SURAT

ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી: સાંસદ પરભુ વસાવા સામે ત્રણ આગેવાનોની અપક્ષ ઉમેદવારી

સહકારી સંસ્થાઓમાં ભાજપના નામે પેનલ ઉતારવાનું સુમુલ ડેરી પછી હવે સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભાજપને ભારે પડી રહ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની 18 બેઠકો પૈકી માંડવી બેઠક પર બેંકના સીટિંગ ડિરેક્ટર પરભુ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એકસાથે ત્રણ અપક્ષ ઉમેદવાર તરીકે સહકારી આગેવાનોએ ઉમેદવારી કરતાં પરભુ વસાવા માટે આ બેઠક પર જીતવું કપરું થઇ ગયું છે. કારણ કે, આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર નરેન્દ્રસિંહ મહિડાએ બે ફોર્મ ભર્યાં છે અને બંને ફોર્મ પર જુદા જુદા દરખાસ્ત મૂકનાર અને ટેકેદાર સભાસદની સહી કરાવી છે.

એવી જ રીતે કિશોર ગણપત પટેલ (કરંજ), રવજી મંગા ચૌધરી (અરેઠ) અને કનુ ખુશાલદાસ સહિતના ચાર આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં આ બેઠકના કુલ 20 મતદાર પૈકી 13 મતદારે અપક્ષનાં ફોર્મ પર સહી કરતાં સાંસદ પાસે જીતવા માટેના મત બચ્યા નથી. આ સ્થિતિમાં જો ભાજપ દબાણ કરીને ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવે ત્યારે જ પરભુ વસાવા સ્પર્ધામાં આવી શકે છે. બેંકની ચૂંટણીમાં ભાજપના સાંસદ, ધારાસભ્ય, સુગર મંડળી અને ડેરીના ચેરમેન, સંગઠનના મહત્ત્વના હોદ્દેદારોએ જ પાર્ટીના નામે પેનલ બનાવતા સહકારી આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે.

ખુદ ભાજપ સાથે સંકળાયેલા સહકારી આગેવાનો ભાજપના નામે સુરત અને તાપી જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં પેનલ ઉતારવા સામે નારાજ થયા છે અને તેઓ બળવો કરી ઉમેદવારી કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે 14 ઉમેદવારોએ 18 ફોર્મ ભર્યાં હતાં. બે દિવસમાં કુલ 18 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.

ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ સામે અશેષ ભક્તે તલવાર મ્યાન કરી

ડિસ્ટ્રિક્ટ બેંકની વાલોડ બેઠક માટે બેંકના વર્તમાન ચેરમેન અને સહકારી આગેવાન નરેશ પટેલ સામે અશેષ દિલીપ ભક્ત ઊભા રહી પેનલ ઉતારશે તે ચર્ચાએ મંગળવારે વિરામ લીધો હતો. વાલોડની પરંપરા પ્રમાણે અશેષ ભક્તે નરેશ પટેલના ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કરી તેમને બિનહરીફ ચુંટાઇ જવા માટે સેફ પેસેજ પૂરું પાડ્યું હતું.

જેના પગલે નરેશ પટેલ મંગળવારે અશેષ ભક્તને સાથે રાખી ફોર્મ ભરવા માટે આવ્યા હતા. તેમની સામે કોઇએ ફોર્મ નહીં ભરતાં તેઓ બિનહરીફ ચુંટાય તેવી શક્યતા છે. જો કે, 8 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાય તેમ છે. સહકારી ક્ષેત્રમાં ચર્ચા એવી ચાલી રહી છે કે નરેશ પટેલને બિનહરીફ કરવા માટે અશેષ ભક્તને અન્ય બેઠક પરથી ચૂંટણી જીતવા સેફ પેસેજ આપવામાં આવશે.

વાઇસ ચેરમેન સંદીપ દેસાઈ પણ બિનહરીફ થાય તેવી શક્યતા

ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ સામે ઉમેદવારી નોંધાવવા સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમણ અંબેલાલ પટેલને જિલ્લાના સહકારી આગેવાને સમજાવી લીધા હતા. તે પછી સહકાર પેનલ દ્વારા સુરત જિલ્લા પંચાયતમાં ઇચ્છાપોર બેઠકના અપક્ષ સભ્ય યોગેશ પટેલને ચૂંટણીમાં ઉતારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દેસાઇએ કુનેહ વાપરીને તેમને પણ પોતાના પક્ષે લઇ ઉમેદવારી નહીં નોંધાવવા સમજાવી લીધાની ચર્ચા છે. તે જોતાં સંદીપ દેસાઇ પણ બિનહરીફ ચુંટાય તેવી શક્યતા છે. આવતી કાલે બુધવારે દેસાઇ ફોર્મ ભરવા જશે તેવું જાણવા મળ્યું છે.

ચાર બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ ખેલાશે

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની 18 બેઠક પૈકી ચાર બેઠકો પર ભાજપ સામે ભાજપનો જંગ ખેલાશે. બારડોલી બેઠક પર ભાજપના સહકારી આગેવાન દીપક પટેલે ભાજપના પેનલના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપની પેનલના ઉમેદવાર સિવાયના તમામ સાત મતદારોનું સમર્થન મેળવી લેતાં ભાજપના ઉમેદવારને અહીં દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનાર સભ્ય પણ મળ્યા નથી.

તે જોતાં દીપક પટેલ પણ બિનહરીફ થશે. પલસાણા બેઠક પર સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન, ચલથાણ સુગરના ચેરમેન અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખ કેતન પટેલ સામે રમેશ વસનજી પટેલે ઉમેદવારી નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ ઊભી થઇ છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના માજી ચેરમેન રમેશ પટેલે મંગળવારે ફોર્મ ભરી દેતાં કેતન પટેલે અહીં ચૂંટણી જંગ જીતવા ભરચક પ્રયાસો કરવા પડશે.

રમેશ પટેલ અત્યારે ડિસ્ટ્રિક્ટ બેંકના વર્તમાન ડિરેક્ટર છે એવી જ રીતે ચોર્યાસી, ઓલપાડ, કામરેજ મંડળીઓની બેઠક પર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અશ્વિન પટેલ (દાઢી) સામે માજી ધારાસભ્ય અને સીટિંગ ડિરેક્ટર કિરીટ ગંગારામ પટેલે ફોર્મ ભરતાં આ બેઠકનો જંગ પર રોચક બનશે. જ્યારે દૂધમંડળીઓની બેઠક પર સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ સામે વ્યારા એપીએમસીના ચેરમેન પ્રવીણ ગામીતે ઉમેદવારી નોંધાવતાં આ ચારે બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ ખેલાશે. ઓલપાડ બેઠક ઉપર માજી ધારાસભ્ય ધનસુખ પટેલે ફોર્મ ભરી દીધું છે. તેમની સામે આવતીકાલે ધારાસભ્ય મુકેશ પટેલ ફોર્મ ભરશે તો આ બેઠક પર પણ ભાજપ સામે ભાજપનો જંગ ખેલાઇ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top