ભરૂચ: (Bharuch) લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આવતી મંગળવારે નર્મદા જિલ્લામાં (Narmada District) ભરૂચ અને છોટા ઉદેપુર બેઠક માટે મતદાન થશે. જે માટે વહીવટી તંત્રએ તમામ તૈયારી કરી દીધી છે. મતદાન વધુ થાય એ માટે જિલ્લા કલેક્ટરે તમામ સગવડ ઉપલબ્ધ કરી છે, જેમાં ગરમીની સ્થિતિને સ્થિતિને ધ્યાને રાખી સવારે જ નાગરિકો મતદાન કરે એ માટે અપીલ કરી છે. હિટવેવ સામે ઓરઆરએસ, પાણી-છાંયડો, આરોગ્ય કાર્યકરની સુવિધા ઊભી કરાશે.
- નર્મદા જિલ્લામાં ૪.૧૬ લાખ મતદાર, ૬૧૬ મતદાનમથક, ૧૩૩ મથક ક્રિટિકલ
- હિટવેવ સામે ઓરઆરએસ, પાણી-છાંયડો, આરોગ્ય કાર્યકરની સુવિધા ઊભી કરાશે
નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, ભરૂચ બેઠક માટે ૧૩ અને છોટા ઉદેપુર બેઠક માટે ૬ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ગત એપ્રિલ માસની સ્થિતિએ ૪.૬૧ લાખ મતદાર નોંધાયા છે. તેમાંથી ૧૫૪૩૬ મતદાર પહેલી વખત મતદાન કરશે. ડેડિયાપાડા અને નાંદોદ બેઠકમાં કુલ મળી ૬૧૬ મતદાનમથક છે. તેમાંથી ૧૩૩ ક્રિટિકલ મથક છે. ૩૦૯ મતદાનમથક ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ૨૪ શેડો એરિયાના મથકમાં વોકીટોકીની સુવિધા રાખવામાં આવી છે.
આ ચૂંટણીમાં દિવ્યાંગ અને ૮૫ વર્ષથી ઉપરના મતદારોને હોમ વોટિંગની સુવિધા આપવામાં આવી છે. મતદાન મથકો માટે ૧૧૪ વ્હીલચેર આપવામાં આવી છે. એસઓયુ તંત્ર દ્વારા પણ વ્હીલચેરની ફાળવણી કરવામાં આવી છે. દૃષ્ટિહિન મતદારો માટે ૭૭૩ બ્રેઇલ વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં સરેરાશ મતદાનનું પ્રમાણ સારું છે. આ વખતે પણ નાગરિકો મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે અને નર્મદા જિલ્લાની પરંપરા જાળવી રાખશે, તેવી જિલ્લા કલેક્ટરે આશા વ્યક્ત કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે તમામ મતદાન મથકો ઉપર પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે.
ઝરણાવાડી ગામે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મથક બનાવાયું
નર્મદા જિલ્લામાં બે વિશેષ પ્રકારનાં મતદાનમથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં ડેડિયાપાડાના ઝરણાવાડી ગામે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મથક બનાવવામાં આવ્યું છે. જ્યારે, એકતાનગર ખાતે જંગલ સફારીની થીમ આધારિત મથદાનમથક બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સખી, યુવા, દિવ્યાંગ મથકો પણ બંને વિધાનસભા મતવિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.
આરોગ્યકર્મીઓ સ્ટેન્ડ બાય રહેશે
ગ્રીષ્મ ઋતુના કારણે ગરમીના પ્રકોપથી બચવા સાથે મતદાન કરવાની અપીલ કરતા શ્વેતા તેવતિયાએ કહ્યું કે, મતદારો સવારના ભાગે જ મતદાન કરી લે ઇચ્છનીય છે. મતદારો સુતરાઉ કપડાં પહેરે, પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરે, મતદાન કરવા આવે ત્યારે બાળકને સાથે ના લાવે તેવી સલાહ છે. મતદારોને બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પીવાના પાણી, ઓઆરએસ સહિતની જરૂરી દવા સાથેની કિટ આપવામાં આવી છે. આરોગ્યકર્મીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. વીજ વિક્ષેપ ના થાય તેની તકેદારી રાખવા માટે પણ વીજ કંપનીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ભરૂચ બેઠક માટે ૨૮૦૦ પોલીસકર્મી તૈનાત
ભરૂચ: ભરૂચ એક સંવેદનશીલ નગર છે. ભરૂચ લોકસભા બેઠકમાં વસાવા ઉમેદવારોનો ત્રિકોણીયો જંગ જામશે. ત્રણ મુખ્ય ઉમેદવાર ભાજપના મનસુખ વસાવા, આપના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા લોકસભાની ફાઈટ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ભરૂચ પોલીસના ૨૮૦૦ કરતા વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ખડેપગે તૈનાત કરી દીધા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને એ માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરાવી દીધી હતી. પોલીસે ૫૯ કરતાં વધુ લોકો સામે પાસા અને ૧૧૬ લોકો સામે તડીપારની કાર્યવાહી કરી છે. આચારસંહિતા દરમિયાન પ્રોહિબિશન એક્ટ ૨૭૧૭ કેસ, NDPS એક્ટના ૪ કેસ, આર્મ્સ એક્ટ (હથિયાર)માં ૫ કેસ, નાસતા ફરતા આરોપીને ૧૧૮ આરોપી, પેરોલ જમ્પમાં ૧ આરોપી મળી કુલ ૮૪૧૮ અટકાયતી પગલાં ભર્યાં છે. આ ઉપરાંત બિનહિસાબી ૨૭ લાખ રૂપિયા ઝડપી પાડી તેને સીઝ કર્યા છે. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં.