મહારાષ્ટ્ર: સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) રવિવારના રોજ દિલ્હીમાં અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતમાં ભાજપ અને શિવસેના સાથે મળીને આગામી ચૂંટણીઓ લડવાના છે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં આગામી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓનો સમાવેશ થશે. આ જાણકારી એકનાથ શિંદેએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ટ્વિટ કરીને જણાવી હતી.
મહારાષ્ટ્રના વિકાસ માટે અમારૂ જોડાણ જરૂરી છે : એકનાથ શિદે
એકનાથ શિદેએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસ માટે અમારૂ જોડાણ જરૂરી છે. અમે છેલ્લા 11 મહિનાથી વિકાસના વિવિધ નિર્ણયો સાથે મળીને લીધા છે. અમે સાથે મળીને અટકેલા પ્રોજેક્ટ પણ પુર્ણ કર્યા છે. ભવિષ્યમાં અમે સાથે મળીને મહારાષ્ટ્રને તમામ ક્ષેત્રે દેશનું નંબર વન રાજ્ય બનાવીશું.
એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે અમિત શાહ સાથે અમે કૃષિ અને સહકારી વિભાગને લગતી વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી. આ સાથે રાજ્યમાં ખેડૂતો અને મહિલા સશક્તિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ પણ ચાલી રહ્યા છે. શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે અમેને હંમેશા વડાપ્રધાન નેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યુ છે.
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કટાક્ષ કર્યો
દિલ્હીની મુલાકાત વિશે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતેએ કટાક્ષ કરતા કહ્યું કે મહારાષ્ટ્રનું હાઈકમાન્ડ દિલ્હીમાં છે. તમે જેને વાસ્તવિક શિવસેના કહી રહ્યા છો તે વાસ્તવિક શિવસેના નથી. વાસ્તવિક શિવસેના ક્યારે પણ દિલ્હી નથી જતી અને ત્યાં જઈને નમતી પણ નથી.
શરદ પવાર એકનાથ શિંદેને મળવા તેમના બંગલે આવ્યા હતા
દિલ્હીની થયેલી બેઠક પહેલા શુક્રવારના રોજ NCPના વડા શરદ પવાર એકનાથ શિંદેને મળવા તેમના બંગલે પહોચ્યા હતા. એકનાથ શિંદેએ સામે ચાલીને શરદ પવારનું સ્વાગત પણ કર્ય હતું. શરદ પવાર અને એકનાથ શિંદે વચ્ચે લગભગ અડધો કલાક વાતચીત ચાલી હતી. તેમની વચ્ચે થયેલી વાતચીતની માહિતી સામે આવી નથી.