Dakshin Gujarat

પ્રેમિકાના ઘર સામે જઈ પ્રેમીએ પોતાના શરીરે આગ ચાંપી અને પ્રેમિકાના પિતાનું મોત થયું, નવસારીની ઘટના

સુરત : પ્રેમિકાએ ભાગીને લગ્ન કરવાની ના પાડતા હતાશ થયેલા પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે જઈ મરી જવાના ઈરાદે શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી, ત્યારે પુત્રીના પ્રેમીને બચાવવા જતા વૃદ્ધ પિતા દાઝી ગયા હતા. પ્રેમી યુવકના મોતના છ દિવસ બાદ સારવાર દરમિયાન પ્રેમિકાના પિતાનું સુરતની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ વિચિત્ર ઘટના નવસારી જિલ્લાના વાંસદાના સિંગાડ ગામમાં બની છે.

આ ઘટનાની વિગત એવી છે કે ધો. 11 સાયન્સમાં ભણતી સગીરા સાથે એક યુવક પ્રેમમાં પડ્યો હતો. યુવક સતત સગીરાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. ભાગી જઈ લગ્ન કરવા ઉશ્કેરતો હતો, પરંતુ સગીરા પોતે નાની વયની હોય લગ્ન કરવા ના પાડતી હતી. એક દિવસ અચાનક જ પ્રેમી યુવક સગીરાના ઘરે પહોંચી ગયો હતો અને લગ્ન નહીં કરે તો મરી જઈશ તેમ કહી પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખી સળગી ગયો હતો. યુવકનું તો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, પરંતુ યુવકને બચાવવા જતા સગીરાના પિતા દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.

મૃતકે પણ પ્રેમી યુવકને સમજાવ્યો હતો
પ્રેમી યુવક સગીરાના ઘરે જઈ લગ્ન માટે જીદ કરી રહ્યો હતો ત્યારે સગીરાના પિતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની દીકરીની ઉંમર ખૂબ જ નાની હોય લગ્ન કરી શકાય નહીં તેમ સમજાવ્યો હતો. પરંતુ યુવક લગ્ન કરવા માટે બેબાકળો થયો હતો. સગીરા તથા તેના પિતાની વાત ન માની યુવકે શરીરે જ્વલનશીલ પદાર્થ નાંખી આગ ચાપી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે શરીરે આગ ચાંપી ત્યારે સગીરાના પિતાએ તેને બચાવવા ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેને બચાવી શક્યા નહોતા અને પોતે પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.

સગીરા ડોક્ટર બનવા માગતી હતી
ધો. 12 સાયન્સમાં ભણતી સગીરા અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. તેણી પોતે ડોક્ટર બનવા માગતી હતી. તે અવારનવાર પ્રેમી યુવકને સમજાવતી કે તેની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને હાલ તે ભણવા માંગે છે, તેથી લગ્ન કરી શકે નહીં, પરંતુ યુવક લગ્ન કરવા માંગતો હોય તે યુવકે સગીર પ્રેમિકાના ઘર સામે જઈ અવિચારી પગલું ભરી લીધું હતું, જેના લીધે બે જણાએ જીવ ગુમાવ્યો હતો.

Most Popular

To Top