ગુજરાતમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે, મંગળવારે તા.2જી માર્ચે પરિણામ (Result) જાહેર થવાનું છે. શહેરી મતદારો કરતા વધારે ગ્રામિણ મતદારોએ મતદાન (voting) કર્યું હતું. રવિવારે યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની (Counting of votes) પ્રક્રિયા આજે સવારે 8 કલાકથી જુદા જુદા 9 સ્થળોએ હાથ ધરવામાં આવી રહી છે.
કામરેજ તાલુકા પંચાયત અને જિલ્લાની બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 20 તાલુકા પંચાયત પૈકીની 18 બેઠકો પર ભાજપ, જ્યારે 2 બેઠકો આપના ફાળે ગઈ છે. જ્યારે સુરત જિલ્લા પંચાયતની કામરેજની ચારેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ઉંભેળ ,નવાગામ ,કામરેજ અને ખોલવડમાં ભાજપનો વિજય થયો છે. કામરેજ તાલુકામાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ગણદેવી નગરપાલિકામાં 24 માંથી 24 બેઠકો ભાજપના ફાળે ગઈ છે.
પારડી તાલુકા પંચાયતના ઉમરસાડી બેઠક 2 પર ભાજપના બળવાખોર બચુભાઇ પટેલ વિજેતા
દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતની એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. પારડી તાલુકા પંચાયતના ઉમરસાડી બેઠક 2 પર અપક્ષ ઉમેદવાર અને ભાજપના બળવાખોર બચુભાઇ પટેલ વિજેતા થયા છે. બચુભાઇ પટેલે ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નક મૂળ વતનમાં જ ભાજપને હરાવ્યું છે. સવારે દસ વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં ભાજપ 13 જિલ્લા પંચાયતમાં આગળ હતો જ્યારે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી.
સુરતની 4 નગરપાલિકામાં ભાજપનો ભગવો, આમ આદમી પાર્ટીએ સુરત તાલુકા પંચાયતમાં 1 બેઠક પર જીત મેળવી છે. સુરત જિલ્લામાં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે. આ સાથે તાલુકા પંચાયતમાં ભાજપના 8 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. બારડોલી કડોદરા બાદ માંડવી અને તરસાડી નગરપાલિકામાં ભાજપની પેનલનો વિજય થયો છે. મહુવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે અને બેઠક પરથી વિલાસબેન 124 મતથી વિજય થયા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લામાં ખાતું ખોલ્યું છે.