સુરત(Surat): મહારાષ્ટ્રની (Maharashtra) શિવસેના (Shiv Sena) સરકારમાં ભંગાણના સંકેત મળ્યા છે. પાર્ટીના ઉચ્ચ હરોળના નેતાઓએ મુખ્યમંત્રી (CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thakrey) સામે બળવો પોકારવાની તૈયારી કરી લીધી છે. પાર્ટીના નેતા એકનાથ શિંદે (Eknath Shinde) 30 ધારાસભ્યોને (MLA) લઈ સુરત આવી પહોંચ્યા છે. સોમવારે સાંજથી એકનાથ શિંદેએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તેઓ સંપર્કમાં હોવાની માહિતી સાંપડી છે. હાલમાં સુરતના ડુમસ ખાતે આવેલી લા મેરેડિયન હોટલ ખાતે શિવસેનાના નેતાઓનો આખોય કાફલો રોકાયો છે. તેથી હોટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાકીદની બેઠક બોલાવી છે. આ ઘટનાએ ફરી એકવાર ખજૂરાહોની યાદ અપાવી દીધી છે.
શિવસેનાના નેતાઓના સુરત આગમનના પગલે મુંબઈ અને સુરત બંને ઠેકાણે રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. શિવસેનાના 30 ધારાસભ્યો સુરતમાં ધામા નાખતા ગુજરાત ભાજપમાં પણ ઉત્તેજના વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે બેઠક કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દરમિયાન એકનાથ શિંદે બપોરે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધશે તેવી માહિતી સાંપડી છે.
સુરત પોલીસને રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે શિવસેનાના ધારાસભ્ય સુરતમાં આવી રહ્યા છે. જેથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસને માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતની લા મેરેડિયન હોટલની ફરતે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
એકનાથ શિંદે સાથે સુરત આવેલા ધારાસભ્યોની યાદી
1 શાહજી બાપુ પાટીલ 2. મહેશ શિંદે સતારા 3. ભરત ગોગાવાલે 4. મહેન્દ્ર દેવી 5. મહેશ થોરવે 6. વિશ્વનાથ ભોઈર 7. સંજય રાઠોડ 8. સંદીપન ભુમરે 9. ઉદયસિંહ રાજપૂત 10. સંજય શિરસાથ 11. રમેશ બોરાનેરે 12. પ્રદીપ જયસ્વાલ 13. અબ્દુલ સત્તાર 14. તાનાજી સાવંત 15. સુહાસ કાંડે 16. પ્રકાશ આબિટકર 17. પ્રતાપ સરનાઈક 18. ગીતા જૈન 19. શ્રીકાંત શિંદે 20. રાજન વિચારે 21. બાલાજી કેકનીકર 22. ગુલાબરાવ પાટીલ 23. શંભુરાજ દેસાઈ 24. ચિંતામન વાંગા 25. અનિલ બાબર 26. જ્ઞાનેશ્વર ચૌગુલે 27. રાયમુલકર 28. લતા સોનવણે 29. યામિની જાધવ 30. કિશોર અપ્પા પાટીલ.
સુરતની હોટલમાં શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખની તબિયત બગડી
સોમવારે રાત્રે મહારાષ્ટ્રથી એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં આવેલા 30 ધારાસભ્યો પૈકી એકની તબિયત આજે સવારે બગડી હતી. અકોલાના ધારાસભ્ય નીતિન દેશમુખને હૃદયમાં તકલીફ ઉભી થતા તેઓને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સવારે 4 વાગ્યે તેઓને સિવિલ લઈ જવાયા હતા. તેથી સિવિલ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એકનાથ શિંદે સાથે ઉગ્ર બોલાચાલી થવાના પગલે નીતિન દેશમુખની તબિયત બગડી હોવાની વિગતો સાંપડી છે. નીતિન દેશમુખ હોટલની બહાર જવા માંગતા હતા પરંતુ તેમને રોકવામાં આવી રહ્યા હોવાથી પોલીસ સાથે પણ માથાકૂટ થઈ હતી. પોલીસે બહાર જવા નહીં દેતા તે હોટલમાં આવી બેસી ગયા હતા. કોઈ વાહન નહીં મળતા 15 મિનીટ સુધી બેસી રહ્યા હતા.
મારા પતિ ગુમ થયા છે, શિવસેના ધારાસભ્યની પત્નીની ફરિયાદ
અકોલાના આલાપુર વિધાનસભા મતવિસ્તારના શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખની પત્ની પ્રાંજલિ નીતિન દેશમુખે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થવાની ફરિયાદ આપી હતી. પ્રાંજલીએ ફરિયાદમાં લખ્યું છે કે, ગત સાંજથી જ્યારે તે ચૂંટણી બાદ ગુમ છે. રાતથી તેમનો કોઈ સંપર્ક નથી. તેમજ તેમનો મોબાઈલ પણ બંધ છે. તેમના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.
સુરતમાં ગયા છે તે ધારાસભ્યો શિવસેના માટે સમર્પિત છે: સંજય રાઉત
શિવસેનાના 30 ધારાસભ્યો સાથે એકનાથ શિંદે એ સુરતની હોટલમાં ધામા નાંખ્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે ત્યારે બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉત હજુ પણ ઓવરકોન્ફીડન્સમાં જણાઈ રહ્યાં છે. રાઉતે કહ્યું કે, સુરતની હોટલમાં રોકાયેલા શિવસેનાના ધારાસભ્યો પક્ષ માટે સમર્પિત છે. જે પોતાની જાતને કિંગમેકર સમજી રહ્યા છે તે સફળ નહીં થાય, સુરતમાં જે ધારાસભ્યો છે અમે તેમના સંપર્કમાં છીએ. મહારાષ્ટ્રની સરકારને ઉથલાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, ભાજપ યાદ રાખે કે આ મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે