વાપી: (Vapi) રવિવારે જાહેર થયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી (Election) પરિણામોમાં ભાજપને જવલંત વિજય મળતા ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજ્યોત્સવ ઉજવ્યો હતો. વાપીમાં ભાજપ વલસાડ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, નોટીફાઇડ પ્રમુખ હેમંત પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ અને સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધરમપુર ભાજપે વિજયોત્વ મનાવ્યો હતો.
ચીખલી હાઇવે પાસે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમીતાબેન, ભાજપના પ્રમુખ મયંકભાઈ, સિંચાઇ અધ્યક્ષ નિકુંજભાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, ઉપપ્રમુખ રમેશભાઇ, પૂર્વ પ્રમુખ કલ્પના ગાવિત, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. વંકાલમાં જિલ્લાના કિસાન મોર્ચાના આઈ ટી સેલના કાર્યકારી સહ ઇન્ચાર્જ દીપક સોલંકીએ વિજયને વધાવ્યો હતો.
દમણમાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો
દમણ : ચાર રાજ્યોમાં ઘોષિત થયેલા પરિણામ બાદ ભાજપા પાર્ટીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બહુમતિ સાથે જીત હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ભાજપા પાર્ટી દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ત્યારે સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ દ્વારા પણ આજરોજ સાંજે નાની દમણ બસ સ્ટેન્ડ પાસે પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલના નેજા હેઠળ કાર્યકરો અને પાર્ટીના અન્ય પદાધિકારીઓ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી.
ત્રણ રાજ્યની વિધાનસભાના વિજયની ડાંગ ભાજપે ઉજવણી કરી
સાપુતારા : દેશનાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપે ભગવો લેહરાવ્યો છે. ત્યારે ડાંગનાં વ્યાપારી નગર વઘઈમાં ધારાસભ્ય વિજય પટેલ અને કાર્યકર્તા દ્વારા વિજયોત્સવની ઉજવણી કરી હતી. જ્યારે આહવામાં ભાજપાનાં કાર્યકરોએ વિજયોઉત્સવ મનાવ્યો હતો. ધારાસભ્ય વિજય પટેલ, ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, પ્રમુખ કિશોર ગાવીત, વઘઈ તાલુકા મંડળ પ્રમુખ પંકજ પટેલ, રોહિત સુરતી, સતીષ સૈદાણે તેમજ વેપારી મંડળ દ્વારા મીઠાઈ ખવડાવી, વઘઈ મેઈન બજાર અને આહવા ભાજપા પાર્ટી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.