મા લક્ષ્મીની પૂજાથી મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે. જો તમે ઘણા સમયથી આર્થિક તંગીમાં હો તો તમારાં કામની સાથે સાથે મા લક્ષ્મીનું પૂજન અવશ્ય કરવું. શાસ્ત્રો અનુસાર લક્ષ્મીને ‘ચંચળ’ કહી છે અર્થાત્ તે એક સ્થળ પર રોકાતી નથી; એટલે ‘લક્ષ્મી’ અર્થાત્ ‘ધન’ને સ્થાયી (કાયમી-સ્થિર) રાખવા માટે કંઇક ઉપાય, પૂજન, આરાધના, મંત્ર-જપ વગેરેનું વિધાન છે. મા લક્ષ્મીજીને શાસ્ત્રો – પુરાણો – વેદો મુજબ અલગ – અલગ રૂપમાં પૂજવામાં આવે છે. એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે મહાલક્ષ્મીનાં આઠ સ્વરૂપ છે. લક્ષ્મીજીનાં આ આઠ સ્વરૂપ જીવનની આધારશિલા છે. આ આઠ સ્વરૂપોમાં લક્ષ્મી જીવનનાં આઠ અલગ – અલગ વર્ગોમાં જોડાયેલી છે. મહાલક્ષ્મીનાં એ આઠ સ્વરૂપ આ પ્રકારે છે:
(૧) આદ્ય લક્ષ્મી (૨) વિદ્યાલક્ષ્મી (૩) સૌભાગ્ય લક્ષ્મી (૪) અમૃત લક્ષ્મી (૫) કામ લક્ષ્મી (૬) સત્ય લક્ષ્મી (૭) વિજયા લક્ષ્મી (૮) ભોગ લક્ષ્મી તેમજ (૯) યોગ લક્ષ્મી.
(૧) ધનલક્ષ્મી: અષ્ટ લક્ષ્મીઓમાં સૌથી પહેલાં જે લક્ષ્મી હોય છે તેને ‘ધનલક્ષ્મી’ નામથી ઓળખવામાં આવે છે. ધનલક્ષ્મીના રૂપમાં લક્ષ્મી મા પોતાના બધા ભકતજનોની આર્થિક સમસ્યાઓ, દીનતા તેમજ ગરીબીને – તેમના ઘર – પરિવારથી દૂર કરીને તેને ધન-દોલતથી પરિપૂર્ણ કરી ઘરમાં ઋધ્ધિ-સિધ્ધિ (બરકત) આપે છે. ધનલક્ષ્મીની કૃપા જો કોઇ ઘર – પરિવાર પર થઇ જાય; તો સમજો ને કે તેના પરિવાર – કુટુંબમાંથી વ્યર્થનો વ્યય, કરજ (દેવું), અને સમસ્ત પ્રકારની આર્થિક પરેશાનીઓ સમાપ્ત થઇ જાય છે. ધનલક્ષ્મી મંત્ર ‘ૐ ધનલક્ષ્મ્યૈ નમ: દિવાળીમાં લક્ષ્મી પૂજન સમયે ઉપરોકત મંત્રની ઓછામાં ઓછી ૧૧ માળા કરવાથી ધનમાં વૃધ્ધિ થાય છે.
(૨) યશ લક્ષ્મી: કેટલાંક લોકોને તમે એ કહેતાં સાંભળ્યાં હશે કે…. હું જે કામ કરું છું – તેમાં મને માન-સન્માન, યશ અને ઐશ્વર્યની પ્રાપ્તિ નથી થતી. કરીએ છીએ આપણે અને શાબાશી કોઇ બીજાને મળે છે. આવામાં વ્યકિતને જે પોતાના કાર્યમાં યશની પ્રાપ્તિ નથી મળતી – તેઓએ યશ (ઐશ્વર્ય) લક્ષ્મીનું પૂજન કરવું જોઇએ. યશલક્ષ્મી કે ઐશ્વર્ય લક્ષ્મી રૂપમાં લક્ષ્મીને પૂજા – જપ – ઉપાસના – આરાધના કરવાથી વ્યકિતને સંસારમાં માન – સન્માન, યશ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થવા લાગે છે. યશ આપનારી આ દેવી પોતાનાં ભકતજનોને વિદ્વત્તા અને વિનમ્રતાના ગુણ આપે છે અને સંસારમાંથી મળનારી સમસ્ત શત્રુતા મૂળમાંથી દૂર કરી દે છે.
યશલક્ષ્મી – ‘ૐ યશલક્ષ્મ્યૈ નમ: II’ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનના સમયે ઓછામાં ઓછી ૧૧ માળા આ મંત્રનો જપ કરવાથી યશમાં વૃદ્ધિ થાય છે.
(૩) આયુલક્ષ્મી: જયારે કુટુંબમાં કોઇનું સંતાન થાય છે ત્યારે આખો પરિવાર ઇચ્છા કરે છે કે, આ બાળકનું રક્ષણ થાય, તે દીર્ઘાયુ (લાંબું આયુષ્ય) અને નિરોગી રહે. એટલા માટે મનોકામના પૂર્ણ કરવા માટે મા લક્ષ્મીના આયુલક્ષ્મી રૂપની પૂજા કરવી જોઇએ. માનું આ રૂપ શારીરિક અને માનસિક કષ્ટોમાંથી પણ રક્ષણ કરે છે. અને આખા કુટુંબ, ભકતજનો તેમજ વ્યકિતવિશેષના ‘આયુષ્યમાં વૃધ્ધિ કરે છે. ‘ૐ આયુ લક્ષ્મ્યૈ નમ: II’ મંત્રની દિવાળી પર્વમાં લક્ષ્મીપૂજન સમયે ઓછામાં ઓછી ૧૧ માળા જપ કરવાથી આયુષ્યમાં વૃધ્ધિ કરે છે.
(૪) વાહનલક્ષ્મી: જયારે કોઇની ઉપર મા લક્ષ્મીની કૃપા શરૂ થઇ જાય છે, તો તેના ઘરમાં સુખ – સમૃધ્ધિ વધવાની શરૂ થઇ જાય છે. પરિવારની ઇચ્છા અનુસાર વાહનની જરૂર હોય ત્યારે આ દેવીને પ્રસન્ન કરવામાં આવે છે. વાહનની કામના પૂર્તિ માટે મા વાહનલક્ષ્મીની આરાધના કરવી જોઇએ. વાહનલક્ષ્મીની કૃપાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે અને વાહનોનું બરાબર રીતે રક્ષણ, શુભ મંગલ યાત્રા અને વાહનોથી શુભ-લાભની પ્રાપ્તિ થવા લાગે છે. વાહનલક્ષ્મીનો મંત્ર છે: ‘ૐ વાહનલક્ષ્મ્યૈ નમ:II’ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનના સમયે ઓછામાં ઓછી ૧૧ માળા આ મંત્રની જપ કરવાથી વાહનસુખમાં વૃધ્ધિ કરે છે.
(૫) સ્થિરલક્ષ્મી: મા લક્ષ્મીનું એક નામ ‘ચંચળ’ (ચંચલા) પણ છે. લક્ષ્મી સ્થિરતા માટે સ્થિરલક્ષ્મીની પૂજા-ઉપાસનાથી મા લક્ષ્મી ઘરમાં પાર્વતી અને અન્નપૂર્ણા રૂપમાં સ્થાયી રૂપમાં નિવાસ કરે છે. તેમની કૃપાથી ઘરમાં કોઇ પણ પ્રકારની કોઇ કમી નથી રહેતી. અને ઘરમાં હમેશાં ધન – ધાન્યની સમૃધ્ધિ રહે છે. સ્થિર લક્ષ્મીજીનો મંત્ર: ‘ૐ સ્થિર લક્ષ્મ્યૈ નમ:’II દિવાળીના પર્વમાં લક્ષ્મીપૂજનના સમયે ઓછામાં ઓછી ૧૧ માળા આ મંત્રની જપ કરવાથી સ્થિર લક્ષ્મીમાં વૃદ્ધિ કરે છે.
(૬) સત્યલક્ષ્મી: સત્યલક્ષ્મી અને ભાર્યા લક્ષ્મી એક જ છે. મા સત્ય લક્ષ્મીની કૃપા જયારે કોઇ વ્યકિત પર થાય છે ત્યારે વ્યકિતને ઘરની લક્ષ્મી અર્થાત્ મનની ઇચ્છા અનુસાર સુભાર્યા (પત્ની) મળે છે…. જે એક સારી મિત્ર, સલાહ આપનાર ધર્મપત્ની બનીને હંમેશાં તમારો સાથ નિભાવે છે. સત્ય લક્ષ્મીનો મંત્ર: ‘ૐ સત્ય લક્ષ્મ્યૈ નમ:’II દિવાળીના દિવસોમાં લક્ષ્મીપૂજન સમયે ઓછામાં ઓછી ૧૧ માળા આ મંત્રનો જપ કરવો, જેથી સત્યલક્ષ્મીમાં વૃધ્ધિ કરે છે.
(૭) સંતાનલક્ષ્મી: જયારે કોઇને સંતાન ના થાય, તો આ સ્થિતિમાં સંતાનલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. બધી સ્ત્રીઓએ – જેને સંતાન નથી થતાં તેમણે – મા સંતાન લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. સંતાનહીન સ્ત્રી દ્વારા સંતાનલક્ષ્મીની ઉપાસના કરવાથી – સંતાનની પ્રાપ્તિ અને તેમના ગર્ભનું રક્ષણ થાય છે અને જેમનાં સંતાન છે તેમનાં સંતાનનું રક્ષણ પણ સંતાનલક્ષ્મી કરે છે. સાથે જ તેમના વંશની વૃધ્ધિ કરવામાં પણ સંતાનલક્ષ્મીની પૂરી કૃપા રહે છે. સંતાન લક્ષ્મીના રૂપમાં દેવી મા તેમને તેમની ઇચ્છા અનુસાર વરદાન, આશીર્વાદ રૂપે સંતાન આપે છે. સંતાનલક્ષ્મી મંત્ર: ‘ૐ સંતાન લક્ષ્મ્યૈ નમ:II’ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનના સમયે ઓછામાં ઓછી ૧૧ માળા આ મંત્રની જપવી; જેથી સંતાનલક્ષ્મીમાં વૃધ્ધિ કરે છે.
(૮) ગૃહલક્ષ્મી: જે મનુષ્યને મકાનની આવશ્યકતા છે, તેને ગૃહલક્ષ્મીના રૂપમાં મા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. ગૃહલક્ષ્મીના પૂજનથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભકતોના સ્વયંના ઘરમાં સપનાં પૂર્ણ (પૂરાં) કરે છે અને જે મનુષ્ય ભાડાંનાં મકાન કે કોઇ પણ સરકારી મકાન કે સંબંધીના મકાનમાં રહે છે. આજે મા ગૃહલક્ષ્મીની કૃપાથી તેમના આપેલા પ્રસાદરૂપે તેમને મકાન, ગૃહની પ્રાપ્તિ થઇ જાય છે. આ રૂપમાં મા સુખ-સંપદા પોતાનાં બધાં ભકતોને આપે છે. ગૃહલક્ષ્મીનો મંત્ર છે: ‘ૐ ગૃહલક્ષ્મ્યૈ નમ:II’ દિવાળીના દિવસોમાં લક્ષ્મીપૂજનના સમયે ઓછામાં ઓછી ૧૧ માળા આ મંત્રના જપ કરવી.ગૃહલક્ષ્મીમાં વૃધ્ધિ કરે છે.
લક્ષ્મીનાં આ આઠેય સ્વરૂપોના લાભ પ્રાપ્ત કરવાની સાથે સાથે જ લક્ષ્મીજીની નવ કળાઓ પણ પોતાના જીવનમાં વિકાસ માટે તમારે સ્વયં ‘અષ્ટ લક્ષ્મી કવચ’ ધારણ કરવું. જો તમે લક્ષ્મીપ્રાપ્તિના પ્રયાસ તો બહુ જ કર્યા છે પરંતુ કંઇ ને કંઇ કમી નિરંતર અવશ્ય રહી જ જાય છે – તો તમે અષ્ટ લક્ષ્મી કવચ ધારણ કરીને જીવનને સંપૂર્ણ ઐશ્વર્યમય બનાવી શકો છો.
આ વખતે એવી રીતે દિવાળી ઊજવો કે લક્ષ્મીજી તમારી પાસે સ્થિર થઇ જાય!