National

સુરત મનપા ચૂંટણી: મશાલ રેલી, વાહન રેલી, પગપાળા રેલી સાથે પ્રચાર બંધ, કાલે મતદાન

સુરત મહાપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચારના છેલ્લા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિશાળ રેલીઓ કાઢીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે સાંજે પાંચ કલાકે પ્રચાર બંધ થાય તે પહેલા જાહેરમાં જેટલો પ્રચાર થાય તેટલો પ્રચાર રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો.

ઉમેદવારો દ્વારા ક્યાંક પગપાળા, ક્યાંક બાઈક રેલી તો ક્યાંક કાર રેલી કાઢવામાં આવી હતી. સુત્રોચ્ચારો અને પ્રચારગીતો સાથે નીકળેલી આ રેલીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રેલીઓમાં સુરતના સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો પણ જોડાયા હતાં. સવારથી જ રેલીઓ નીકળવાની શરૂઆત થઈ હતી. જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી.

સુરત મહાપાલિકાની ચૂંટણી માટે ગત તા.8મીએ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. જોકે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા તે પહેલા જ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઉમેદવારો નક્કી થઈ જતાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો દ્વારા સતત 10 દિવસ પ્રચાર કરવામાં આવ્યો. જોકે, દર વખતની મહાપાલિકાની ચૂંટણીની સરખામણીમાં આ વખતે પ્રચાર ફીક્કો રહ્યો.

રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચારની સાથે સોશિયલ મીડિયા પર પ્રચારને મહત્વ આપવામાં આવ્યું હતું. 10 દિવસના પ્રચાર બાદ આજે શુક્રવારે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારો દ્વારા રેલીના આયોજનો કરવામાં આવ્યાં હતાં.

આમ તો ગુરૂવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ નીકળવાની શરૂઆત થઈ હતી. શુક્રવારે અંતિમ દિવસે સુરત મનપાના તમામ વોર્ડમાં રાજકીય પક્ષો દ્વારા બાઈક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ પોતાના મત વિસ્તારમાં લોકોને રિઝવવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો અને ટેકેદારોની રેલી નિકળી હતી. ઉમેદવારોની વાહન રેલીની સાથે વિવિધ સમાજ દ્વારા પણ પોતાના સમાજના ઉમેદવારોની તરફેણમાં પણ રેલીઓ કાઢવામાં આવી હતી. રેલીમાં સાંસદ, ધારાસભ્ય, માજી કોર્પોરેટરો સહિતના આગેવાનો જોડાતાં ચૂંટણીનો માહોલ બન્યો ટહતો.

મોટાભાગના વિસ્તારોમાં બાઈક રેલી, તો ગુરૂવારે રાત્રે રાંદેરમાં મતદાતાઓને આકર્ષવા માટે મશાલ રેલી કઢાઈ હતી

શુક્રવારે અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો દ્વારા મોટા ભાગના વિસ્તારમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. જ્યારે રાંદેર વોર્ડમાં ગઈકાલે રાત્રે મશાલ રેલી કાઢીને મતદાતાઓને જાગૃત્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રેલીઓમાં કોરોનાની ગાઈડલાઈનની ઐસીતૈસી કરી દેવામાં આવી

પ્રચારના અંતિમ દિવસે જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો દ્વારા રેલીઓ કાઢવામાં આવી ત્યારે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો એટલા ઉત્સાહમાં આવી ગયા હતાં કે કોરોનાની ગાઈડલાઈનની ઐસીતૈસી કરી દેવામાં આવી હતી. મોટાભાગના ઉમેદવારો, કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા માસ્ક પહેરવામાં આવ્યાં નહોતાં. જેણે પહેર્યાં હતાં તેણ પણ મોઢાની નીચે પહેર્યા હતાં. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડી ગયો હતો.

હવે છેલ્લી ઘડીની તડજોડ શરૂ થશે

જાહેર પ્રચાર બંધ થતા જ હવે શેરી મહોલ્લા સોસાયટીઓમાં ગૃપ મીટિંગો, સામાજિક દબાણ, ઇમોશનલી પ્રેશર વગેરેનો દોર શરૂ થયો છે. છેલ્લી ઘડી સુધી તડજોડની રાજનીતિ પણ હવે અપનાવાશે. થોડા ઘણા વોટ તોડી શકવા સમર્થ અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારોને મુખ્ય પક્ષોના ઉમેદવારો લોભ-લાલચ-ભયના શસ્ત્રો અપનાવી ટેકો જાહેર કરાવવા એડીચોટીનું જોર લગાવશે. તો ઘણા ઉમેદવારો સમાજ, વતન કે દોસ્તીના દાવે પણ ટેકો જાહેર કરાવવા ઈમોશનલી પ્રેશરની ટેકનિકસ અપનાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top