SURAT

મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત ફીક્કા પ્રચારને કારણે મતદાન ઓછું થાય તો નવાઈ નહીં

સુરત મહાપાલિકાની રચના થયા બાદ આવતીકાલે 11મી વખત મહાપાલિકાના શાસકોની પસંદગી માટે મતદાન થશે. આ વખતે કોરોના અને મંદીને કારણે સુરતમાં ચૂંટણીનો માહોલ એટલો જામ્યો નથી. દર વખતે મનપાની ચૂંટણીમાં સામાજિક આગેવાનો તેમજ મોટા માથાઓ સક્રિય રહેતાં હતાં.

જે આ વખતે સક્રિય નહીં હોવાથી છેલ્લા 15 દિવસનો ચૂંટણી પ્રચાર સાવ ફિક્કો રહેવા પામ્યો હતો. 15 દિવસ સુધી પ્રચાર કર્યા બાદ ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીની તડજોડ પણ કરવામાં આવી હતી. આજે ઉમેદવારો માટે કતલની રાત છે અને આવતીકાલે મતદાન થશે ત્યારે 120 બેઠકો માટે તમામ 484 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે.

આવતીકાલે મતદાન પહેલા છેલ્લા બે દિવસથી ઉમેદવારો અને તેમના પક્ષો દ્વારા હરીફના મજબુત ટેકેદારોને ખેંચી લેવાની સાથે છેલ્લી ઘડીએ મતદારોને ખેંચવા માટે પ્રયાસો પણ કરવામાં આવ્યાં હતાં. સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં જે તે સોસા.ના પ્રમુખોને પણ મનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યાં હતાં કે જેથી વધુને વધુ મતદાન પોતાની તરફેણમાં કરાવી શકાય.

આ વખતની ચૂંટણી હાઈટેક રીતે લડાઈ હોવાથી છેલ્લી ઘડી સુધી સોશિયલ મીડિયામાં જે તે પક્ષના ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ સોશિયલ મીડિયાના પ્રચારના મામલે પાંગળું પુરવાર થયું હતું.

ભાજપ દ્વારા પહેલેથી જ પેજ પ્રમુખો બનાવી દેવામાં આવ્યાં હોવાથી આવતીકાલે મતદાન માટે તેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. કોંગ્રેસ દ્વારા પણ બે દિવસથી જે તે મતદાન મથકો પર પોલિંગ એજન્ટો મુકવાથી માંડીને મતદારોને ખેંચી લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યારે આપ પાર્ટીના ઉમેદવારો પહેલી વખત ચૂંટણીમાં ઝંપલાવી રહ્યાં હોવાથી તેને વ્યવસ્થા ગોઠવવામાં ફાંફાં પડી ગયા હતાં.

ભાજપના ઉમેદવારોને પક્ષ પર, કોંગ્રેસના ઉમેદવારો પોતાની તાકાત પર અને આપના ઉમેદવારોને માત્ર લોકો પર જ ભરોસો રાખવાની નોબત આ વખતની ચૂંટણીમાં જોવા મળી હતી. આવતીકાલે મતદાન થયા બાદ મંગળવારે મતગણતરી કરવામાં આવશે.ત્યાં સુધી તમામ ઉમેદવારોના જીવ તાળવે ચોંટેલા રહેશે. આ વખતની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ખુદ ભાજપના જ ઉમેદવારો પોતાની જીત માટે એટલા ચોક્કસ જોવા મળ્યાં નહોતાં.

આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સ્લીપ પહોંચાડાઈ નહીં હોવાથી મતદાન પર અસર થવાની સંભાવના

આ વખતે કોરોનાને કારણે ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને મતદાન સ્લીપ નહીં પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે તમામ મતદારોને મતદાન સ્લીપ મળી શકી નહોતી. કેટલાક વિસ્તારોમાં ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતદાન સ્લીપ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, મતદાન સ્લીપ નહીં પહોંચાડવાને કારણે આવતીકાલે તેની અસર મતદાનની ટકાવારી પર પણ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top