ખેરગામ: ખેરગામના ગૌરી ગામમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની (Election) અદાવતમાં ડેપ્યુટી સરપંચની વરણી વેળા જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ડેપ્યુટી સરપંચની વરણી થાય એ પહેલાં જ દાવેદારનો કોલર પકડી ટોળાએ ઘસડવાનું શરૂ કર્યું હતું, પરંતુ અધિકારીઓએ પોલીસ (Police) બોલાવવાની વાત કરતાં ટોળું બહાર જતું રહ્યું હતું. જો કે, થોડીવાર બાદ ગ્રામ પંચાયત કચેરીમાંથી નવનિયુક્ત ડેપ્યુટી સરપંચને મહિલાઓ (Women) શર્ટનો (Shirt) કોલર પકડી ઘસડી ગઈ હતી અને મારી (Murder) નાંખવાની ધમકી આપી હતી. એ સાથે ગ્રામ પંચાયતની કચેરી બહાર નીકળેલા સભ્યને પણ ઢીકમુક્કીનો માર માર્યો હતો.
ગૌરી ગામના નિશાળ ફળિયામાં મુકેશ ગમન પટેલ રહે છે. તેઓ હાલની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે વિજેતા થયા હતા. જ્યારે આ ચૂંટણીમાં પ્રકાશ પટેલ સામે હિતેશ ભોયા સરપંચ પદની ચૂંટણી હારી ગયા હતા. તા.24 જાન્યુઆરીએ ડેપ્યુટી સરપંચની વરણી કરવાની હોવાથી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને અધિકારીઓની હાજરીમાં સવારે 7.30 વાગ્યે બધા ભેગા થયા હતા. દરમિયાન ડેપ્યુટી સરપંચની વરણીનો પ્રારંભ થતાં જ બાલુ ભોયા, હિરેલ ભોયા, હિતેશ ભોયા, દિવ્યા હિરલ ભોયા, સુનિતા શૈલેષ ભોયા, રાધા સહદેવ ભોયા, લતા હિતેશ ભોયા, અરવિંદ મનુ ભોયા અને સતીષ નગીન ભોયા પંચાયતની કચેરીમાં ધસી આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી દેતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. ઉશ્કેરાયેલું ટોળું અધિકારીઓની હાજરીમાં જ ડેપ્યુટી સરપંચ તરીકે વરણી પહેલાં જ જયેશ પટેલને ગ્રામ પંચાયતની કચેરીમાંથી શર્ટનો કોલર પકડી ઘસડવા લાગ્યું હતું. ઉપરાંત મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
વાત વધુ વણસતાં પોલીસને બોલાવવાની વાત કરતાં ટોળું ગ્રામ પંચાયતની બહાર ચાલ્યું ગયું હતું. ત્યારબાદ ડેપ્યુટી સરપંચ તરીકે જયેશ પટેલની વરણી કરી જરૂરી કામગીરી પૂરી કરવામાં આવી હતી. જો કે, વરણી થયાના થોડા સમયમાં ટોળામાંથી મહિલાઓ ફરી ગ્રામ પંચાયત કચેરીમાં ધસી આવી હતી અને નવનિયુક્ત ડેપ્યુટી સરપંચ જયેશ પટેલને કચેરીની બહાર ઉઠાવી જઈ ગ્રામ પંચાયતના સભ્ય મુકેશ પટેલ ગ્રામ પંચાયતની કચેરીમાંથી બહાર નીકળતાં જ આરોપીઓ તેમના પર તૂટી પડી ઢીકમુક્કીનો માર મારી હત્યાની ધમકી આપી હતી. વધુમાં જતાં જતાં કહેતા ગયા હતા કે હવે પછી એકલદોકલ દેખાયા છો તો મારી નાંખીશું. વિકાસનાં કામો પણ નહીં કરવા દઈએ. ચૂંટણીની અદાવતમાં હુમલો કરનારા 9 આરોપી સામે કાર્યવાહી કરવા માટે ખેરગામ પીએસઆઈને લેખિત અરજી આપી હતી.
ખેરગામ પોલીસે કંઈ બન્યુ જ ન હોય તેમ માત્ર અરજી લઈ સંતોષ માન્યો
ગૌરી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પત્યા બાદ ટોળા દ્વારા ડેપ્યુટી સરપંચ જયેશ પટેલને અધિકારીની રૂબરૂમાં જ કોલર પકડી બહાર ખેંચી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકીના બનાવ બન્યા બાદ પણ ખેરગામ પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધવાના બદલે જાણ કાઈ બન્યુ જ ન હોય તેમ માત્ર અરજી લઈ સંતોષ માની લેતા ખેરગામ પોલીસની કામગીરી સામે પણ શંકા સેવાઇ રહી છે. જેથી આ બાબતે ન્યાય મેળવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ફરજ પડી છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ વડા જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી કરે તે જરૂર બન્યું છે.
તપાસ ચાલુ છે, જરૂર જણાશે તો ગુનો નોંધાશે
આ બાબતે ખેરગામ પોલીસ મથકના મહિલા પીએસઆઇ એસ.એસ.માલે જણાવ્યું હતું કે ગૌરી ગામે થયેલી ઘટના બાબતે સરપંચે અરજી આપેલી છે, જેના આધારે પોલીસ તપાસ ચાલુ જ છે. તપાસ બાદ જરૂર જણાશે તો જવાબદારો સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.