અંકિતા રૈનાએ કેમિલા રાખિમોવા સાથે મળી પોતાનું પહેલું ડબલ્યુટીએ ટાઇટલ ડબલ્સમાં જીત્યું

મેલબોર્ન, તા. 19 (પીટીઆઇ) : ભારતની અંકિતા રૈનાએ શુક્રવારે પોતાની રશિયન જોડીદાર કેમિલા રખિમોવાની સાથે મળીને ફિલીપ આઇલેન્ડ ટ્રોફી ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું, જે તેનુ પહેલું ડબલ્યુટીએ ટાઇટલ છે. આ જીતને કારણે અંકિતા મહિલા ડબલ્સ રેન્કિંગમાં પોતાની કેરિયરમાં પહેલીવાર ટોપ 100માં સામેલ થઇ જશે.
અંકિતા અને કેમિલાની જોડીએ ફાઇનલમાં એના બિલિનકોવા અને અનાસ્તેસિયા પોટાપોવાની રશિયન જોડીને 2-6, 6-4, 10-7થી હરાવી હતી. અંકિતા રૈનાને આ વિજય સાથે 280 રેન્કિંગ પોઇન્ટ મળ્યા હતા. તેના કારણે તે આગામી અઠવાડિયે જાહેર થનારા ડબલ્યુટીએ રેન્કિંગમાં 94માં ક્રમે પહોંચી જશે. હાલમાં તે 115 ક્રમે છે. તે છ વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સાનિયા મિર્ઝા પછી ટોપ 100માં પહોંચનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની જશે.
અંકિતાએ કહ્યું હતું કે પહેલું ડબલ્યુટીએ ટાઇટલ જીતવાની સાથે ડબલ્સ રેન્કિંગમાં ટોપ 100માં સામેલ થવું જોરદાર છે. હવે હું સિંગલ્સના ટોપ 100માં સ્થાન મેળવવા પર ધ્યાન આપીશ.

Related Posts