છે.
નર્મદા જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં 457703 મતદારો તથા 624 પોલિંગ સ્ટેશન, 4084 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના 7361 મતદારો જયારે તાપી જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં 505481 મતદારો તથા 605 પોલિંગ સ્ટેશન, 2830 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના 9407 મતદારો છે. ડાંગની એક વિધાનસભા વિસ્તારમાં 193298 મતદારો તથા 335 પોલિંગ સ્ટેશનો, 1158 દિવ્યાંગ મતદારો તેમજ 80 વર્ષથી વધુ વયના 1636 મતદારો નોંધાયેલા છે. આમ છ જિલ્લાઓની 30 વિધાનસભા વિસ્તારમાં 8300535 મતદારો 8726 પોલિંગ સ્ટેશન, 52667 દિવ્યાંગ મતદારો તેમજ 80 વર્ષથી વધુ વયના 131409 મતદારો નોંધાયેલા છે.
આ બેઠકમાં શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લાઓના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિક્ષકઓ, સુરત જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશભાઈ રાઠોડ, નાયબ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.