SURAT

ઉમેદવારોએ ભાગદોડ કરવી પડશે, મતદાન માટે માત્ર 25 દિવસ બાકી

સુરત: ભારતના (India) ચૂંટણી (Election) પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે. આ વખતે ઇલેકશન કમિશને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછો સમય આપ્યો છે. જાહેરનામું જાહેર થયાં બાદ માત્ર 25 જ દિવસ મળશે. તેમાં પણ ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ફાયનલ યાદી જાહેર થશે અને ત્યારબાદ મતદાન વચ્ચે માત્ર 13 જ દિવસનો સમય રહેશે. વળી મતદાન ચોવીસ કલાક પહેલાથી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે. આ કારણે આ વખતે ઉમેદવારો પાસે ખૂબ જ ઓછો સમય રહેશે. હજી રાજકીય પક્ષોએ યાદી જાહેર કરી નથી. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ તૈયારીઓ કરવા માટે ઉમેદવારોને ભારે ભાગદોડ કરવી પડશે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી વહેલી એવી ચૂંટણી હશે જે અત્યંત ટૂંકા દિવસોમાં યોજાશે.

સુરત શહેર અને જિલ્લામાં 1789 જેટલી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી
સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે જિલ્લાની સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, વિવિધ સરકારી શાળાઓની દિવાલો પરના રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો, રાજકીય લખાણો વગેરે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જાહેર વિસ્તારમાં આજરોજ જાહેર સ્થળો પર દિવાલો પરના ૪૭૯ લખાણો, ૪૧૬ પોસ્ટરો, ૪૦૯ બેનરો તથા અન્ય ૪૮૫ મળી કુલ ૧૭૮૯ જેટલા વિવિધ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. ખાનગી માલિકી પરના દિવાલો પરના ૭૦ લખાણો, ત્રણ પોસ્ટરો, ૪૧ બેનરો તથા અન્ય ૩૫ મળી કુલ ૧૪૯ રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે. આમ જાહેર તથા ખાનગી મિલકતો પરથી ૧૯૩૮ રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે.

ગ્રીન પોલિંગ સ્ટેશન નવો કન્સેપ્ટ પણ અમલી બનશે
સુરત જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલકેટર આયુષ ઓકએ કહ્યું હતું કે, આ વખતે ગ્રીન પોલિંગ સ્ટેશનનો નવો આઇડીયા અજમાવવામાં આવશે. ગ્રીન પોલિંગ સ્ટેશનમાં રિસાયકલ થઇ શકે તેવા પ્લાસ્ટિક હશે. મતલબ કે પયાર્વરણને નુકશાન કરે તેવા પદાથોનો ઉપયોગ કરાશે નહિં. ગ્રીન પોલિંગ સ્ટેશન લોકોમાં પ્લાસ્ટિક ફ્રી સિટી માટે સંદેશો આપશે. સુરત શહેર અને જિલ્લાની સોળ વિધાનસભા મુજબ એક એક પોલિંગ સ્ટેશન ગ્રીન બનશે.

સિંગલ લોકેશન્સ ઉપર સાત પોલિંગ સ્ટેશન હોય તેવા મથકોની મુલાકાત કરાઇ
સુરત જિલ્લા કલકેટર આયુષ ઓકએ કહ્યું હતું કે, આજે સવારે તેઓ તેમજ પોલીસ ઉચ્ચાધિકારીઓ સાથે સુરત ઇસ્ટ, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. ખાસ કરીને આ એવા પોલિંગ સ્ટેશન છે. જ્યાં એક સ્થળ ઉપર સાત મતદાન મથક બનનારા છે. આ સ્થળે લોકોની અવરજવર તેમજ આસપાસની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું.

Most Popular

To Top